કાલે અખાત્રીજ, પરશુરામ જયંતીએ 125 વર્ષ પછી 5 ગ્રહોનો શુભ યોગ
ભગવાન ગણેશજી અને વેદવ્યાસે મહાભારત આ દિવસથી લખવાનું શરૂ કર્યું : પ્રાચીન કાળમાં ઋષિમુનિ આ દિવસથી વિદ્યાભ્યાસ પ્રારંભ કરાવતા : વૃષભ, મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિને શુભફળઃ ગુરૂનો અસ્ત હોય લગ્નનું મુહૂર્ત નહીં, સોનાની ખરીદી મોંઘી પણ ગૃહપ્રવેશ-વિદ્યારંભ માટે ઉત્તમ દિવસ
રાજકોટ, : શનિવાર તા. 22 એપ્રિલે અખાત્રીજ અર્થાત્ અક્ષયતૃતિયાના શુભ દિવસે 125 વર્ષ બાદ મેષ રાશિમાં સૂર્ય, ગુરૂ, બુધ, રાહુ અને યુરેનસ એ પાંચ ગ્રહોનો સુભગ સંયોગ સર્જાયો છે અને વિશેષતઃ આ ગ્રહોની શુભદ્રષ્ટિ છે તેમજ સૂર્ય મેષ અને ચંદ્ર વૃષભ ઉચ્ચ રાશિમાં છે જેના કારણે આ દિવસનું જ્યોતિષશાસ્ત્રીય દ્રષ્ટિએ મહત્વ વધી ગયું છે. આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામના આવિર્ભાવ દિવસની પણ ધામધૂમથી ઉજવણી થશે અને અખાત્રીજ નિમિત્તે લોકોએ અનેકવિધ મંગલમય આયોજનો કર્યા છે.
આવો સંજોગ સદીમાં એકાદ વાર ક્યારેક સર્જાયો હોય છે, આ વર્ષે તા.૨૨ એપ્રિલે આ પંચગ્રહી યોગથી વૃષભ,મેષ,કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ શુભફળદાયી નિવડશે તેમ રાજકોટના કૌશિકભાઈ શાસ્ત્રીજીએ જણાવીને ઉમેર્યું કે આ દિવસે જો કે ગુરૂ ગ્રહ અસ્ત થઈ રહ્યો છે ત્યારે પંચગ્રહી યોગ છતાં લગ્નનું મુહૂર્ત અપાયું નથી. પરંતુ, આ દિવસે ખાસ તો જ્ઞાાનપ્રાપ્તિ માટે, વિદ્યાભ્યાસના પ્રારંભ માટે સર્વોત્તમ છે. ભારતના ઋષિમુનિઓ આ દિવસે જ દિક્ષા આપતા અને વિદ્યાભ્યાસ આરંભ કરાવતા હતા. પ્રથમપૂજ્ય દેવ ગણપતિ અને ભગવાન વેદવ્યાસજીએ મહાભારત લખવાનો પ્રારંભ કરવા આ દિવસની પસંદગી કરી હતી.
અક્ષય તૃતિયાને સ્વયંસિધ્ધ, વણજોયુ મુહૂર્ત સદીઓથી માનવામાં આવે છે અને તેના પગલે આ દિવસે ગૃહપ્રવેશ,નવા કાર્યની શરૂઆત વગેરેનું મહત્વ છે. કેટલાક લોકો આ દિવસે સોના ચાંદી સહિત કિંમતી વસ્તુની ખરીદી કરતા હોય છે પરંતુ, આ વર્ષે સોના-ચાંદીના ભાવ અસહ્ય વધી ગયા છે અને તે કારણે બજારમાં મંદી છે. પરંતુ, પરંપરાગત મહત્વ મૂજબ આ દિવસે વિદ્યારંભ સર્વોત્તમ ગણાય છે. અક્ષય એટલે કદિ ક્ષય ન થાય તવો અર્થ થતો હોય છે ત્યારે અન્નપૂર્ણા દેવીની પૂજાનું પણ મહત્વ છે.
વર્ષમાં વણજોયા પાંચ શુભમુહૂર્તો ક્યા ક્યા છે?
ભારતમાં સદીઓથી વર્ષના પાંચ દિવસોને અતિ શુભ મનાય છે જ્યારે માંગલિક કાર્યો કરાતા રહ્યા છે. (1) અખાત્રીજ,અક્ષયતૃતિયા. (2)અષાઢી બીજ (3) વિજ્યાદશમી (દશેરા) (4) લાભ પાંચમ (5)વસંત પંચમી