For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગૌ માતાના નામે મત માંગનારા પક્ષ ભીંસમાં મુકાયો, દાણીલીમડા ઢોરનાં ડબામાં ૩૫થી વધુ ગાયના મોતના આક્ષેપથી મ્યુ.બોર્ડ બેઠકમાં ભારે હોબાળો

સી.એન.સી.ડી.વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

ગાયના મોતને લઈ બેઠકમાં કોંગ્રેસનાં આક્ષેપ બાદ બંને પક્ષનાં કોર્પોરેટરો આમને-સામને સૂત્રોચ્ચાર કરતા બેઠક આટોપી લેવાઈ

Updated: Sep 23rd, 2022


અમદાવાદ,શુક્રવાર,23 સપ્ટેમ્બર,2022

દાણીલીમડા ખાતે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ઢોરના ડબામાં બે દિવસમાં ૩૫થી વધુ ગાયનાં મોત થયા હોવાનો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં આક્ષેપ કરતા બેઠકમાં ભારે હોબાળો મચી ગયો હતો.ગૌ માતાના નામે મત માંગવાનું બંધ કરો એવા વિપક્ષી કોર્પોરેટર તરફથી કરવામા આવેલા આક્ષેપથી ભાજપના કોર્પોરેટરો છંછેડાઈ જતા બંને પક્ષના કોર્પોરેટરો આમને-સામને આવી જઈ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરોએ ડાયસ ઉપર પહોંચી જઈ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને ગાયની પ્રતિકૃતિ આપતા પરિસ્થિતિ વણસતી જતી જોઈ મેયરે  ઝડપથી એજન્ડા ઉપરના કામ હાથ ઉપર લઈ બેઠક આટોપી લેવી પડી હતી. . દાણીલીમડા ખાતે આવેલા મ્યુનિ.ના ઢોર ડબામા બે દિવસમા ૩૫થી વધુ ગાયના મોતના મ્યુનિ.બોર્ડ બેઠકમાં કોંગ્રેસના આક્ષેપ બાદ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી સી.એન.સી.ડી.વિભાગના અધિકારી નરેશ રાજપૂત અને ડોકટર પ્રતાપસિંહ રાઠોડને સસ્પેન્ડ કરવાનો મ્યુનિસિપલ કમિશનરે નિર્ણય કર્યો હતો.દરમિયાન આસીસ્ટન્ટ ઝૂ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ડોકટર દિવ્યેશકુમાર સોલંકીને અન્ય હુકમ ના થાય ત્યાં સુધી તેમની કામગીરી ઉપરાંત સી.એન.સી.ડી.વિભાગની કામગીરી સંભાળી પશુઓની સઘન સારવાર કરવાની ફરજ સોંપવામા આવી છે.

મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં કોંગ્રેસના ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઈકબાલ શેખે ૨૧મી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે ગોમતીપુર વોર્ડમાં માલધારી સમાજના લોકો દ્વારા પોતાના ઘરોમાં બાંધેલા ૫૪ જેટલા પશુઓને પોલીસની મદદથી સી.એન.સી.ડી.વિભાગની ટીમ દ્વારા પકડવામા આવ્યા હોવાની રજુઆત કરી હતી.આ પૈકી એક ગાય થરથર કાંપતી પટેલ મિલ જાહેર રસ્તા ઉપર પહેલા માળે ચઢી જતા સી.એન.સી.ડી.વિભાગના કર્મચારીઓ ગાયને પકડવા પહેલા માળે મકાનમા ચઢી જતા ગાયે બચવા પહેલે માળેથી ભૂસકો માર્યો હતો.ગાયને પગમા ત્રણ ફેકચર હોવા છતાં સીએનસીડી વિભાગના કર્મચારીઓ તેને બેરહેમીપૂર્વક ગાડીમા લઈ ગયા હતા.બાદમાં ગાયના માલિક દ્વારા જાણવા મળ્યુ કે,ગાયનુ ઢોરવાડામા મોત થયુ હતુ.જો આ વાત સાચી હોય તો સીએનસીડી વિભાગના જવાબદાર અધિકારી સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ

દરમિયાન બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કમળાબેન ચાવડાએ રજુઆતમા સુર પુરાવતા કહયુ,દાણીલીમડામા આવેલા ઢોરના ડબામા  બે દિવસમા ૩૫થી વધુ ગાયના મોત થઈ ગયા હોવાછતાં તમારુ રુવાંડુ કેમ ફરકતુ નથી? કોંગ્રેસના ઉપનેતા નિરવબક્ષીએ કહયુ,ગાયના નામે મત માંગવાનુ બંધ કરો.આ સમયે ભાજપના કોર્પોરેટરોએ ઉભા થઈ હોબાળો કરતા મેયરે તમામને શાંત થઈ બેસવાની સુચના આપવી પડી હતી.દરમિયાન ગોમતીપુર વોર્ડના કોર્પોરેટરે કહયુ,આ એક સંવેદનશીલ વિષય છે અને રોડ કમિટીના ચેરમેન પણ માલધારી સમાજમાંથી આવે છે એટલે આ રજુઆત શાંતિથી સાઁભળજો.આટલુ કહેતા રોડ કમિટીના ચેરમેને ઉભા થઈ કહયુ,પહેલા તમારા વિસ્તારમા ચાલતા કતલખાના બંધ કરાવો.મહાદેવ દેસાઈના આક્ષેપ સામે કોંગ્રેસના કોર્પોરેટરોએ એક થઈ કહયુ,સત્તા તમારી છે,પોલીસ તમારી છે કરાવોને કાર્યવાહી અમે કયાં ના પાડીએ છીએ? કોંગ્રેસના આ વાર બાદ તરત જ કોંગ્રેસના કોર્પોરેટરોએ હાય રે ભાજપ હાય હાય અને ગાયના નામે મત માંગવાની રાજનિતી બંધ કરો એવા સૂત્રોચ્ચાર શરુ કરતા બંને પક્ષના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા.દરમિયાન ૩૫ ગાયના મોત મામલે વિજીલન્સ તપાસની માંગ કરવાની સાથે કોંગ્રેસના રાજશ્રી કેસરી સહિતના કોર્પોરેટરોએ ડાયસ ઉપર જઈ મેયર કિરીટ પરમાર અને કમિશનર લોચન સેહરાનેઘેરાવ કરી ગાયની પ્રતિકૃતિ આપ્યા બાદ બેઠક મેયરે આટોપી લીધી હતી.લાંભા વોર્ડના અપક્ષ કોર્પોરેટર કાળુભાઈ ભરવાડે પણ દાણીલીમડા ઢોરના ડબામા બે દિવસમાં ૩૫થી વધુ ગાયના મોત થયા હોવાની વાતને સમર્થન આપ્યુ હતું.

૩૫થી વધુ  ગાયના મોત અંગે કોર્પોરેટરોને પણ ઢોર ડબામા જવા ના દેવાયા

દાણીલીમડા ઢોરના ડબામા બે દિવસમાં ૩૫થી વધુ ગાયના મોત અંગે માલધારીઓ તરફથી સમાચાર મળતા કોંગ્રેસના કોર્પોરેટરો ઈકબાલ શેખ અને કમળાબેન ચાવડા શુક્રવારે બપોરે દાણીલીમડા ખાતે આવેલા ઢોરના ડબા ખાતે પહોંચતા કોર્પોરેટરોને અંદર પ્રવેશ આપવાનો સી.એન.સી.ડી.વિભાગના અધિકારી દ્વારા ઈન્કાર કરી દેવામા આવ્યો હતો.દરમિયાન કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરનો ફોનથી સંપર્ક સાધવા પ્રયાસ કરતા કમિશનરે પણ ફોન રીસીવ કર્યો નહોતો.આ બાબત બાદમા મળેલી મ્યુનિ.બોર્ડ બેઠકમા ઉગ્ર સ્વરુપમા બહાર આવવા પામી હતી.૩૫ થી વધુ ગાયના મોત થયા છે કે નહીં? એ બાબતની તપાસ કરવા માટે કોંગ્રેસના કોર્પોરેટરોને કેમ રોકવામા આવ્યા? કયા કારણથી મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેટરના ફોન રીસીવ ના કર્યા એ અંગે કોંગ્રેસના કોર્પોરેટરના આક્ષેપોનો મેયર કે કમિશનરે પણ જવાબ આપવાનુ બોર્ડ બેઠકમાં ટાળતા બેઠકમા હોબાળો મચી ગયો હતો.

ગત ટર્મમા ૯૬ ગાયો ઢોરવાડામાંથી ગાયબ કરી દેવામા આવી હતી

દાણીલીમડા ખાતે આવેલા ઢોરના ડબામા રાખવામા આવેલી ૩૫ થી વધુ ગાયના મોત મામલે મ્યુનિ.બોર્ડ બેઠકમા થયેલા હોબાળા દરમિયાન ગત ટર્મમા ઢોરવાડામાંથી ૯૬ ગાય રાતોરાત ગાયબ કરી દેવાઈ હોવાનો મુદ્દો પણ ચમકયો હતો.પૂર્વ મેયર અમિત શાહે એ સમયે બોર્ડ બેઠકમાં ગાય ગાયબ થવા અંગે રજુઆત કરતા તત્કાલીન મ્યુનિ.કમિશનર વિજય નહેરાએ ગાયો ગાયબ થવા અંગે તપાસ સમિતિ રચી હતી.ઉપરાંત બીજી બોર્ડ બેઠક મળે એ પહેલા ગાયબ કરી દેવામા આવેલી ગાયો ચુપચાપ પાછી આવી ગઈ હોવાનુ બતાવી તપાસ અભેરાઈ ઉપર ચઢાવી દેવામા આવી હતી.

દાણીલીમડા ઢોરના ડબા ખાતે માલધારીઓ મોટી સંખ્યામા ઉમટી પડયા

૩૫થી વધુ ગાયના મોતના સમાચાર મળતા જ શહેરના વિવિધ વિસ્તારમાંથી જે માલધારીઓના પશુ પકડી ઢોરના ડબામા પુરવામા આવ્યા હતા એ તમામ મોટી સંખ્યામાં તેમના પશુની શુ સ્થિતિ છે? એની તપાસ કરવા માટે દાણીલીમડા ખાતે આવેલા ઢોરના ડબા ખાતે ઉમટી પડયા હતા અને તેમના પશુઓની સ્થિતિ શુ છે એ જાણવા માટે સ્થળ ઉપર જ બેસી જતા મ્યુનિસિપલ કોર્પોરેશનને મોટી સંખ્યામા પોલીસ ફોર્સની મદદ લેવાની ફરજ પડતા ઢોરના ડબા આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.

ભાજપના ઘાટલોડીયાના કોર્પોરેટરે પણ સી.એન.સી.ડી.વિભાગની કામગીરી સામે આક્ષેપ કર્યા હતા

ઘાટલોડીયા વોર્ડના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે થોડા મહિનાઓ અગાઉ સી.એન.સી.ડી.વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા પશુપાલકોના પશુ નહીં પકડવા અંગે દર મહિને ૧થી ૬ તારીખમા હપ્તા વસૂલવામા આવતા હોવાથી પશુ પકડવામા આવતા ના હોવાનું પશુ પાલકોનો અભિપ્રાય હોવાનો આક્ષેપ કરતા ભાજપમા જ હોબાળો મચી ગયો હતો.બાદમાં આ કોર્પોરેટરને ગાયો વિશે જાહેરમા કોઈ નિવેદન ન કરવાની પક્ષ તરફથી સુચના આપવામા આવી હતી.

૪૫૦૦ પશુ પૈકી ૩ હજાર આખલા દાણીલીમડાના ઢોરના ડબામા રખાયા છે

દાણીલીમડા ખાતે આવેલા ઢોરના ડબામા હાલમા ૪૫૦૦ જેટલા પશુ રાખવામા આવ્યા છે.ઘાસચારાની કોઈ અછત નથી.પરંતુ ઢોર ડબામા હાલમા ૪૫૦૦ પશુ પૈકી ત્રણ હજાર આખલા અને ૧૫૦૦ જેટલી ગાય રખાઈ છે જે પૈકી મોટી સંખ્યામા ગાય નબળી અથવા બીમાર છે.

સી.એન.સી.ડી.વિભાગનો વધારાનો ચાર્જ સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેકટરને સોંપાયો

મ્યુનિસિપલ બોર્ડ બેઠકમા ૩૫થી વધુ ગાયના દાણીલીમડા ઢોરના ડબામા મોત થયાના આક્ષેપ બાદ એક જ કલાકમા મ્યુનિસિપલ કમિશનરે સી.એન.સી.ડી.વિભાગની જવાબદારી ડાયરેકટર ઓફ સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેકટર હર્ષદરાય સોલંકીને સોંપવાનો ઓર્ડર કરવો પડયો છે.તેઓ બીજો હુકમ ના થાય ત્યાં સુધી બંને વિભાગની કામગીરી સંભાળશે.


Gujarat