For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજકોટમાં ટેક્ષ લેણુ રૂ।. 1271 કરોડ! વાર્ષિક માંગ જેટલી પણ વસુલાત નહીં

- કોર્પોરેટરોના વાણી વિલાસમાં મનપાની આર્થિક કટોકટીનો પ્રશ્ન દબાયો

- કૂલ 5,53,314 મિલ્કતોમાં માત્ર 2,44,175એ ટેક્સ ભર્યો

Updated: Nov 19th, 2021


એક વર્ષનો કુલ ટેક્ષ રૂ।. 245 કરોડ સામે 156 કરોડની આવક   : નબળી વસુલાતને લીધે આવકમાં 37 કરોડની ખાધ, 293 કરોડની આવક સામે રૂ।. 333 કરોડનો ખર્ચ 

રાજકોટ, : મનપાની જનરલ બોર્ડમાં કોર્પોરેટરોએ વાણી વિલાસ આચરીને  મનપાના ગંભીર પ્રશ્નોને ચર્ચા વગર છોડી દીધા હતા ત્યારે બોર્ડમાં પુછાયેલા હાઉસટેક્સના  પ્રશ્ન પરત્વે જારી કરાયેલી વિગત અનુસાર મનપાનું રાજકોટમાં ટેક્સ લેણું અધધધ રૂ।.૧૨૭૧ કરોડે પહોંચી ગયું છે. શહેરમાં વર્ષે રૂ।.૨૪૫ કરોડનો ટેક્સ વસુલવાનો હોય છે, એટલી રકમના દર વર્ષે બિલ બને છે જે સામે આ વર્ષે રૂ।.૩૪૦ કરોડની આવકના લક્ષ્યાંક સામે માત્ર રૂ।.૧૫૬ કરોડની વસુલાત થઈ છે. આ વસુલાત પણ વાસ્તવમાં લોકોએ સ્વેચ્છાએ ડિસ્કાઉન્ટ સ્કીમ અન્વયે સામેથી ભરેલી રકમ છે.

ટેક્સ બ્રાન્ચની નબળી વસુલાતનું પરિણામ હવે ગંભીર સ્વરૂપે મનપાના બજેટ પર દેખાયું છે. જન.બોર્ડમાં જ પુછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં તંત્રે જાહેર કર્યા મૂજબ ચાલુ વર્ષે તા.૩૦-૯ સુધીમાં મનપાની કૂલ આવક રૂ।.૨૯૩.૩૪ કરોડની થઈ છે, આ સામે ખર્ચ રૂ।.૩૩૦-૧૯ કરોડનો થયો છે, એટલે કે આવક કરતા રૂ।.૩૬.૮૪ કરોડનો ખર્ચ વધી ગયો છે, પછેડી કરતા સોડ મોટી તણાઈ ગઈ છે! એ વાતનો ખુલ્લો એકરાર કરાયો છે.

આ સ્થિતિમાં મનપાની મુખ્ય આવક હાઉસટેક્સ છે. મનપાના ચોપડે શહેરમાં ૫,૫૩,૩૧૪ મિલ્કતો છે જેમાં ૧.૪૧ લાખ કોમર્શીયલ મિલ્કતો અને કારખાના છે. આ પૈકી આજ સુધીમાં 58,000 કોમર્શીયલ મિલ્કતો સહિત ૨,૪૪,૧૭૫ મિલ્કતધારકોએ જ મનપાને કૂલ રૂ।.૧૫૬ કરોડનો ટેક્સ ચૂકવ્યો છે.આ ટેક્સ વસુલવા મનપાએ લોકોને રૂ।.૧૧ કરોડનું રોકડ વળતર આપ્યું છે. આમ, ટેક્સની વસુલાત ઓછી પણ લોકોએ સ્વેચ્છાએ કરેલું ચૂકવણું જ મુખ્ય છે.  મનપાનું વાર્ષિક ટેક્સ માંગણુ રૂ।.૨૪૫ કરોડ છે અને વર્ષો જુની બાકી રકમ રૂ।.૯૯૪ કરોડની છે. 

આટલી ગંભીર આર્થિક સ્થિતિ છતાં મનપા ૩.૦૯ લાખ મિલ્કતધારકો પાસેથી ટેક્સ વસુલવા નક્કર આયોજન કે ઝૂંબેશ કર્યા નથી. આ મિલ્કતધારકોમાં ૧૪૭૧ તો એવી મિલ્કતો છે જે દરેક પર રૂ।.૫ લાખથી વધુ રકમનું લેણુ બાકી છે.

Gujarat