હોસ્પિટલમાં પથારીવશ દર્દીઓ માટે વિશેષ પ્રકારના ગાઉન ડિઝાઈન કર્યા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ટેક્સટાઈલ એન્ડ એપેરલ ડિઝાઈનની વિદ્યાર્થિનીએ પહેલી વખત હોસ્પિટલમાં દાખલ પથારીવશ દર્દીઓને પહેરવા માટે વિશેષ ગાઉન ડિઝાઈન કર્યું છે.
સામાન્ય રીતે કપડાની ડિઝાઈન ફેશનના લેટેસ્ટ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને કરવા પર ફોકસ રહેતું હોય છે ત્યારે વિદ્યાર્થિની કશિશ પંચાલે દર્દીઓની પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને ગાઉન ડિઝાઈન કર્યું છે.આ માટે તેણે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં દાખલ અને પથારીવશ એવા ૪૦ દર્દીઓના અને તેમની સારવાર કરતા ૪૦ કર્મચારીઓના ઈન્ટરવ્યૂ લીધા હતા.
કશિશ કહે છે કે, સરકારી હોસ્પિટલોમાં મોટાભાગે દાખલ દર્દીઓને કયા પ્રકારના કપડાની જરુરિયાત છે તેના પર ધ્યાન નથી અપાતું.ઘણી-ખરી વખત સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ ઘરના જ કપડા પહેરતા હોય છે.મેં દર્દીઓ માટે ગળું, બાંયોને ધ્યાનમાં રાખી ગાઉન ડિઝાઈન કર્યું છે.ગાઉનમાં કેટલીક જગ્યાએ કટ પણ રાખ્યા છે.જેથી કરીને દર્દીઓ તેને આરામથી પહેરી પણ શકે તથા તેમની સારવાર કરનાર નર્સોને પણ ગાઉનના કારણે તકલીફ ના પડે.દર્દીઓ હાથ અને પગનું હલન ચલન પણ આસાનીથી કરી શકે છે.
ગાઉન પર ડાઘા પડે તો આસાનીથી ધોઈ શકાય તેપ્રકારનું કોટન કાપડ મેં પસંદ કર્યું છે.ઉપરાંત તેને તૈયાર કરવા માટે વધારે ખર્ચ પણ આવે તેમ નથી.