Get The App

માઢીયા નજીક રેઈડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું હાર્ટ એટકથી મોત

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
માઢીયા નજીક રેઈડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું હાર્ટ એટકથી મોત 1 - image


હોસ્પિટલમાં બ્લડપ્રેશર ચેક કર્યું ત્યાં સુધીમાં એટેક આવી ગયો

વહેલી સવારે દારૂનો જથ્થો અને એક આરોપી ઝડપી લીધાં બાદ પીએસઆઈને છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો

ભાવનગર: સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમે આજે વહેલી સવારે ભાવનગરના માઢીયા ગામ પાસેથી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. બાદમાં અચાનક રેઈડિંગ ટીમના પીએસઆઈને છાતીમાં દુઃખાવો થતાં તેમને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતીન નોંધ કરી છે. બીજી તરફ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂના જથ્થા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચીન રાજકુમાર શર્મા તથા તેમની ટીમ આજે વહેલી સવારે ૪ કલાકના અરસમાં બાતમીના આધારે અમદાવાદથી ભાવનગર તરફ આવી રહેલી દારૂ ભરેલી કારનો પીછો કરી રહ્યાં હતા. આ દરમિયાન અચાનક કારે અમદાવાદ તરફ યુ-ટર્ન લઈ લેતા એસએમસીની ટીમે તેમનો પીછો શરૂ રાખ્યો હતો. આ દરમિયાન માઢીયા પાસે કાર અચાનક બંધ થતાં કારમાં સવાર બે શખ્સો એસએમસીની ટીમને જોઈને નાસી છૂટયા હતા. પરંતુ એસએમસીની ટીમે બન્ને શખ્સોનો પીછો કર્યો હતો. જેમાં અશોક બિશ્નોઈ નામના શખ્સને એસએમસીએ ઝડપી લીધો હતો અને કારમાં રાખેલો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. આ દરમિયાન રેઈડિંગ ટીમના પીએસઆઈ સચીન શર્માને અચાનક છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. જેથી દારૂ અને આરોપીને વેળાવદર ભાલ પોલીસ મથકમાં મુકી પીએસઆઈને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન સવારે ૭.૦૫ કલાકના અરસામાં મોત થયું હતું. જ્યારે પીએમ બાદ તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે હરિયાણા રવાના કરાયો હોવાનું જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે હોસ્પિટલમાં પીએસઆઈનું બ્લડપ્રેશર ચેક થઈ રહ્યું હતું ત્યાં અચાનક તેમને હાર્ટએટેક આવી ગયો હતો. બનાવ અંગે શહેરના નિલમબાગ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ થઈ છે. જ્યારે ઝડપાયેલા દારૂના જથ્થા અંગે વેળાવદર ભાલ પોલીસ મથકમાં ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી છે.

Tags :