સ્માર્ટ સીટી બન્યું બીમાર સીટી , અમદાવાદમાં રોગચાળા મામલે મ્યુનિ.કચેરી ખાતે કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે દેખાવ કર્યા

મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં સોનોગ્રાફી ટેસ્ટ માટે એક મહિના બાદની તારીખ અપાય છે

       

 અમદાવાદ,ગુરુવાર, 22 સપ્ટેમ્બર,2022

અમદાવાદમાં વરસાદના વિરામ બાદ મચ્છરજન્ય રોગના કેસ વધવાની સાથે સ્વાઈનફલુના અત્યાર સુધીમાં એક હજાર કેસ નોંધાવાને કારણે સ્માર્ટસીટી બીમાર સીટી બન્યુ હોવાના આક્ષેપ સાથે વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કચેરી ખાતે વહીવટી તંત્ર અને સત્તાધીશોની રોગચાળાને અંકુશમાં લેવા અંગે નિષ્ફળતા સામે સૂત્રોચ્ચાર સાથે મેયરને આવેદન પત્ર આપી ફોગીંગ કામગીરીને લઈ વિજિલન્સ તપાસની માંગ કરાઈ હતી.મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં સોનોગ્રાફી ટેસ્ટ માટે એક મહિના બાદની તારીખ દર્દીઓને આપવામા આવતી  હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

શહેરમા મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યૂ સહિતના કેસમાં સતત વધારો થઈ રહયો છે.આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના સમયમા સ્વાઈનફલુના એક હજાર કેસ નોંધાયા છે.સ્વાઈનફલુથી અત્યારસુધીમા દસ દર્દીના મોત થયા છે.આમ છતાં સત્તાધારી પક્ષના સત્તાધીશો વહીવટીતંત્ર પાસેથી રોગચાળાને નિયંત્રણમાં લેવા અસરકારક કામગીરી કરાવવામા નિષ્ફળ રહયા હોવાના આક્ષેપ સાથે વિપક્ષનેતા શહેજાદખાન પઠાણ, ઉપનેતા નિરવબક્ષી,હાજી અસરાર બેગ સહિત અન્ય કોર્પોરેટરોએ મેયર કિરીટ પરમારને આવેદનપત્ર આપ્યુ હતું.શહેરમાં ફોગીંગની કામગીરી કરવા પાછળ આ વર્ષે પંદર કરોડનો ખર્ચ કરાયો હોવા અંગે વિજિલન્સ તપાસની માંગ કરાઈ હતી.

 કોંગ્રેસના ઈકબાલ શેખે સ્માર્ટસીટી અમદાવાદ મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં સોનોગ્રાફી જેવા ટેસ્ટ માટે પણ એક કે દોઢ મહિના બાદની તારીખ દર્દીઓને આપવામા આવતી હોવાની સાથે ડી-હાઈડ્રેશન અથવા વાયરલ ફીવર જેવા રોગની સારવાર માટે ઉપયોગમા લેવાતી દવાઓની હોસ્પિટલમાં અછત હોવાની રજૂઆત કરી હતી.ડેન્ગ્યૂ માટે એન્ટિજન ટેસ્ટ કે ટાઈફોઈડ  અને થાઈરોઈડ જેવા રોગ માટે પણ જરુરી ટેસ્ટ કરવામા આવતા નથી એવી રજૂઆત કરવામા આવી હતી.

બીબી તળાવ ચોકનું નામ સદભાવના ચોક કરવા સામે વિરોધ

વટવા વોર્ડમાં આવેલા ઐતિહાસિક બીબી તળાવના નામ સાથે બીબી તળાવ ચાર રસ્તાને  ઓળખવામા આવી રહયો છે.ભાજપ દ્વારા બીબી તળાવ ચોકનું નામ બદલીને સદભાવના ચોક રાખવા આજે શુક્રવારે એક કાર્યક્રમ રાખવામા આવ્યો છે.વિપક્ષ કોંગ્રેસ દ્વારા વર્લ્ડ હેરીટેજ શહેરનો દરજજો ધરાવનારા શહેરમા ઐતિહાસિક સ્થાપત્યો સાથે સંકળાયેલા નામ બદલી ઈતિહાસ ભૂંસવામાં આવી રહયો હોવાના આક્ષેપ સાથે આ નવા નામકરણ સામે વિરોધ કરી મેયરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતું.

City News

Sports

RECENT NEWS