For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નરોડામાં પોલીસ કર્મીની હત્યાના પ્રયાસમાં પાંચ આરોપીઓના આગોતરા કોર્ટે ફગાવ્યા

Updated: Sep 24th, 2022

Article Content Image

અમદાવાદ,તા.24 સપ્ટેમ્બર 2022,શનિવાર

શહેરના નરોડા વિસ્તારમાં પોલીસ જવાન પર લોખંડની પાઇપ, બેઝબોલ સહિતના હથિયારો વડે ક્રૂરતાપૂર્વક હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કરવાના ચકચારભર્યા કેસમાં પાંચ આરોપીઓના આગોતરા જામીન અત્રેના એડિશનલ સેશન્સ જજ વી.એ.રાણાએ  ફગાવી દીધા છે. તમામ પાંચ આરોપીઓના આગોતરા જામીન ફગાવતાં કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, પોલીસ પેપર જોતા આરોપીઓ સામે સંખ્યાબંધ ગુના છે અને તેમનો ભૂતકાળ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ત્યારે આવા ગંભીર પ્રકારના ગુનામાં આરોપીઓને આગોતરા જામીન પર મુક્ત કરી શકાય નહીં. આવા ગંભીર કેસમાં આરોપીઓની કસ્ટોડિયલ ઇન્ટ્રોગશન જરૂરી છે અને તેથી તમામના આગોતરા જામીન ફગાવી દેવામાં આવે છે. 

આરોપીઓનો ભૂતકાળ ગુનાહિત ઇતિહાસ ધરાવતો છે અને તેઓની સામે ઘણા ગંભીર ગુનાઓ નોધાયેલા છે ત્યારે આગોતરા ના આપી શકાય ઃ કોર્ટ 

સેશન્સ કોર્ટ દ્વારા જે પાંચ આરોપીઓના આગોતરા જામીન ફગાવાયા તેમાં આરોપી મુકેશ રમેશભાઇ ઠાકોર, હારૂન જબ્બાર શેખ, ઉસ્માન યુનુસ શેખ, પ્રદ્યુમનસિંહ ઉર્ફે ટીલ્લુ રાજેન્દ્રસીંગ ચૌહાણ અને રાજેશ ઉર્ફે ફુગ્ગો ઉદેસિંહ ઠાકોરનો સમાવેશ થાય છે. પાંચેય આરોપીઓની આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે આ કેસમાં તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર કે.વાય.વ્યાસેનું બહુ મહત્વનું સોંગદનામું રજૂ કર્યું હતું અને આરોપીઓના આગોતરા જામીન ફગાવી દેવાની દલીલો કરતાં જણાવ્યું હતું કે, હુમલાનો ભોગ બનનાર નરોડા પોલીસમથકના કોન્સ્ટેબલ જવાને અગાઉ હારૂન સામે પ્રોહીબીશનની ફરિયાદ કરી હતી, જેની અદાવત રાખીને આ તમામ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પોલીસ જવાન દેવેન્દ્રસિંહ ભીખુભા ઝાલા પર લોખંડની પાઇપ, લાકડી, બેઝબોલ સહિતના ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને જાહેરમાં પોલીસ જવાનની હત્યાનો પ્રયાસ થયો હતો. આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલને બહુ જ ગંભીર ઇજાઓ પહોંચી છે, જેના કારણે તેને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે. આરોપીઓ રીઢા ગુનેગારો છે અને તેઓની વિરૂધ્ધ અગાઉ પણ સંખ્યાબંધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ પોલીસ પર હુમલાના ગંભીર કેસમાં સંડોવાયેલા છે ત્યારે જો આવા ગુનેગારોને જામીન આપવામાં આવે તો કાયદાનું પાલન કરાવનાર પોલીસનું મોરલ ડાઉન થાય તેમ છે, અને આવા ગુનેગારોને ગુનો આચરવા માટે મોકળુ મેદાન મળે, જેનાથી સમાજમાં અવળો સંદેશો જાય. આ સંજોગોમાં કોર્ટે તમામ આરોપીઓના આગોતરા જામીન ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે પાંચેય આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.  

- આરોપીઓ વિરૂધ્ધ ઢગલાબંધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે 

મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે કોર્ટનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, આરોપીઓ ખૂબ જ રીઢા ગુનેગાર છે અને તેઓની વિરૂધ્ધ શહેરના જુદા જુદા પોલીસમથકોમાં ઢગલાબંધ ગુનાઓ નોંધાયેલા છે. જેમાં આરોપી મુકેશ રમેશભાઇ ઠાકોર વિરૂધ્ધ નરોડા, સરદારનગર, નિકોલમાં, સિરોહીમાં ચોરી, પ્રોહીબીશનના ૧૪ ગુના નોંધાયેલ છે અને એક વાર પાસા પણ થઈ ચૂકી છે. આ જ પ્રકારે આરોપી હારૂન જબ્બાર શેખ વિરૂધ્ધ પણ નરોડા અને સાઠંબામાં ૧૦ ગુના નોંધાયેલ છે અને એક વાર પાસા હેઠળ જેલમાં જઇ આવ્યો છે. તો, આરોપી રાજેશ ઠાકોર સામે નરોડા, ડભોડામાં ચોરી, પ્રોહીબીશનના છ ગુના નોંધાયેલ છે જયારે આરોપી ઉસ્માન યુનુસ શેખ વિરૂધ્ધ નરોડામાં મારામારી, પ્રોહીબીશનના બે ગુના નોંધાયેલ છે. આમ, આરોપીઓ બહુ ગંભીર પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કોર્ટે આ વાત ધ્યાનમાં લીધી હતી.

Gujarat