SAGમાં પ્રમોશનના બે વર્ષથી નિર્ણય ન લેવાતા સ્ટાફ નારાજ
ડાયરેક્ટર સ્પોર્ટ્સ ઓથોરિટીને ફરિયાદ કરવામાં આવી
ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર ૪૧ અને ચીફ કોચની ૪ જગ્યા માટે રાહ જોઈ રહેલા કર્મચારીઓ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં બે વર્ષથી વધુ વર્ષથી પ્રમોશન આપવાની કામગીરી થંભાવી દેવામાં આવી હોવાથી સ્ટાફના સભ્યોમાં નારાજગી વધી ગઈ છે. તેમના પ્રમોશન સાથે આવતા પગાર વધારાથી પણ વંચિત રહેતા હોવાથી તેમની નારાજગી વધુ વ્યાપક બની રહી છે. તેથી જ આ સંદર્ભમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલને એક ફરિયાદ કરવામાં આવી છે. પ્રમોશન આપવા માટે સૌથી પહેલા મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. મેરિટ લિસ્ટમાંથી સૌથી પહેલા રોસ્ટર પદ્ધતિના ઉમેદવારને પસંદ કરવાના આવે છે. પરંતુ રોસ્ટર પદ્ધતિનો અમલ જ ન થતો હોવાની ફરિયાદ છે.
પ્રમોશથી વંચિત રહેલા સંખ્યાબંધ અધિકારીઓએ તેમના વર્તમાન કાર્યકાળમાં રાજ્ય સ્તરના અને રાષ્ટ્રીય સ્તરને ખેલાડીઓ પેદા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું જોવા મળે છે. છતાં તેમને પ્રમોશન મળતા ન હોવાથી તેઓ મેનેજમેન્ટથી ખફા થઈ રહ્યા છે.
બીજી તરફ પ્રમોશન આપવામાં રોસ્ટર પદ્ધતિનો અમલ પણ ન થતો હોવાની ફરિયાદ છે. રોસ્ટર સિસ્ટમમાં સૌથી પહેલા શિડયુલ ટ્રાઈબ્સના ઉમેદવારને અગ્રક્રમ આપવામાં આવે છે. ત્યારબાદ જનરલ કેટેગરીના ઉમેદવારને સ્થાન આપવાનો નિયમ છે. ત્રીજા ક્રમે શિડયુલ કાસ્ટના ઉમેદવારને પસંદ કરવાનો નિયમ છે. ત્યારબાદ ફરીથો ચોથા ક્રમે શિડયુલ કાસ્ટના ઉમેદવારની પસંદગી કરવાનો રોસ્ટર સિસ્ટમમાં નિયમ છે. આ નિયમ મુજબ શિડયુલ ટ્રાઈબ્સને હોય તે ઉમેદવાર સૌથી પહેલી પસંદગી પામવાને પાત્ર બને છે. લિસ્ટમાંથી તેનો નંબર પહેલો પસંદ કરવાનો હોય છે. આ નિયમનું પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પાલન કરવામાં આવતું જ નથી.
અત્યારે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસરની ૪૧ જગ્યા અને ચીફ કોચની ૪ જગ્યા ખાલી પડેલી છે. આ જગ્યા ભરાય તો નીચેના કર્મચારીઓ આપો આપ સીડીના ઉપલા પગથિયા પર આવે તે માટેનો રસ્તો ખૂલ્લો થાય છે. દસ દસ વર્ષથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં કામ કરતાં કર્મચારીઓને તેમને મળવા પાત્ર પ્રમોશન મળ્યા જ ન હોવાની મોટી ફરિયાદ થઈ છે.