રાજકોટ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીની આત્મહત્યા


જેલમાં ગમતું ન હોવાથી પગલું ભર્યું મૃતક દર ચાર દિવસે કાકાને પોતાના કેસનું શું થયું, જેલમાંથી જલદી બહાર આવવું છે કહી સતત ચિંતામાં રહેતો હતો

રાજકોટ, : કિશોરીનાં અપહરણનાં ગુનામાં પકડાયેલા કાચા કામનાં કેદી દીપક દીનેશ ચારોલીયા (ઉ.વ. 19)એ આજે વહેલી સવારે રાજકોટ સેન્ટ્રલ જેલની બેરેકમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેલમાં ગમતું ન હોવાથી આ પગલું ભરી લીધાનું પ્ર.નગર પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ એ.ડીવીઝન પોલીસમાં કિશોરીનાં અપહરણ અંગે બે માસ પહેલા દિપક વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. દોઢેક માસ પહેલા પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.  જેલનો કેદી દર ચાર દિવસે તેના પરિવારજનો સાથે લેન્ડ લાઈન ફોન ઉપર વાત કરી શકે છે. દિપક દર ચાર દિવસે તેના કાકાને ફોન કરી પોતાના કેસનું શું થયું, જેલમાં ગમતુ નથી, જલદી બહાર આવવું છે, તેમ કહી સતત ચિંતામાં રહેતો હતો.

આખરે તેણે આજે વહેલી સવારે પોતાની બેરેકનાં શૌચાલયની બારીનાં લોખંડના સળીયા સાથે ટુવાલ અને કપડાની રસી બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેલ સત્તાવાળાઓ તરફથી જાણ થતાં પ્ર.નગર પોલીસ જેલમાં દોડી ગઈ હતી. જયાં ઈન્કવેસ્ટ પંચનામું કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડયો હતો.  મૃતક દિપક હાલ ગોંડલ રોડ પરનાં લોહાનગરમાં તેના કાકા સાથે રહેતો હતો. તેના પરિવારના સભ્યો વિરમગામનાં સરસાવદી ગામે રહે છે. તેને એક બહેન છે. એકલૌતા પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો.  નિયમ મુજબ હવે આ કેસની તપાસ એસીપી દ્વારા કરવામાં આવશે. જયારે જેલમાં ઈન્કવેસ્ટ પંચનામું પોલીસે એસડીએમની રૂબરૂ ભર્યું હતું.

City News

Sports

RECENT NEWS