Get The App

વડોદરાના સમા વિસ્તારમાં વરસાદી ગટરની કામગીરી ધીમી ગતિએ થતી હોવાથી ચોમાસામાં મુશ્કેલી સર્જાશે

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના સમા વિસ્તારમાં વરસાદી ગટરની કામગીરી ધીમી ગતિએ થતી હોવાથી ચોમાસામાં મુશ્કેલી સર્જાશે 1 - image


Vadodara Corporation : વડોદરામાં સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષથી લક્ષ્મીકુંજ સોસાયટી થઇ વિશ્વામિત્રી નદી તરફ નવી વરસાદી ગટર નાખવાની કામગીરી ધીમી ગતિએ થઈ રહી હોવાથી લોકોને આ ચોમાસામાં પણ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડશે તેવો ભય સતાવી રહ્યો છે. આશરે પાંચ કરોડના ખર્ચે આ કામગીરી માટેનો વર્ક ઓર્ડર ગત વર્ષે માર્ચમાં અપાયો હતો. પરંતુ કામગીરી મોડી શરૂ થતા જે તે સમયે વિસ્તારના સામાજિક કાર્યકર અને કોંગ્રેસ મહામંત્રી દ્વારા આંદોલન સાથે દેખાવો કરવામાં આવ્યા હતા.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કામગીરી મોડેથી શરૂ થતા ટેન્ડરની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે અને મહિનાઓ પસાર થઈ ગયા છે. ઉત્તર ઝોનમાં અભિલાષા ચાર રસ્તાથી સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ચાણક્યપુરી ચાર રસ્તા, ઐયપ્પા ગ્રાઉન્ડ, લક્ષ્મીકુંજ સોસાયટી થઇ વિશ્વામિત્રી નદી તરફ વરસાદી પાઇપ વડે પાણીનો નિકાલ થાય છે. વરસાદી ગટર અને તેના ચેમ્બરોના ચણતર જર્જરિત થવાના કારણે  વારંવાર ભંગાણ પડતા હોવાથી નવી લાઈનનો નિર્ણય કર્યો હતો. જુની વરસાદી ગટર જર્જરિત હોવાથી નવી 1600 મી.મી. વ્યાસની નાંખવાનું નક્કી કર્યું હતુ. તંત્રની બેદરકારીથી કામગીરી સમયસર પૂરી થઈ નથી. તેમણે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ચોમાસા આડે થોડા દિવસો બાકી છે અને કામ ઘણું પૂર્ણ થયું નથી. કોન્ટ્રાકટર ધ્વારા જે એલ-સેકશન રજુ કરેલ છે, એ પણ ખામીયુક્ત છે. ટેન્ડર સ્પેશીફીકેશન પ્રમાણેની કામગીરી થઈ નથી. કામગીરી શરૂ કરવામાં જાણી જોઈને વિલંબ કરવામાં આવ્યો છે. જે એલ સેકશન આપ્યો છે તેમાં વિશ્વામીત્રીમાં જયારે પાણીનું લેવલ લગભગ 15 ફુટથી ઉપર જશે ત્યારે સમા વિસ્તારમાં જે જગ્યાએ આ પાણી ભરાવાનો પ્રશ્ન છે, એ જગ્યાના પાણી ઉતરશે નહીં. જયાં સુધી નદી ખાલી નહી થાય ત્યાં સુધી પાણી ભરાઈ રહેશે. 1600 એમ.એમ. ની ચેનલ દ્વારા પાણી બેક મારશે. ભુખી કાંસના લીધે જે પુર સર્જાતું હતું તે હવે આના લીધે સર્જાશે. નોન રિટર્ન વાલ્વ ફીટીંગ બાબતે પેનલ્ટી વસૂલ કરવાની રજૂઆત કમિશનરને કરી હતી.

Tags :