પિતા - પુત્રના દારૃના ધંધા પર રેડ ઃ ૪.૧૦ લાખનો દારૃ કબજે
પિતા પકડાયા, પુત્ર વોન્ટેડ : પુત્ર સામે અગાઉ ચાર ગુના નોંધાયા છે
વડોદરા,વારસિયામાં વિદેશી દારૃનો ધંધો કરતા પિતા - પુત્રના ધંધા પર રેડ પાડીને પિતાને ઝડપી પાડયા છે. જ્યારે પુત્રને વોન્ટેડ જાહેર કર્યો છે.
વારસિયા તિવારીની ચાલી પાસે સંતકંવર કોલોનીના એક મકાનમાં ડીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે દારૃની રેડ પાડી હતી. પોલીસની રેડ પડતા એક આરોપી ભાગવાની કોશિશ કરતા પોલીસે પીછો કરીને તેને ઝડપી લીધો હતો. તેનું નામ ધર્મેશ ઉર્ફે ધરમુ લક્ષ્મણદાસ નામાની (રહે.સંતકંવર કોલોની, વારસિયા) હોવાનું તેણે જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મોંઘી બ્રાન્ડની દારૃની ૧૪૩ બોટલ કિંમત રૃપિયા ૪.૧૦ લાખની કબજે કરી હતી. પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, દારૃનો જથ્થો તેનો પુત્ર ભરત ઉર્ફે ધીરજ લાવ્યો હતો. જેથી,પોલીસે ભરતને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપી ભરત અગાઉ વારસિયા, હરણી, સિટિ અને કુંભારવાડાના ૪ ગુનામાં સંડોવાયેલો છે. તેમજ એક વખત તેને પાસા પણ થઇ છે.