રાજકોટમાં રસી લેવા કતારો, રોજ 10,000 ને કોરોના રસી


લોકોમાં માસ્ક,ડિસ્ટન્સ, સેનેટાઈઝર્સ નેવે મુકી રસીમાં રસ  શહેરમાં 8  લાખ પુખ્તવયનાને કોરોનાથી અને તે સાથે 40,000બાળકોને ટેટાનસ-ડિપ્થેરિયાથી સુરક્ષિત કરવા મનપાનું અભિયાન  આરોગ્ય કેન્દ્રો પર ધસારોઃ તા. 30 સપ્ટેમ્બર સુધી બધા પુખ્તવયનાને નિઃશૂલ્ક રસી 

રાજકોટ, : અઢી વર્ષથી વિશ્વમાં કોરોના મહામારી પ્રસરી છે જે હજુ ચાલુ છે પરંતુ, એક સમયે કોરોના નામથી ભયભીત થતા લોકોની માનસિકતા બદલાઈ છે અને માસ્ક, ડિસ્ટન્સ, સેનેટાઈઝર નેવે મુકીને એકમાત્ર વેક્સીનના હથિયારથી  કોરોનાનો સામનો કરી રહ્યા છે. તા. 15 જૂલાઈથી પ્રિકોશન (ત્રીજો) ડોઝ આપવાનું શરૂ થતા અને બીજો ડોઝ લીધાના છ માસ પછી આ ડોઝ અપાતો હોય રાજકોટમાં  રસી મુકાવવા લોકોની ફરી કતારો નજરે પડે છે.તો આ સાથે 10થી 11 વર્ષના અને 16થી 17 વર્ષના બાળકોને ટીડી રસીકરણ શરૂ કરવા સાથે આરોગ્ય તંત્ર રસીકરણ ઉત્સવ ઉજવી રહી છે. 

મનપાના આરોગ્ય અધિકારી ડો.લલિત વાંઝાએ જણાવ્યું કે શહેરમાં ગત ત્રણ સપ્તાહમાં 2.10 લાખ લોકોને પ્રિકોશન ડોઝ અપાયો છે, હાલ રોજ સરેરાશ 10,000 લોકો આરોગ્ય કેન્દ્રો પર રસી મુકાવી રહ્યા છે, હજુ 4.40 લાખ લોકોને વેકસીનથી સુરક્ષિત કરવા લક્ષ્યાંક છે. આ રસી પ્રવર્તમાન નિયમો મૂજબ 18 વર્ષથી મોટી ઉંમરના અને બે ડોઝ લીધાને છ માસ થયા હોય તેવા કોઈ પણ નાગરિકને મનપાના આરોગ્ય કેન્દ્રો પર તા. 30-9-2022 સુધી ફ્રી આપવામાં આવશે. ખાસ કરીને હાલ મેળાના તહેવારો આવી રહ્યા છે, ભીડ અને ચોમાસુ હવામાનમાં વાયરસનું સંક્રમણ પ્રસરવાની શક્યતા વધી છે ત્યારે લોકોએ અચૂક પ્રિકોશન ડોઝ લઈ લેવા તેમણે અપીલ કરી હતી. 

બીજી તરફ, શહેરના 40,000 પાત્રતા ધરાવતા બાળકોને ટેટાનસ અને ડિપ્થેરિયા જેવી ગંભીર બિમારીથી બચાવવા રસીકરણ શરૂ કરાયું છે.ટેટાનેસના કેસો દેશમાં ઘટયા છે પરંતુ, રોગ નામશેષ થયો નથી. આ રોગ બેક્ટેરિયા શરીરમાં જતા ફેલાય છે અને તેમાં ગળુ,મોઢુ જકડાઈ જતું હોય તેને લોક જો પણ કહે છે. જ્યારે ડિપ્થેરિયાના 2018માં દેશમાં 8788 કેસો નોંધાયા હતા અને તે વ્યક્તિથી વ્યક્તિમાં પ્રસરતો હોય છે. 

City News

Sports

RECENT NEWS