For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પીએમના રોડ શોનો બંદોબસ્ત ગોઠવવામાં પોલીસ અધિકારીઓના મીસ મેનેજમેન્ટથી કર્મચારીઓ હેરાન

Updated: Dec 2nd, 2022

અમદાવાદ,તા.2 ડિસેમ્બર 2022,શુક્રવાર 

પીએમના રોડ શોનો બંદોબસ્ત ગોઠવવામાં પોલીસના મીસ મેનેજમેન્ટથી પોલીસ કર્મચારીઓ હેરાન થઈ ગયા હતા. નાઈટ ડયૂટી કરી માંડ ઘરે પહોંચેલા પોલીસ જવાનોને સવારે ૧૧ વાગ્યે બે કલાક બાદ પરત બંદોબસ્તમાં હાજર થવા હુકમ કર્યો હતો. પોલીસ અધિકારીઓની આ પ્રકારની માનસીક્તાને કારણે પોલીસ જવાનો અને મહિલાઓમાં આંતરીક રોષ સાથે નારાજગી જોવા મળી હતી.

નાઈટ ડયૂટી કરનાર પોલીસ જવાનોને પરત સવારે ૧૧ વાગ્યે બંદોબસ્તમાં બોલાવી લીધા

પીએમ નરેન્દ્ર મોદીના રોડ શોનું અચાનક આયોજન થતા પોલીસ બંદોબસ્તની જરૂર ઉભી થઈ હતી.પોલીસ અધિકારીઓએ કઈ પણ વિચાર્યા વગર બંદોબસ્તની ગોઠવણી કરી દીધી હતી. બંદોબસ્તમાં હાજર રહેવા માટે પોલીસ કર્મચારીઓને સૂચના આપવામાં આવી કે ફરજ પાડવામાં આવી તેમાંથી ઘણા પોલીસ જવાનો નાઈટ ડયૂટી કરી ઘરે પહોંચ્યા હતા. સવારે ૮.૩૦ વાગ્યે ઘરે પહોંચેલા પોલીસ જવાન અને મહિલા કર્મીઓને પરત ૧૧ વાગ્યે બંદોબસ્ત સ્થળે હાજર થવા હુકમ થયો હતો. આ સમયગાળામાં ઉંઘ લેવી, તૈયાર થવું કે બંદોબસ્તના સ્થળે પહોંચવું તે પોલીસ જવાનોને સમજાતું ન હતું. પોલીસ કર્મચારીઓની દલીલ હતી કે, પીએમનો રોડ શો ૩ વાગ્યે  શરૂ થવાનો હતો, તો નાઈટ ડયૂટી કરનાર પોલીસ કર્મચારીઓને સવારની જગ્યાએ બપોરે બે વાગ્યે બોલાવવામાં આવ્યા હોય તો તેઓને પણ પુરતો સમય મળી શકે તેમ હતો. રોડ શો ઘણી જગ્યાએ સાંજે ૪.૩૦ વાગ્યા પછી પસાર થવાનો હોવા છતાં તે વિસ્તારોમાં પણ નાઈટ ડયૂટી કરનાર પોલીસ જવાનો અને મહિલાઓને સવારે ૧૧ વાગ્યે બંદોબસ્ત માટે હાજર થવા અધિકારીઓએ ફરજ પાડી હતી. અધિકારીઓની મનમાની અને મીસ મેનેજમેન્ટની ચર્ચા પોલીસ બેડામાં શરૂ થઈ હતી. બીજી તરફ પીએમના રોડ શોની શરૂઆત દોઢ થી બે કલાક મોડી થતા બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનોની હાલત વધુ ખરાબ થઈ હતી.  

Gujarat