For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વૃધ્ધાની હત્યા કરી 50 વર્ષથી ફરાર હત્યારા સીતારામને પોલીસે ઝડપ્યો

Updated: Dec 8th, 2022

Article Content Image

- 'કાનૂન કે હાથ બહોત લંબે હૈ'ડાયલોગ સાચો પડયો

અમદાવાદ,તા.8 ડિસેમ્બર 2022,બુધવાર

'કાનૂને કે હાથ બહોત લંબે હોતે હૈ' ફિલ્મી ડાયલોગને અમદાવાદ પોલીસે સાચો પાડતી કામગીરી કરીને ગુનેગારો માટે મેસેજ છોડયો હતો કે, 'ગુનેગાર પોતે કરેલા ગુનાઈત કૃત્યને ભુલી જશે પણ પોલીસ તે પકડાશે નહી ત્યાં સુધી તેનો પીછો કરવાનું નહી છોડે' બનાવની વિગત મુજબ આજથી ૪૯ વર્ષ પહેલા ૧૯૭૩ની સાલમાં સરદારનગર વિસ્તારમાં ૭૦ વર્ષના વૃદ્ધાની લૂંટના ઈરાદે હત્યા કરી ૨૬ વર્ષનો સિતારામ ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીને પકડવાના અનેક પ્રયાસ કર્યા પણ સફળતા હાથ લાગી ન હતી. ડીસીપી ઝોન-૪ કાનન દેસાઈએ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવ શરૂ થતા ટીમ તૈયાર કરીને ૪૯ વર્ષથી વૃદ્ધાની હત્યાના ગુનામાં ફરાર સિતારામની તપાસ કરવા ટીમને મહારાષ્ટ્ર મોકલતા આરોપી ઝડપાઈ ગયો હતો.

ઝોન-૪ ડીસીપી કાનન દેસાઈએ વૃદ્ધાના હત્યારાની તપાસ માટે ટીમ મહારાષ્ટ્ર મોકલતા સફળતા મળી

 ૧૯૭૩ની સાલમાં સૈજપુર વિસ્તારમાં મણીબહેન હિમંતલાલ શુકલ (ઉં,૭૦)ની હત્યા કરી આરોપી ઘરમાંથી વાસણોની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. ત્રણ દિવસ બાદ એકલવાયું જીવન જીવતા વૃધ્ધા મણીબહેનના ઘરમાંથી દુર્ગધ મારતા પોલીસને બનાવની જાણ થઈ હતી. સરદારનગર પોલીસે લૂંટ વીથ મર્ડરનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા મણીબહેનના ઘરમાં આરોપી સિતારામ તાતીયા ભતાનેનું નામ બહાર આવ્યું હતું. નાની મોટી ચોરી કરવાની ટેવ ધરાવતા સિતારમને ઝડપી લેવા માટે પોલીસે અનેક પ્રયાસો હાથ ધર્યા પરંતુ આરોપીનું કોઈ ચોક્કસ રોકાણનું સ્થળ ના હોવાથી તે પકડાયો ન હતો. દરમિયાનમાં પોલીસે કોર્ટમાંથી સી.આર.પી.સી ૭૦ મુજબનું વોરંટ મેળવી આરોપીને ફરાર જાહેર કર્યો હતો. ૧૯૭૩ની સાલમાં મણીબહેનની હત્યા કરનાર સિતારામ પોલીસના અનેકના પ્રયાસ બાદ પણ ૪૯ વર્ષ સુધી પકડાયો ન હતો. આ દરમિયાન ડીજીપી આશીષ ભાટિયાએ નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવા માટે ડ્રાઈવ શરૂ કરવાની સૂચના જારી કરતા ઝોન-૪ ડીસીપી કાનન દેસાઈના ધ્યાન પર ૪૯ વર્ષથી ફરાર આરોપી સિતારામ તાતીયા ભતાનેનું નામ આવ્યું હતું. નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે તૈયાર કરવામાં આવેલી બે ટીમોને સિતારામને ઝડપી લેવા તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.આ સૂચનાના ભાગરૂપે મહારાષ્ટ્ર પોલીસ અને અમદાવાદ પોલીસે સંયુકત કામગીરી કરીને આરોપી સિતારામ તાતીયા ભતાને (ઉં,૭૩)રાજની ગામ, તાલુકો પાથરડી, જીલ્લો અહેમદનગર, મહારાષ્ટ્રને ઝડપી લીધો હતો.

હત્યા ૨૬ વર્ષની ઉમંરે કરી ૭૩ વર્ષે ઝડપાયો 

મણીબહેનની હત્યા કરી લૂંટ ચલાવનાર આરોપી સિતારામ ફરાર થયો ત્યારે તેની ઉમંર ૨૬ વર્ષની હતી. અમદાવાદ પોલીસથી બચવા માટે ભાગતો ફરતો સિતારામ ૭૩ વર્ષનો થયો ત્યાં સુધી પોલીસના હાથમાં આવ્યો ન હતો. ડીસીપી ઝોન-૪એ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે બનેલા સ્કોડને આરોપી સિતારામની તપાસ કરવા માટે ખાસ સૂચના આપી હતી.જે સૂચન આધારે અમદાવાદ પોલીસે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરી મદદ લઈ સિતારામને ઝડપી લીધો હતો.

બે વર્ષના ભત્રીજાના દાગીનાની ચોરી અને વિધવા પર દુષ્કર્મ કર્યાનું ખૂલ્યું

પોલીસની તપાસમાં ખુલેલી વિગતો મુજબ સિતારામે સગાભાઈના બે વર્ષના પુત્રને ખેતરમાં લઈ જઈ તેની સોનાની વાળીઓ ચોરી લીધી હતી તેમજ તેના ગામમાં રહેતી વિધવા મહિલાના ઘરમાં ઘૂસી તેની પર દુષ્કર્મ આચર્યું અને વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.સગાસબંધીઓના ઘરે જતો સિતારામ ત્યાંથી પણ દાગીના અને અન્ય વસ્તુઓની ચોરી કરતો હોવાની વિગતો પોલીસને મળી હતી. 

મણીબહેન જાગી જતા હત્યા કર્યાનું કબુલ્યું 

પોલીસની પૂછપરછમાં આરોપીએ કબુલાત કરી કે, તે મણીબહેનના ઘરમાં ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. તે સમયે મણીબહેન જાગી જતા તેઓ સાથે ઝપાઝપી કરી આરોપીએ તેમની હત્યા કરી અને વાસણો ચોરી ફરાર થઈ ગયો હતો. આમ લૂંટ અને મર્ડરની ઘટનાને આરોપીએ કઈ રીતે અંજામ આપ્યો તેના રહસ્યો પરથી પણ ૪૯ વર્ષે પડદો ઉંચકાયો હતો. 

Gujarat