Get The App

પેપર રાજકોટની કોલેજમાંથી લીક થયાનો ખુલાસો, FSLની તપાસ પુરી

Updated: Oct 20th, 2022

GS TEAM


Google News
Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ અને બી.કોમના  : કોલેજનું નામ અને ખરેખર કોણે પેપર લીક કર્યા હતા તે અંગેની માહિતી પોલીસે જાહેર ન કરી 

રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ અને બી.કોમ સેમેસ્ટર-5 ના પેપર રાજકોટની કોલેજમાંથી લીક થયાનું જાણવા મળ્યુ છે. જો કે આ બાબતે પોલીસે કોલેજનું નામ કે બીજી કોઈ માહિતી હજુ સુધી જાહેર કરી નથી.  વડાપ્રધાનના આગમનના પગલે પેપર લીક કેસની તપાસ ઢીલમાં પડી હતી. પોલીસે એફએસએલની મદદ લીધી હતી. જેના દ્વારા કઈ કોલેજને મોકલાયેલા પેપરના કવરમાં ચેડા થયા હતા તેની તપાસ કરાઈ હતી. 

એફએસએલએ તપાસ પૂર્ણ કરી લીધી છે. એમ મનાય છે કે એફએસએલની તપાસમાં જયાંથી પેપર લીક થયા તે રાજકોટની કોલેજનું નામ બહાર આવ્યું છે. જોકે તપાસ કરતી પોલીસે કોલેજનું નામ હજુ સુધી જાહેર કર્યું નથી. જેને કારણે ખરેખર કોણે અને કયા હેતુથી પેપર લીક કર્યા હતા તે બાબતે કોઈ માહિતી બહાર આવી નથી. પરંતુ જે કોલેજમાંથી પેપર લીક થયા હતા તે ગાંધીગ્રામ વિસ્તારની હોવાની માહિતી મળી છે. 

આ કેસમાં હજુ સુધી કોઈ ગુનો નોંધાયો નથી. ભકિતનગર પોલીસ જાણવા જોગની નોંધ કરી તપાસ કરી રહી છે. પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા સાથે સંકળાયેલા સંબંધીતોના નિવેદનો લીધા હતા. જેની સાથોસાથ એફએસએલ પણ તપાસ કરતી હતી.  જે કોલેજમાંથી પેપર લીક થયા હતા તેનું નામ મળી જતા હવે પોલીસ ગુનો દાખલ કરે તેવી સંભાવના નકારાતી નથી. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગીરીશ ભીમાણીએ જણાવ્યું કે પોતે આજે કેવડીયામાં વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ડીફેન્સ એકસ્પોમાં ગાંધીનગર ખાતે આવ્યા છે. હજુ સુધી પોલીસે જવાબદાર કોલેજ અંગેની વિગતોની તેમને જાણ કરી નથી. પોલીસ રીપોર્ટ મળ્યા બાદ જવાબદાર કોલેજ સંચાલકો અને કર્મચારીઓ સામે આકરા પગલા લેવાશે. 

Tags :