FOLLOW US

માનસી સર્કલ પાસે આવેલા અભિશ્રી એડ્રોઈટનાં બેઝમેન્ટમાં આગ ફસાયેલા ૯૦થી વધુને સલામત ઉતારાયા

ધૂમાડો ફેલાતા ધાબા ઉપર ચાલ્યા ગયેલા તમામને ફાયરવિભાગની ટીમે ઉગારી લઈ આગ બુઝાવી લીધી

Updated: Mar 18th, 2023


અમદાવાદ,શનિવાર,18 માર્ચ,2023

શહેરના માનસી સર્કલ પાસે આવેલા બાર માળના અભિશ્રી એડ્રોઈટ નામના બિલ્ડિંગનાં બેઝમેન્ટમાં ફર્નિચર સહિતના રાખવામાં આવેલા કચરામાં આગ લાગતા ધૂમાડો આખા બિલ્ડિંગમાં ફેલાઈ જતા બિલ્ડિંગમાં રહેતા લોકો ધૂમાડાથી બચવા ધાબા ઉપર ચાલ્યા ગયા હતા.ફાયર વિભાગે બે ટીમ બનાવી હતી.એક ટીમ બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગેલી આગને બુઝાવવાના પ્રયાસમાં લાગી હતી.બીજી ટીમે બિલ્ડિંગના ધાબા ઉપર આગ અને ધૂમાડાની અસરથી બચવા ચાલ્યા ગયેલા ૯૦થી વધુ લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા.ફાયર વિભાગે આઠ જેટલા વાહનો અને પાંત્રીસથી વધુના સ્ટાફની મદદથી આગને બુઝાવી લીધી હતી.

શનિવારે બપોરે ચાર કલાકના સુમારે અભિશ્રી એડ્રોઈટના બેઝમેન્ટમાં આગ લાગી હોવાનો તેમજ તેમાં માણસો ફસાયા હોવાનો કોલ અમદાવાદ ફાયર કંટ્રોલને મળતા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ફાયરના અન્ય અધિકારીઓ અને જવાનો સાથે બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગેલી આગને બુઝાવવા ઘટનાસ્થળે દોડી ગયા હતા.એક મીની ફાયર ફાઈટર,ત્રણ વોટર ટેન્કર,એક હાઈડ્રોલિક પ્લેટફોર્મ,એક ઈમરજન્સી ટેન્ડર સહિતના વાહનો સાથે ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમ પૈકી એક ટીમે એડીશનલ ચીફ ફાયર ઓફિસરના નેતૃત્વમાં બેઝમેન્ટમાં લાગેલી આગને બુઝાવવાની કામગીરી શરુ કરી હતી.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાના કહેવા મુજબ,આ બિલ્ડિંગના બેઝમેન્ટમાં રાખવામાં આવેલા કચરામાં લાગેલી આગ ફાયર ડકટ સુધી પહોંચતા ધૂમાડો આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગયો હતો.આ કારણથી ૯૦થી વધુ લોકો સ્વબચાવ માટે ધાબા ઉપર ચાલ્યા ગયા હતા.તમામને સીડીની મદદથી સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.ફાયર વિભાગ તરફથી હાઈડ્રોલિક પ્લેટફોર્મ ઘટના સ્થળે લઈ જવામાં આવ્યુ હતુ પરંતુ તેનો ઉપયોગ કરવાની ફરજ પડી નહોતી.બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી ફાયર સિસ્ટમ સંપૂર્ણરીતે કાર્યરત હતી.

Gujarat
News
News
News
Magazines