For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વેસુના કોફીશોપમાં ડિંડોલીની 22 વર્ષની કૉલેજીયન યુવતીનું રહસ્યમય મોત

Updated: Nov 23rd, 2021


- કામરેજની બી.એડ કૉલેજમાં અભ્યાસ કરતી હતી

-રાજડ્રોમ કોમ્પ્લેક્ષમાં બેભાન હાલતમાં મળી, પરિચિત યુવાન મદની સિવિલમાં લઇ ગયો પણ ડોકટરે યુવતીને મૃત જાહેર કરતા ભાગી ગયો

- પરિચિત યુવાને ઝેર આપી મૂળ ઓડિશાની મધુસ્મિતા શાહુને મારી નાંખ્યાના આક્ષેપ સાથે ધરપકડની માંગ કરી, મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધો

        સુરત :


 કોલેજે જવાનું કહી નીકળ્યા બાદ વેસુના કોફીશોપમાં સોમવારે સાંજે કોલેજીયન યુવતીની રહસ્યમય સંજોગોમાં  તબિયત બગડતા મોતને ભેટી હતી. તેને સારવાર માટે સિવિલમાં લાવનાર તેનો પરિચિત યુવક ત્યાંથી ભાગી ગયો હતો.  પરિચિત યુવાને તેને ઝેર પીવડાવીને હત્યા કરી હોવાના આરોપ યુવતિના સંબંધીઓએ કર્યા હતા.  પરિવાર દ્વારા રાત્રે યુવતીનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.


નવી સિવિલથી મળેલી વિગત મુજબ ડિંડોલીમાં મધુરમ સર્કલ પાસે રુક્ષ્મણી પાર્કમાં રહેતી 22 વર્ષીય મધુસ્મિતા સુશાંતભાઈ શાહુ કામરેજ ખાતેની કોલેજમાં  બી.એડ.માં અભ્યાસ કરતી હતી. સોમવારે સવારે તે ઘરેથી કોલેજ જવાનું કહીને મોપેડ પર નીકળી હતી. સાંજ સુધીમા તે ઘરે નહીં આવતા તેના પરિવારના સભ્યો અને સંબંધીઓએ તેને મોબાઇલ ફોન કર્યો હતો પણ તેનો ફોન સ્વીચ ઓફ હતો. ઘણા સમય સુધી ફોન પર તેનો સંપર્ક ન થતા પરિવારજનોએ  શોધખોળ આદરી હતી પણ તેની ભાળ ન મળતા ડીંડોલી પોલીસ મથકમાં  ગયા હતા. આખરે રાત્રે તેના પરિવારજનોએ કરેલો ફોન ખટોદરા પોલીસે રિસીવ કર્યો હતો અને હકીકત જણાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મધુસ્મિતા વેસુના ભગવાન મહાવીર કોલેજ રોડ પર રાજ ડ્રોમ કોમ્પેલક્ષમાં કોફી શોપમાં બેભાન હાલતમાં મળી આવી હતી અને તેને સારવાર માટે પરિચિત મદની નામક યુવાન ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી છે અને બાદમાં  પરિચિત યુવાન સિવિલ ખાતેથી ભાગી છુટયો હતો. ૧૦૮ના કર્મચારીએ ડોક્ટરને કહ્યું કે તેણે  ઝેરી દવા જેવું  પીધુ હતું.

 મધુસ્મિતાના સંબંધીએ કહ્યું હતું કે મધુસ્મિતાને એક પરિચિત યુવાન હેરાન કરતો હતો. તે અંગે તેણે તેના પરિવારને જાણ કરી હતી. તેથી તેના પરિવારના સભ્યોએ તે યુવકને ઠપકો આપ્યો હતો.જોકે તે યુવકે  તેને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી હોવાની શંકા તેમણે વ્યક્ત કરી હતી. તેની સામે પોલીસ કાર્યવાહી કરીને જલ્દી ધરપકડ કરે  તથા આ અંગે  ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવાની પણ માંગ કરી હતી.

મૃતક યુવતિના પરિજનોએ સિવિલના પોસ્ટ મોર્ટમ રૃમ ખાતે એકત્ર થઇને વિરોધ નોધાવ્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.આખરે રાતે તેનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

 

- પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઇજા-ઝેરી દવાના અંશ નથી: રિપોર્ટ બાદ સત્ય સામે આવશે


આ અંગે ખટોદરા પોલીસ મથકના પી.આઇ ટી.વી પટેલે કહ્યુ કે તેના કરેલા ફોરેન્સીક પોસ્ટમોર્ટમમાં કોઇ ઇજા નથી કે  ઝેરી દવાના અંશ મળ્યા નથી. તેનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણા મળશે.  તેની સાથે અયોગ્ય થયુ છે કે નહી તે જાણવા માટે પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે  મધુસ્મિતા મૂળ ઓરિસ્સાના ગંજામની વતની હતી. તે પરિવારની એકની એક લાડકવાઈ પુત્રી હતી. તેના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે. તેની માતા  ભેસ્તાન ખાતે  નગરપાલિકાની શાળામાં શિક્ષિકા છે. તેના પિતા મકાન અને જમીનની દલાલી સાથે ટયુશન પણ કરાવે છે. આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

- પોલીસની રહેમનજર હેઠળ અમુક કેબીન કોફીશોપ અને  સ્પા પાર્લર ચાલતા હોવાના આરોપ


વેસુની કોફીશોપમાં ગયા બાદ કોલેજીયન યુવતી મધુસ્મિતાનાં ભેદી મોત  પછી તેના સમાજના લોકો  અને પરિવારજનોએ કહ્યુ કે શહેરમાં અમુક વિસ્તારમાં પોલીસની રહેમનજર હેઠળ અમુક કેબીન કોફીશોપ અને સ્પા પાર્લર ચાલી રહ્યા છે.   જેના લીધે કોલેજીયન વિદ્યાર્થીની મોત ભેટી છે  તેથી તેના મોત અંગે પોલીસે યોગ્ય તપાસ કરવી જોઇએ.

Gujarat