For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોદી મેજિક સાતમા આસમાને : ભાજપને 156, કોંગ્રેસ-17, આપ-પાંચ

Updated: Dec 8th, 2022

Article Content Image

- ગુજરાતમાં ભાજપ સાતમીવાર સત્તામાં, કોંગ્રેસ વિપક્ષ પદ પણ પામી નહીં શકે

- કોંગ્રેસના પંજા પર ઝાડુ ફરી વળ્યું, ઇતિહાસમાં પહેલીવાર ૧૭ બેઠકો સાથે કંગાળ દેખાવ, વિપક્ષના નેતા પણ હાર્યા

- ભાજપે કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડયો 

- આપનો સાથ ભાજપને હાથઃ કેજરીવાલની પાર્ટીએ માત્ર પાંચ બેઠકો મેળવી, ભાજપના બળવાખોરોને જાકારો : અપક્ષોને ત્રણ બેઠક

- ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ પાસે 12મી ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલની સરકારની શપથવિધિ, PM મોદી સહિતના ટોચના નેતાઓ હાજરી આપશે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે આવેલા પરિણામોમાં ભાજપે ૫૩ ટકા વોટ શેર સાથે વિક્રમી ૧૫૬ બેઠકો મેળવી છે, જે ૬૦ વર્ષના રાજકીય ઇતિહાસમાં સૌથી વધુ છે. ભાજપે આ વખતે કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડયો છે. બીજીતરફ આપનો સાથ ભાજપને હોય તેમ કોંગ્રેસના પંજા પર આમ આદમી પાર્ટીનું ઝાડું ફરી વળ્યું છે, જેના કારણે વિપક્ષનું પદ મેળવવાના પણ ફાંફા છે. કેજરીવાલની પાર્ટી જેટલી ગરજી એટલી વરસી નથી, તેને માત્ર પાંચ બેઠકો મળી છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર પણ ચૂંટણી હારી ગયા છે.

ગુજરાતમાં ભાજપના ભવ્ય અને દિવ્ય વિજયનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમના આક્રમક પ્રચાર અને રોડ-શોના કારણે એન્ટી ઇન્મબન્સી ફેક્ટર નહીં પ્રો ઇન્કમબન્સી ફેક્ટરનો પ્રારંભ થયો છે. ગુજરાતની જનતાએ ફરી એકવાર ભાજપ પર ભરોસો મૂક્યો છે. ભાજપના વિજયથી પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ તેમજ અન્ય કાર્યાલયો પર કાર્યકરોએ જીતનો જશ્ન મનાવી ફટાકડા ફોડયા હતા. છ ટર્મથી સતત સત્તામાં રહેલું ભાજપ સાતમી વખત ચૂંટણી જીત્યું છે.

રાજ્યમાં નવી સરકારની શપથવિધિ ૧૨મી ડિસેમ્બરે બપોરે બે કલાકે ગાંધીનગરમાં યોજવામાં આવી રહી છે, જેમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના કેન્દ્રીય નેતાઓ, મોદી કેબિનેટના મહત્વના સાથીઓ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે.

 ચૂંટણીની મતગણતરી પોસ્ટલ બેલેટથી શરૂ કરવામાં આવી હતી જેમાં ભાજપને બહુમત મળ્યો હતો. એવી જ રીતે જ્યારે ઇવીએમના વોટની ગણતરી કરવામાં આવી તેમાં ભાજપે માત્ર બહુમતને જ જાળવ્યો નથી પરંતુ રાજકીય ઇતિહાસ સર્જી દીધો છે. ભાજપે ૨૦૨૨ની ચૂંટણીમાં માત્ર કોંગ્રેસનો જ નહીં પણ ભાજપની મોદી સરકારનો ૧૨૭ બેઠકોનો રેકોર્ડ પણ તોડયો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે માત્ર ૧૭ બેઠકો આવી છે. આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળી છે, જ્યારે ત્રણ અપક્ષ ચૂંટણી જીત્યા છે. કુતિયાણાની એક બેઠક સમાજવાદી પાર્ટીને મળી છે.

ગુજરાતમાં ભાજપની વિજય યાત્રા ૧૯૯૫માં ૧૧૭ બેઠકોથી શરૂ થઇ હતી, જે ૨૦૦૨માં ૧૨૭ બેઠકો સુધી પહોંચી હતી પરંતુ ૨૦૨૨માં ભાજપને છપ્પરફાડ બેઠકો મળી છે જે ગુજરાતના ઇતિહાસમાં દર્જ થઇ છે. ગુજરાતમાં ૫૦થી વધુ બેઠકો એવી છે કે જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ કોંગ્રેસને મરણતોલ ફટકો માર્યો છે. કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માને પણ રાજીનામું આપવા મજબૂર કર્યાં છે. રાજ્યમાં ત્રીજી પાર્ટીનો સીધો ફાયદો ભાજપના ઉમેદવારોને થયો છે.

આ વખતે કોંગ્રેસે આખા જિલ્લા અને ઝોન ગુમાવ્યા છે. આદિવાસી વિસ્તારની ત્રણ થી ચાર બેઠકોને બાદ કરતાં તમામ ભાજપને ફાળે ગઇ છે. ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિક્રમી ૧.૯૨ લાખની સરસાઇ સાથે ભવ્ય વિજય થયો છે. તેમના હરીફ કોંગ્રેસના અમી યાજ્ઞિાક મત ગણતરી સમયે સવારે મેદાન છોડીને જતા રહ્યાં હતા. મુસ્લિમ ડોમિનેટની બેઠકોમાં પણ ભાજપના ઉમેદવાર જીતી ગયા છે જેનો સીધો અર્થ એ થયો કે આ વખતની ચૂંટણીમાં ભાજપને મુસ્લિમ મતદારોએ મત આપ્યાં છે.

આ ચૂંટણીમાં ભાજપને તેના આક્રમક પ્રચાર અને તેના વાયદાનો સીધો ફાયદો થયો છે. કેજરીવાલની મફત રેવડીની મતદારો પર કોઇ અસર થઇ નથી. રાજ્યના મતદારોએ કોંગ્રેસના વાયદા અને વચનોને પણ ઠોકર મારી છે. મોંઘવારી, સતત વધતો જતો ભાવવધારો, બેકારી, ખેડૂતોના પ્રશ્નો સહિતના મુદ્દાઓની ચૂંટણી પરિણામોમાં કોઇ અસર જોવા મળતી નથી. કોંગ્રેસની એટલી ભૂંડી હાર થઇ છે કે તેના વિપક્ષના નેતા સુખરામ રાઠવા પણ હારી ગયા છે.

ભાજપની જીતના કારણો

*  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો  રોડ શો સહિત ઝંઝાવતી પ્રચાર

* અમિત શાહની અસરકારક  ચૂંટણી રણનીતિ

* વિરોધીઓને ખાળવા કારગર ચૂંટણી પ્લાન

* પક્ષના કાર્યકરોની નિષ્ઠા સાથે ચૂંટણી કામગીરી 

* નવી નેતાગીરીને પ્રોત્સાહન આપવું ફળ્યુ

* ભાજપમાં આંતરિક જૂથવાદ-બળવાખોરીને કોઇ સ્થાન નહી

* વડાપ્રધાનની વિકાસપુરુષ તરીકે છબી મતદારોના મનમાં ઘર કરી ગઇ 

* મોઘવારી,બેકારી કરતાં વિકાસ-હિન્દુત્વના મુદદા કારગર નિવડયા

* આપે કોંગ્રેસના મતોનો સફાયો કર્યો  

કોંગ્રેસના હારના કારણો

*  કોંગ્રેસ  સત્તા વિરોધી મુદ્દાનો રાજકીય લાભ ઉઠાવી શકી નહી

*  નબળુ કેન્દ્રીય-પ્રદેશ નેતૃત્વ, મૌન પ્રચાર- 

* ફેલ ચૂંટણી મેનેજમેન્ટ

*  સિનિયર નેતાઓની કામ કર્યુ નહી

* મફત વિજળી જેવી રેવડીને ગુજરાતની જનતાએ સ્વિકારી નહી

* આપ કરતાં નબળો પ્રચાર

* પક્ષના કાર્યકરો અને ચૂંટણી કામગીરી વચ્ચે સંકલનનો અભાવ

* આપ નડયુ

56ની છાતી હવે 156ની થઇ...

ભાજપ

 ૧૫૬

કોંગ્રેસ

 ૧૭

આ૫

 ૫

અન્ય

  ૪

Gujarat