વડોદરા, તા. 18 એપ્રિલ 2020 શનિવાર
ભારત સરકારના ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ ખાવા-પીવાની વસ્તુઓનું ઉત્પાદન કરતા વેચાણ કરતા તમામ વેપારીઓ અને ધંધાદારીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ફૂડ સેફટી લાઇસન્સ લેવું ફરજિયાત છે.
આ લાઇસન્સ તેની મુદત પૂરી થાય તે અગાઉ રીન્યુ કરાવવાનું હોય છે. હાલ કોરોનાના લીધે લોક ડાઉન ચાલુ છે ત્યારે જે વેપારીઓની લાયસન્સ રીન્યુ કરવાની મુદત તારીખ 22 માર્ચથી 31 મે સુધીમાં પૂરી થાય છે અને તેઓ હાલમાં સર્જાયેલી પરિસ્થિતિના કારણે લાઇસન્સ રીન્યુ કરાવી શકે તેમ નથી. તેઓ માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઇન્ડિયા દ્વારા મુદત વધારીને તારીખ 30 જૂન કરવામાં આવી છે.
આમ તો લાયસન્સ રીન્યુ કરવાની મુદત પૂરી થાય તેના એક મહિના અગાઉ પ્રોસેસ શરૂ કરી દેવાની હોય છે. જો લાયસન્સ રીન્યુ સમયસર ન થાય તો રોજના સો રૂપિયા લેખે દંડ અને લાઈસન્સ કેન્સલ કરવા સુધીની કાર્યવાહી થાય છે.
હાલ લોકડાઉનના કારણે જે વેપારીઓ લાઇસન્સ રીન્યુ કરાવી શક્યા નથી તેઓ 30 જૂન સુધીમાં રિન્યુઅલ પ્રોસેસ કરી શકશે અને તે માટે કોઈ દંડ ભરવો નહીં પડે. કોર્પોરેશનમા દર વર્ષે આશરે 1500 લાયસન્સ રીન્યુ કરવામાં આવે છે. સામાન્ય રીતે લાયસન્સ એકથી પાંચ વર્ષની મુદત માટે મેળવી શકાય છે.


