ઇન્દ્રોડા પાર્કમાં સિંહણે બે મૃત બચ્ચાઓને જન્મ આપ્યોઃપ્રકૃતિ પ્રેમીઓમાં ગમગીની
ગીર ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગરના
સિંહણ સવા ત્રણ વર્ષની જ હોવાને કારણે બચ્ચાનું યોગ્ય રીતે ગર્ભમાં વિકાસ ન થયો હોવાનું પાર્કના સંચાલકોનું રટણ
એશિયાટીક લાયનનો ફક્ત ગુજરાતના સૌરાષ્ટ્રમાં જ કુદરતી વસવાટ
છે અને દર વર્ષે આ સિંહની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે તો સિંહનો વિસ્તાર પણ
વધી રહ્યો છે. હાલ સિંહની વસ્તી ગણતરી કરીને તેનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે
તેવી સ્થિતિ વચ્ચે ગીર ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં
કે જ્યાં સિંહ જોડી રાખવામાં આવી છે ત્યાંથી એક નિરાશાજનક અને કરૃણ સમાચાર સામે
આવી રહ્યા છે. ઇન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી વસંત અને સ્વાતિ રાખવામાં આવી છે.
શક્કરબાગ ઝુમાંથી લાવવામાં આવેલા આ સિંહ જોડી અહીંના કુદરતી વાતાવરણથી અનુકુળ થઇ
ગયા હતા અને સ્વાતિ નામની સિંહણે ગર્ભ પણ ધારણ કર્યો હતો. જો કે, રવિવારે વિશ્વ
માતૃત્વ દિવસના આગલા દિવસે સિંહણને પ્રસુતિની પિડા ઉપડી હતી અને સિંહણે બે મૃત
બચ્ચાને જન્મ આપ્યો હતો. ગર્ભમાં જ બચ્ચાનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે પાર્કના
સંચાલકો સાથે વાત કરતા તેમણે એવો જવાબ આપ્યો હતો કે, સિંહણ પ્રમાણમાં નાની છે ત્રણથી સાવ ત્રણ વર્ષની જ તેની
ઉંમર છે. આવી સ્થિતિમાં તેણીએ ગર્ભ ધારણ તો કરી દીધો પરંતુ તેની ઉંમર નાની હોવાને
કારણે ગર્ભમાં બચ્ચાઓનો વિકાસ થઇ શક્યો નહીં અને બચ્ચા ગર્ભમાં જ મૃત્યુ પામ્યા
હતા. સિંહણના બચ્ચાના મોત અંગેના સમાચાર સ્ટાફમાં તથા પ્રકૃતિ પ્રમીઓમાં પ્રસરી
જતા ગમગીની છવાઇ ગઇ છે. આ સાથે પાર્કમાં પ્રાણીઓની સાર સંભાળ અંગે પણ અનેક તર્ક
વિતર્ક સાથે સવાલો ઉભા થઇ રહ્યા છે.