For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લસકાણાની જમીનના ટુકડાની બોગસ કબજા રસીદ બનાવનાર બે સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો

વરાછાના વૃદ્ધ બિલ્ડરની જમીનના ટુકડાને બાજુની જમીનના માલિકે પોતાનો બતાવી રો-હાઉસ બનાવવા માટે કબજો કરી ખાલી કરી નહોતી

Updated: Sep 14th, 2021

Article Content Image

- વરાછાના વૃદ્ધ બિલ્ડરની જમીનના ટુકડાને બાજુની જમીનના માલિકે પોતાનો બતાવી રો-હાઉસ બનાવવા માટે કબજો કરી ખાલી કરી નહોતી

સુરત, : સુરતના કામરેજના લસકાણાની જમીનના ટુકડાની બોગસ કબજા રસીદ બનાવી પચાવી પાડનાર બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી. વરાછાના વૃદ્ધ બિલ્ડરની જમીનના ટુકડાને બાજુની જમીનના માલિકે પોતાનો બતાવી રો હાઉસ બનાવવા માટે કબજો કરી ખાલી કરી નહોતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા
લંબે હનુમાન રોડ જે.બી.ડાયમંડ સર્કલ પાસે શાંતિવન સોસાયટી ઘર નં.37 થી 44 માં રહેતા 62 વર્ષીય બિલ્ડર અને ખેડૂત વિઠ્ઠલભાઇ ધનજીભાઇ પટેલ કામરેજ ચાર રસ્તા દાદા ભગવાન મંદિર પાછળ નનસાડ રોડ અંબર પેલેસમાં ઓફિસ ધરાવે છે. એપ્રિલ 1999 માં તેમણે કામરેજના લસકાણા ગામ રે.સ.નં.4 વાળી જમીન તેના મૂળ માલિકો પાસેથી ખરીદી હતી. વર્ષ 2017 માં તેમની જમીનનો અમુક ભાગ રેલવેમાં કપાતમાં જતા તેના બે ભાગ પડયા હતા. દરમિયાન, તેમની જમીનના પાછળના ભાગે તેમની જમીનને અડીને વાલક જૂનો બ્લોક 60/બી નવો બ્લોક 49 રેવન્યુ સર્વે નં.121 ની જમીનના માલિક ભુપત ગોકુળભાઇ સુદાણી ( રહે.45, ગંગા જમના સોસાયટી, ચોપાટી સામે, નાના વરાછા, સુરત. મુળ રહે. ધાર ગામ, તા.સાવરકુંડલા, જી.અમરેલી ) એ પોતાની જમીનમાં લાલન કૃપા સોસાયટીના નામે રો હાઉસનું આયોજન કર્યું હતું. તે માટે તેણે પ્લાન પણ મંજુર કરાવ્યો હતો.

Article Content Image

જોકે, પ્લાનથી વિપરીત તેણે વિઠ્ઠલભાઇની જમીનમાં 750 ચો.મી જમીનમાં દબાણ કરી ખોટી કબજા રસીદ બનાવી ત્યાં પ્લોટ બતાવી તેનું વેચાણ ઓક્ટોબર 2002 માં મહેશભાઇ બાબુભાઇ ગોરસીયા ( રહે.46,લાલનકૃપા સોસાયટી, લસકાણા, તા.કામરેજ, જી.સુરત ) ને કરતા તેમણે ત્યાં કબજો મેળવ્યો હતો. આ અંગેની જાણ થતા વિઠ્ઠલભાઇએ જમીન માપણી કરાવી ત્યારે દબાણ થયાનું પુરવાર થયું હતું અને તે સમયે મહેશે ભુપત પાસેથી પ્લોટ લીધો હોય ખાલી કરવા ઇન્કાર કર્યો હતો. ભુપતે પણ પોતાની ભૂલ સ્વીકારી હતી છતાં બંનેએ કબજો ખાલી નહીં કરતા વિઠ્ઠલભાઇએ કલેક્ટરને લેન્ડ ગ્રેબીંગની અરજી કરી હતી. કલેકટરે મંજૂરી આપતા છેવટે સરથાણા પોલીસે ગતરોજ બંને વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો નોંધી ભુપત સુદાણીની ધરપકડ કરી હતી. વધુ તપાસ એસીપી ( એ ડીવીઝન ) સી.કે.પટેલ કરી રહ્યા છે.

Gujarat