સરકારી જમીનને ફેન્સિંગનું લાખોનું કામ ટેન્ડર વિના જ કરાવાતાં તોળાતી તપાસ


રાજકોટના માલિયાસણ, વાવડીમાં દબાણો ખાળવાનાં નામે : એક પ્રાંત અધિકારીએ કરાવેલાં કામનો આધાર લઈને બે વર્ષ પછી એ જ એજન્સીને બીજા પ્રાંત અધિકારીએ બારોબાર કામ સોંપ્યું, ભ્રષ્ટાચારની શંકા

રાજકોટ, : રાજ્યના અનેક વિસ્તારોમાં જ્યાં એક તરફ ભૂ- માફિયાઓ સરકારી જમીનો પચાવી પાડવાની પેરવીમાં પડયા રહેતા હોય છે ત્યાં જ બીજી બાજુ ખૂદ સરકારના જ કેટલાંક અધિકારીઓ દબાણને લગતી જુદી- જુદી બાબતો પૈકી અમૂકમાં ગેરરીતિ આચરીને સરકારને નુકસાન પહોંચાડતા હોવાની વાત જગજાહેર છે એવામાં હવે, રાજકોટ નજીક સરકારી ભૂમિ પર ફેન્સિંગનું કામ ટેન્ડરિંગ વિના જ ચોક્કસ એજન્સીને સોંપી દઈને લાખો રૂપિયાનું ચૂકવણું પણ કરી દેવાયાનો શંકાસ્પદ કિસ્સો બહાર આવ્યો છે, જેમાં તત્કાલીન અધિકારીઓએ નિયમભંગ કર્યાની શક્યતા ચકાસવા મુદ્દે તપાસ પણ તોળાઈ રહી છે.

સરકારી નિયમ પ્રમાણે પાંચ લાખ રૂપિયાથી વધુનું સિવિલ વર્ક કરાવવાનું હોય તો ઓનલાઈન ટેન્ડરિંગ કરીને જ કોમ સોંપવાનું ફરજિયાત છે છતાં એ કાર્ય પધ્ધતિ અપનાવ્યા વિના ગત વર્ષે રાજકોટના માલિયાસણ અને વાવડી ખાતે સરકારી જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ ટેન્ડર વિના જ સોંપી દેવામાં આવ્યું હતું.

સરકારી ફાઈલોમાં રહેલી વિગતો મુજબ, વાવડીના સર્વે નંબર 149માં સરકારી જમીન પર લઘુમતિ સમાજે ફેન્સિંગ કરવાના પ્રયાસ કર્યા હતા અને ત્યાં (કોરોનાકાળમાં) સાત- આઠ મૃતકોની ગેરકાયદે દફનવિધિ કરવામાં આવી હતી. આથી, આવા કિસ્સામાં દબાણ દૂર કરવું મુશ્કેલ બની જતું હોવાથી આગમચેતીના ભાગરૂપે તાત્કાલિક કમ્પાઉન્ડ વોલ કરવી જરૂરી છે એમ નાયબ કલેક્ટર રાજકોટ શહેર-2ના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ઠરાવાયું હતું. અત્રે નોંધનીય છે કે કામની ઈમર્જન્સી હોય એવા કિસ્સામાં પણ પીડબલ્યુડી- માર્ગ મકાન વિભાગ જેવા સરકારી ખાતાંના એસ.ઓ.આર. મુજબ અને સરકારી ખાતાંને જ એજન્સી તરીકે કામ સોંપવાનું થાય, પરંતુ તારીખ 15-1-2021ના રોજ મળેલી ઉપરોક્ત બેઠકમાં શંકાસ્પદ રીતે એમ ઠરાવાયું કે /ફેન્સિંગ માટે સરકાર દ્વારા કલેક્ટરને ફાળવાતી ગ્રાન્ટ કલેક્ટર દ્વારા મામલતદારને અને મામલતદાર દ્વારા માર્ગ- મકાન વિભાગ હસ્તક મૂકી માર્ગ- મકાન વિભાગ દ્વારા ફેન્સિંગની કામગીરી કરાવવાની થાય છે, પણ આ પ્રક્રિયામાં વિલંબ થતો હોઈ તત્કાલ ફેન્સિંગ માટે શું થઈ શકે તેની વિચારણા કરાઈ હતી, જેમાં પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1 દ્વારા તારીખ 27-05-20210ના વર્કઓર્ડરથી શહેરી વિસ્તારની જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવડાવવામાં આવી હોવાનું રાજકોટ તાલુકા મામલતદારના અભ્યાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું. એ પ્રક્રિયા મુજબ રાજકોટ મહાપાલિકાના એસઓઆરના ભાવ હાલ અમલી છે, અને એ જ એજન્સી રાજકોટ મનપાના એસઓઆર કરતાં દોઢ ટકા નીચા ભાવે કામ કરી આપવા સહમત હોય તો તેને વર્ક ઓર્ડર આપવો./

એ પછી, તા. 20-1-2021ના રોજ એ જ અધિકારીએ માલિયાસણના સર્વે નંબર  333નીજમીન ઉપર 3 સ્થળે કુલ પંદરેક લાખ રૂપિયામાં તથા વાવડીમાં 1135 ચોરસમીટર જમીન ઉપર 31 લાખના ખર્ચે આરસીસી કમ્પાઉન્ડ વોલ બનાવવાનો વર્ક ઓર્ડર આપી દીધો હતો. જો કે, સ્થાનિક અમલદારોએ આ કિસ્સામાં આંખ આડા કાન કરી દીધાની ફરિયાદ ઉઠી છે ત્યારે કેટલાંક ઊચ્ચ અધિકારીઓએ નામોલ્લેખ ટાળવાની શરતે કબૂલ્યું કે માત્ર આરએમસીના એસઓઆર મુજબ 42 લાખ જેવી માતબર રકમનું કામ ટેન્ડર પ્રક્રિયા વગર જ આપવાની કામગીરી શંકાના દાયરામાં હોવાથી ઓડિટ દરમિયાન પકડાય તો, અથવા કોઈ વ્યક્તિ ફરિયાદ કરે તો ઊચ્ચ કક્ષાએથી તપાસ આવી શકે છે. દરમિયાન, એક અરજદારે કલેક્ટરને કરેલી લેખિત ફરિયાદમાં એવો આક્ષેપ પણ કર્યો છે કે વાવડીમાં કબ્રસ્તાન માટે જમીનની માગણીને લઈને કોર્ટ કેસ ચાલુ હતો અને દેખીતી પેશકદમી નહોતી છતાં ફેન્સિંગનું કામ અને એ પણ ટેન્ડર વિના તથા ઊંચા ભાવે અપાયું હતું, જે બાબતે તપાસ થવી જરૂરી છે. 

City News

Sports

RECENT NEWS