ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાની બદલે વધુ આપેલી તક સુરત પાલિકાને 14 કરોડમાં પડી

Surat Corporation : સુરતના સિદ્ધાર્થ નગર ફ્લાય ઓવર બ્રિજના કોન્ટ્રાક્ટરની નબળી અને ધીમી કામગીરી બદલ 2022માં ઈજારદારને બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત હતી. જોકે, તે સમયે ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટર હોવાથી બ્લેક લિસ્ટ કરવાના બદલે સમય મર્યાદા વધારવામાં આવી હતી. અને ડિસેમ્બર 2024 માં બ્લેક લિસ્ટ કર્યા બાદ અધૂરી કામગીરી માટે નવેસરથી ટેન્ડર બહાર પડ્યા હતા. જોકે, નવા અંદાજ પ્રમાણે ટેન્ડર ઉંચા આવ્યા છે અને એજન્સીની પાલિકા પાસે બાકી રકમ 9.75 કરોડ હોવા છતાં પાલિકાએ 14.06 કરોડ વધારાના ચૂકવવા પડશે. ભુતકાળમાં દરખાસ્તમાં એજન્સી પાસે વધારાનો ખર્ચ લેવા નિર્ણય કર્યો હતો પરંતુ તેનો અમલ થાય તેની શક્યતા નહીવત છે. તેથી ભાજપ શાસકોએ કોન્ટ્રાક્ટરની કરેલી તરફેણ પાલિકાને 14 કરોડમાં પડશે.
સુરતની ટ્રાફિક સમસ્યા ઘટાડવા તથા 45 મીટર પહોળાઈ ધરાવતા રીંગરોડ માટે કડીરૂપ સિદ્ધાર્થ નગર ફ્લાય ઓવર બ્રિજના કોન્ટ્રાક્ટરની નબળી અને ધીમી કામગીરીના કારણે ફરી એક વખત બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત જૂન 2022માં રજુ કરવામાં આવી હતી. અજય પ્રોટેક્ટ ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટર હોવાથી એજન્સીને બ્લેક લીસ્ટ કરવાની બદલે વધુ સમય ફાળવવામાં આવ્યો હતો. તે પછી પણ કામગીરી ન થતાં ડિસેમ્બર 2024માં એજન્સીને બ્લેક લિસ્ટ કરી અધૂરી કામગીરી માટે નવેસરથી ટેન્ડર બહાર પડાયા હતા.

