For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાત ચૂંટણી : પ્રથમ તબક્કામાં 61% મતદાન, સૌથી વધુ તાપીમાં તો સૌથી ઓછું ભાવનગરમાં મતદાન

કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓની 89 બેઠકો પર મતદાન પૂર્ણ

આજે 788 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું, હવે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે

Updated: Dec 1st, 2022

અમદાવાદ,તા.01 ડિસેમ્બર-2022, ગુરુવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 5.00 વાગ્યા સુધીમાં 61 ટકાની આસપાસ મતદાન થયું છે. તો ગત 2017ની ચૂંટણીમાં 68 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં સૌથી વધુ તાપીમાં 72.32 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું ભાવનગમાં 51.34 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બન્યા હતા. આ બેઠકો પર 788 (718 પુરૂષ, 70 મહિલા) ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. હવે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાશે અને બંને તબક્કાનું 8મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 

05.00 PM : ગુજરાત વિધાનસભાનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સવારે 8.00 વાગ્યાથી સાંજે 5.00 વાગ્યા સુધીમાં સરેરાશ 60% મતદાન થયુ હોવાનો અંદાજ હતો. 89 બેઠકો પરના 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે.

04.47 PM : 4 વાગ્યા સુધીમાં 54% મતદાન

04.45 PM : હાસ્યકાર અને પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડે થાનગઢ ખાતે મતદાન કરીને લોકશાહીના પર્વને વધાવ્યું...

Article Content Image

04.43 PM : નવસારીના ભાજપના ઉમેદવાર પિયુષ ભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે, ઝરી ગામમાં વહેલી સવારે તેમના પર હુમલો થયો હતો. તેમના 4-5 વાહનોને પણ નુકસાન થયું છે. આ અંગે નવસારી એસપીએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ ચાલી રહી છે.

04.40 PM : ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક EVM ખોટકાયા છે. અત્યાર સુધીમાં અહીં 4 જેટલા બેલેટ યુનિટ બદલવા પડ્યા છે. 16 જેટલા કંટ્રોલ યુનિટ અને ભાવનગરમાં 28 વીવીપેટ મશીનો બદલવા પડ્યા છે.

04.35 PM : હાલ વરાછા વિસ્તારનો એક વીડિયો સામે આવી રહ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીની વેબસાઈટ પર એક વીડિયોન ટેગ કરવામાં આવ્યો છે, જેમાં બોગસ મતથાન થતું હોવાનું લખાયું છે.

04.33 PM : ખેરગામ તાલુકાના નાંધઈ ગામે પ્રિસાઈડીંગ ઓફિસ અને કોંગ્રેસ પોલીંગ એજન્ટ વચ્ચે માથાકુટ થઈ. કોંગ્રેસના પોલીંગ એજન્ટને ધક્કા મારીને બહાર કઢાયા. પોલીસની હાજરીમાં જ માથાકુટ થઈ 

04.32 PM : સોમનાથ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામ-સામે આવી જતાં વિવાદ ઉભો થયો. ભાજપના ઉમેદવાર માનસિંહ પરમારે હાથ મેળવવા આગળ થતાં કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમા ચહેરા પર સ્મિત આપી દૂર ભાગ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

04.30 PM : છેલ્લા 30 મિનિટમાં મતદારોનો ઉત્સાહ દેખાયો, મતદારોની લાઈનો લાગી

04.20 PM : ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને બે દિવસ પહેલા નોર્મલ હાર્ટ એટેક આવ્યો હતો. આ દરમિયાન તેમણે સ્ટેન્ડ પણ મુકાવ્યું હતું. તો આજે તેમણે મતદાન કરવાની ફરજ નિભાવી મતદાન કરવા આવ્યા હતા.

04.15 PM : ગુજરાતમાં ગુરુવારે પ્રથમ તબક્કા હેઠળ મતદાન ચાલી રહ્યું છે. લગ્ન પહેલા મતદાન કરવા માટે મતદાન મથક પર કપલ પહોંચ્યા ત્યારે મોરબીમાં એક રસપ્રદ નજારો જોવા મળ્યો હતો. મતદાનને લઈને સામાન્ય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કવિતા અને વૈભવ નામના કપલે લગ્નજીવનની શરૂઆત કરે તે પહેલા સૌથી પહેલા નાગરિક તરીકેની ફરજ નિભાવી અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે. આજે કબલે મતદાન મથકે સાથે આવી મતદાન કર્યું હતું.

Article Content Image

03.56 PM : ધોરાજીમાં મતદારો દ્વારા અનોખો વિરોધ કરાયો. જમાલીપાના મતદારો ખાલી તેલની બરણી અને ગેસના બાટલા સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.

03.55 PM : ઝાલાવાડ : લગ્ન પ્રસંગ ઉજવતા પહેલા લોકશાહીનો અવસર ઉજવતા ઝાલાવાડના મતદારો

Article Content Image

03.50 PM : સૌથી વધુ તાપીમાં, સૌથી ઓછું જામનગરમાં મતદાન નોંધાયું

  • અમરેલી - 44.62
  • ભરૂચ - 55.45
  • ભાવનગર - 45.91
  • બોટાદ - 43.67
  • ડાંગ - 58.55
  • દેવભૂમિ દ્વારકા - 46.55
  • ગીર સોમનાથ - 50.89
  • જામનગર - 42.26
  • જુનાગઢ - 46.03
  • કચ્છ - 45.45
  • મોરબી - 53.75
  • નર્મદા - 63.88
  • નવસારી - 55.10
  • પોરબંદર - 43.12
  • રાજકોટ - 46.67
  • સુરત - 47.01
  • સુરેન્દ્રનગર - 48.60
  • તાપી - 64.27
  • વલસાડ - 53.49


Article Content Image

03.45 PM : માણાવદરમાં EVM ખરાબ થતાં મતદારો હેરાન

03.40 PM : ગોંડલના જામવાડી ગામમાં મારામારી થવાના સમાચાર સામે આવ્યા છે. અહીં કોંગ્રેસના પોલિંગને માર મારવામાં આવ્યો છે. જયદીપ પારખીયા નામના કોંગ્રેસના પોલિંગને માર મરાતા મામલો ગરમાયો છે. 3 શખ્સો દ્વારા કોંગ્રેસના પોલિંગ એજન્ટને મારમાર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મારમારીની ઘટના સામે આવતાં જ પોલીસ પહોંચી ગઈ છે.  જામવાડી સહિતના ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ ઘટનાની જાણ થતાં કોંગ્રેસના ઉમેવાર યતિન દેસાઈ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

03.32 PM : 3 વાગ્યા સુધીમાં 48.48% મતદાન 

03.30 PM : ગોંડલમાં વધુ એ વિવાદિત ઘટના, ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના પુત્રએ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે કે રીબડાના રાજદીપસિંહ બોગસ મતદાન કરાવે છે. દાળિયા ગામના લોકોએ તે અંગેની તેમને માહિતી આપી હતી, વિવાદ આગળ ના વધે એટલે પોલીસ-બંદોબસ્તમાં પણ વધારવામાં કરવામાં આવ્યો છે.

03.15 PM : 212 લોકો માટે ઘરની પાસે એક કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરવામાં આવ્યું. અહીંના લોકોને મતદાન માટે 82 કિલોમીટર દૂર જવું ન પડે તે માટે આ સુવિધા કરી દેવામાં આવી હતી.

03.10 PM : સોમનાથ બેઠક પર ભાજપ - કોંગ્રેસના ઉમેદવારો મતદાન સમયે સામે સામે ઘર્ષણ જોવા મળ્યું. ભાજપના ઉમેદવારે માનસિંહ પરમારે હાથ મેળવવા આગળ કર્યો સામે કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમા સ્મિત આપી દૂર જતા રહ્યા હતા. 

03.00 PM : કતારગામ વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિનું મોરાડીયાનું નિવેદન,તેમને જણાવ્યું છે કે, આ બેઠક પર આવતી પાર્ટીઓના સૂપડા સાફ થઈ જશે. ગુજરાતમાં ભાજપ જ વિજેતા થશે.

02.50 PM : રાજકોટ : ગોંડલના દાળિયા ગામમાં રીબડા અને ગોંડલ જૂથ વચ્ચે બોલાચાલી થયાની ચર્ચા, આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

02.45 PM : જામજોધપુરમાં સિઝેરિયન કર્યાના 2 દિવસમાં જ નવજાત બાળકની માતાએ મતદાન કર્યું. શ્રેયા હિતાર્થ વ્યાસે 29 નવેમ્બરે એક બાળકને જન્મ આપ્યો હતો. શ્રેયાબેનને હોસ્પિટલમાંથી રજા મળતાં જ તેઓ જામજોધપુરમાં મતદાન કરવા પહોંચી ગયા હતા.

Article Content Image

02.40 PM : રોડ, પાણી સહિતની સુવિધા ન મળતા ડેડીયાપાડા લોકોનો ચૂંટણી બહિષ્કાર : નર્મદા જિલ્લામાં આવેલા ડેડીયાપાળા વિસ્તારના સમોટ ગામના લોકોએ પાયાની સુવિધાઓને લઈને ચૂંટણનો બહિષ્કાર કર્યો છે. આ કેન્દ્ર પર હજુ સુધી એક પણ મત પડ્યો નથી. આ કેન્દ્ર પર મતદાન થવા છતાં કોઈ પણ સત્તાવાળા કે ઉમેદવારો આ ગામના લોકોને સમજાવવા આવ્યા થી. આ ગામમાં કુલ 1000 જેટલા મતદારો છે.

02.35 PM : ગીરના જંગલમાં માત્ર 1 વ્યક્તિ માટે ઉભા કરાયેલ મતદાન કેન્દ્રમાં 100 ટકા મતદાન થયું

Article Content Image

02.32 PM : 2 વાગ્યા સુધીમાં 40%થી વધુ મતદાન

02.30 PM : ચોટીલા તાલુકાના હિરાસર ગામે 110 વર્ષના માજીએ મતદાન કરીને અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી...

Article Content Image

02.22 PM : સુરેન્દ્રનગર જિલ્લામાં પુરુષ અને સ્ત્રી મતદારો સાથે ટ્રાન્સજેન્ડર મતદારોએ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું. 

02.20 PM : લોકશાહીના મહાપર્વની ઉજવણી પર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ભુજના પ્રમુખસ્વામી નગર, રઘુવંશી નગર, વાણીયાવાડ, ભુજ ઈંગ્લીશ સ્કૂલ વિસ્તારની મુલાકાત લીધી.

02.10 PM : ડાંગના આહવામાં બેનરોએ ઉમેદવારોને દોડતા કરી દીધા. રસ્તા અને પુલ મુદ્દે મોટીદબાસ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર

Article Content Image

02.05 PM : સુરત : ભાજપના નેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિવાદમાં આવ્યા છે. તેમણે મતકુટિર અંદરનો વીડિયો ઉતારી સોશિયલ  મીડિયા પર પોસ્ટ કરતા વિવાદ થયો છે. આ વિવાદ બાદ વીડિયોને ડિલીટ કરવામાં આવ્યો છે.

02.00 PM : બપોરે 1 વાગ્યા સુધીમાં તાપી જિલ્લામાં સૌથી વધુ મતદાન

Article Content Image

01.50 PM : સવારે 8:00 વાગે મતદાન શરૂ થયું ત્યારથી 11.00  વાગ્યા સુધીના ત્રણ કલાક દરમિયાન 19 જિલ્લાઓમાં થઈને 33 બેલેટ યુનિટ, 29 કંટ્રોલ યુનિટ અને 69 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. 19 જિલ્લાઓમાં ઇવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. 26,269 બી.યુ.(બેલેટ યુનિટ), 25,430 સી.યુ. (કંટ્રોલ યુનિટ) અને 25,430 VVPAT કાર્યરત છે. મતદાનની 90 મિનિટ પહેલા ઇવીએમની ચકાસણી માટે મૉક પોલ યોજાય છે. આ મૉક પોલ દરમિયાન 140 બેલેટ યુનિટ, 372 કંટ્રોલ યુનિટ અને 332 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. સવારે 8:00 વાગે મતદાન શરૂ થયું ત્યારથી 11.00 વાગ્યા સુધીના ત્રણ કલાક દરમિયાન 19 જિલ્લાઓમાં થઈને 33 બેલેટ યુનિટ, 29 કંટ્રોલ યુનિટ અને 69 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.

01.45 PM : રાજકોટમાં બપોરે 12 વાગ્યા સુધી 26 ટકા મતદાન : રાજકોટના કલેક્ટર અરુણ મહેશે જણાવ્યું કે, લોકો ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં બપોરે 12 વાગ્યા સુધીમાં 26 ટકા મતદાન નોંધાયું છે. અત્યાર સુધી કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. અમે વેબકાસ્ટિંગ દ્વારા સંવેદનશીલ મતદાન મથકો પર નજર રાખી રહ્યા છીએ.

01.37 PM : અમરેલી : સાવરકુંડલાના આંબરડીમાં બળદ ગાડામાં ખેડૂતો મતદાન મથકે પહોંચ્યા હતા.

01.35 PM : સુરતના કતારગામ બેઠક પર યુવા મતદારો ઘોડા પર સવાર થઈને મતદાન મથકે પહોચ્યા હતા. આ યુવકોને જોઈ લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું.

01.30 PM : વોટ આપવા માટે વ્યક્તિએ લગ્નનો સમય સવારથી સાંજનો કરાવ્યો : ગુજરાતના તાપીમાં એક વ્યક્તિએ લગ્ન પહેલા પોતાનો મત આપ્યો. પ્રફુલભાઈ મોરે નામના વ્યક્તિએ જણાવ્યું કે, મારા લગ્ન સવારે થવાના હતા, પરંતુ મતદાનના કારણે મેં લગ્નનો સમય સાંજે કરાવ્યો. અમારે લગ્ન માટે મહારાષ્ટ્ર જવાનું છે. તેમણે દરેકને મતદાન કરવા અપીલ કરી છે.

01.23 PM : સુરતમાં સીટી લાઈટની એક સોસાયટીના મતદારો હાથમાં તિરંગા સાથે મતદાન કરવા પહોંચ્યા

01.21 PM : 1.00 વાગ્યા સુધીમાં 30 ટકા મતદાન

01.21 PM : જૂનાગઢ : માણાવદર સ્કૂલમાં બુથ નંબર-54માં ઈવીએમ ખોટકાયું, 30 મિનટિ સુધી ઈવીએમ બંધ રહેતા મતદારોની લાંબી લાઈનો લાગી.

01.19 PM : કચ્છ : ભૂજના મિરજાપરા ગામે EVM ખોટકાયું

01.17 PM : જામજોધપુર ધ્રાફા ગામે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરાયો. મહિલાઓ માટે અલગ મતદાન બૂથ ન રખાતા ચૂંટણી બહિષ્કાર કર્યો. રાજાશાહી વખતથી મહિલાઓ માટે અલગ મતદાન મથક ફાળવાતું હતું, આ વખતે મહિલાઓ માટે અલગ મતદાન મથક ન ફાળવાતા ચૂંટણી બહિષ્કાર કર્યો.

01.15 PM : જૂનાગઢ : માણાવદર સ્કૂલમાં બુથ નંબર-54માં ઈવીએમ ખોટકાયું, 30 મિનટિ સુધી ઈવીએમ બંધ રહેતા મતદારોની લાંબી લાઈનો લાગી.

01.10 PM : રાજકોટના માધાપર મતદાન મથકે કિર્તીદાન ગઢવીને મત આપતા અટકવ્યા છે. આધારકાર્ડની હાર્ડ કોપી સાથે ન હોવાથી કિર્તીદાનને મત આપતા અટકાવતા તેમણે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જે બાદ કિર્તીદાન ગઢવી મત આપી શક્યા હતા. 

Article Content Image

01.00 PM : 157-માંડવી બેઠકમાં સમાવિષ્ટ સોનગઢ તાલુકાની ઉકાઈ જૂથના સિંગ્લખાંચ અને પથરડા ગામમાં ચૂંટણી બહિષ્કારને પગલે અત્યાર સુધી એક પણ મતદારે મતદાન કર્યુ નથી.

12.57 PM : ભાજપના નેતા દિલીપ સંઘાણીએ મતદાન કર્યું. તેમણે હાર્દિક પટેલને સલાહ આપી કહ્યું કે, હાર્દિક  ભાજપની વિચારધારાને વળગી રહેશે તો ફાયદો થશે. ભાજપની વિચારધારા સ્વીકારીને ભાજપે તેને સભ્ય બનાવ્યો છે. ભાજપનું ભવિષ્ય સારું છે. હાર્દિક પટેલનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધાર રાખે છે.

12.55 PM : અભૂતપૂર્વ ઉત્સાહ : અમરેલીમાં વિકલાંગ મતદારોએ મતદાન કર્યું, વરિષ્ઠ મતદારો પણ હોંશેહોંશે મતદાનમાં જોડાયા

Article Content Image

12.50 PM : સુરતઃ પલસાણા તાલુકાના એના ગામના મતદાન કેન્દ્રએ બારડોલી સત્યાગ્રહની યાદ અપાવી

Article Content Image

12.47 PM : સુરત : મતદાન મથકોએ મતદારોમાં આકર્ષણ જમાવ્યું : ‘મહિલા મતદાન મથક’, ‘અવસર લોકશાહીનો’ મોડલ બુથ પર મતદારોએ મતદાન કરી સેલ્ફી લીધી...

12.45 PM : સુરત : વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગ મતદારોએ મતદાન કરી સેલ્ફી લીધી...

12.42 PM : રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ખંભાળિયા મતદાન મથક પર મતદાન કર્યું.

12.40 PM : પાલીતાણા : ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે મારામારી, મતદાન સમયે બોલાચાલી થયા બાદ મારમારી થઈ.

12.35 PM : અમરેલી જિલ્લામાં 8 સ્થળોએ ઈવીએમ બગડ્યા, તંત્ર દ્વારા તમામ ઈવીએમ બદલવા પડ્યા

12.27 PM : કોંગ્રેસ તરફનું મતદાન રોકવાનો આરોપ : લાઈટ બંધ થતા સુરત ઉત્તર વિધાનસભા બેગમપુરા વિરમગામી મહોલ્લાની શાળામાં મતદાન અટક્યું. બંધ લાંબી લાઈનો જોઈ મતદારો મતદાન કર્યા વગર જ પાછા ફર્યા. કોંગ્રેસના પૂર્વ નગર સેવક અસદ કલ્યાણી ધરણા પર બેસતા પોલીસે બહાર કાઢ્યા. 1 કલાક મતદાન રોકાયા બાદ પાવર આવતા ફરી મતદાન શરૂ કર્યું છે. 

12.22 PM : કેન્દ્ર સરકારના આયુષ રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ મતદાન કર્યું.

Article Content Image

12.20 PM : બોટાદ ખાતે કન્યાએ મતદાન કર્યું : કૃપાબા ધાધલએ પ્રભુતામાં પગલાં પાડતાં પહેલા મતદાન કર્યું. 

12.15 PM : મતદાન બાદ ઈટાલિયાનો ભાજપ પર મોટો આરોપ, નાના બાળકને હરાવવા આટલી હદે નીચે ન જાઓ : ધીમા મતદાનને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ધીમા મતદાનને લઈને આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે પ્રથમ તબક્કાની તમામ બેઠકોનું સરેરાશ 3.5 ટકા મતદાન થયું છે. જ્યારે કતારગામ બેઠક પર માત્ર 1.41 ટકા જ મતદાન થયું છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે, ભાજપના લોકોના દબાવમાં જ કામ કરવું હોય તો પછી ચૂંટણી જ કેમ યોજો છો. 89 બેઠકો પર 3.5 ટકા મતદાન થયું છે તો કતારગામ બેઠક પર માત્ર 1.41 ટકા જ કેમ. એક નાના બાળકને હેરાન કરવા માટે આટલી હદ ના વટાવો. 

12.10 PM : 12 વાગ્યા સુધીમાં કયા જિલ્લામાં કેટલું મતદાન થયું સૌથી વધુ ડાંગ અને તાપી જિલ્લામાં 30%, સુરત-ભરૂચ-દ્વારકા-બોટાદમાં 23%, કચ્છમાં 24%, જામનગર 25%, સુરેન્દ્રનગરમાં 24%, ગીર સોમનાથ 24%, જૂનાગઢ 25%, પોરબંદર 23%, ભાવનગરમાં 24%, બોટાદમાં 23%, અમરેલીમાં 24%, રાજકોટમાં 25%, મોરબીમાં 26%, ભરૂચમાં 23%, નર્મદામાં 28%, સુરતમાં 23%, નવસારીમાં 27%, તાપીમાં 30%, વલસાડમાં 26% મતદાન થયું.

12.08 PM : ગીર સોમનાથ : ઉનામાં કન્યાશાળામાં EVM મશીન ખોટવાયું

12.04 PM : ક્રિકેટર જાડેજાના પિતા અને બહેને કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો : અનિરુદ્ધ સિંહ જાડેજા અને નયના જાડેજા (રવીન્દ્ર જાડેજાના પિતા અને બહેન)એ જામનગરના મતદાન મથક પર મતદાન કર્યું. ક્રિકેટર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તરમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે અનિરુદ્ધ અને નયનાએ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો છે.

Article Content Image

12.00 PM : ગુજરાત: રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષે સુરતમાં મતદાન કર્યું.

Article Content Image

12.00 PM : મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ  છગનભાઇ પટેલે નવસારીમાં પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી.

Article Content Image

1 ડિસેમ્બરે કયા જિલ્લાઓમાં ચૂંટણી ?

પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન... પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લામાં મતદાન હાલ ચાલી રહ્યું છે. એટલે કે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ જશે.

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં યોજાનાર 89 બેઠકો માટે કુલ બે કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો છે. આ કુલ મતદારોમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો, 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો સામેલ છે. સર્વિસ વોટરોની સંખ્યાની વાત કરીએ તો કુલ 27 હજાર 877 સર્વિસ વોટરનો સમાવેશ છે. સર્વિસ વોટર હેઠળ પ્રથમ તબક્કામાં 9 હજાર 371 પુરૂષ અને 235 મહિલા મતદારો મળી 9 હજાર 606 સર્વિસ મતદારો છે. પ્રથમ તબક્કામાં 3 હજાર 331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો છે.

પહેલી ડિસેમ્બરે 788 ઉમદવારો માટે મતદાન

ગુજરાત ચૂંટણીની પહેલી ડિસેમ્બરે યોજાનાર બે તબક્કાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 718 પુરૂષ અને 70 મહિલા મળી કુલ 788 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કામાં આ બેઠકોમાં મતદાન

અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર, કુતિયાણા, માણાવદર, જુનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળ, સોમનાથ, તલાલા, કોડીનાર, ઉના, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ, નાંદોદ, દેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ, અંકલેશ્વર, ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી, મહુવા, વ્યારા, નિઝર, ડાંગ, જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ

પ્રથમ તબક્કામાં યોજાનાર મતદાન અંગે મહત્વની વિગતો

  • મતદાનનો સમય : સવારે 08.00 થી સાંજે 05.00
  • કેટલા જિલ્લામાં મતદાન :  19 (કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત)
  • કેટલી બેઠક માટે મતદાન : 89
  • કુલ ઉમેદવારો : 788 (718 પુરૂષ ઉમેદવાર, 70 મહિલા ઉમેદવાર)
  • રાજકિય પક્ષો : 39 રાજકીય પક્ષો
  • કુલ મતદારો : 2,39,76,670 (1,24,33,362 પુરૂષ મતદારો, 1,1,5,42,811 મહિલા મતદારો અને 497 ત્રીજી જાતિના મતદારો)
  • 18થી 19 વર્ષની વયના મતદારો : 5,74,560
  • 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો : 4,945
  • સેવા મતદારો : કુલ 9,606 (9,371 પુરૂષ , 235 મહિલા)
  • NRI મતદારો : કુલ 163 (125 પુરૂષ, 38 મહિલાઓ)
  • મતદાન મથક સ્થળો : 14,382 (3,311 શહેરી વિસ્તારોમાં અને 11,071 ગ્રામ્ય વિસ્તારોમાં)
  • મતદાન મથકો : 25,430 (9,014 શહેરી વિસ્તારોમાં અને 16,416 ગ્રામ્ય મતદાન મથકો)
  • વિશિષ્ટ મતદાન મથકો : 89 મોડલ મતદાન મથકો, 89  દિવ્યાંગ સંચાલિત, 89 ઈકો ફ્રેન્ડલી, 611 સખી, 18 યુવા સંચાલિત મતદાન મથકો
  • EVM-VVPATની સંખ્યા : 34,324 બેલેટ યુનિટ, 34,324 CU અને 38,749 VVPAT ( મોરબીની 65-મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા, સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે)
  • મતદાન સ્ટાફની વિગત : કુલ 1,06,963 કર્મચારી/અધિકારી, 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીંગ સ્ટાફ
  • વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ : તમામ 19 જિલ્લાઓમાં 1 ડિસેમ્બરે ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા અપાશે

મતદારો માટે ઉપયોગી વેબસાઈટ્સ

  • National Voters Service Portal (NVSP) - www.nvsp.in : મતદાર યાદી ડાઉનલોડ કરવા અને મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે, e-EPIC ડાઉનલોડ કરવા માટે, તમારા મતવિસ્તારની વિગતો જાણવા માટે, તમારા વિસ્તારના BLO અને મતદાન નોંધણી અધિકારીની વિગતો મેળવવા માટે આ એપનો ઉપયોગ કરી શકશો.
  • મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની વેબસાઈટ – ceo.gujarat.gov.in : ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે તેમજ મતદાન મથકોની યાદી અને મતદાર યાદી સંબંધિત માહિતી મેળવવા માટેની વિગત આ વેબસાઈટ પરથી મેળવી શકશો.

મતદારો માટે ઉપયોગી મોબાઈલ ઍપ

  • પોતાનું મતદાન મથક શોધવા માટે, ઉમેદવારની માહિતી મેળવવા માટે, તબક્કાવાર ચૂંટણી પરિણામો જાણવા માટે, EVM વિશેની વિગતો મેળવવા માટે Voters Helpline App એપનો ઉપયોગ કરી શકશો.
  • ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે Know Your Candidate એપનો ઉપયોગ કરી શકાશે.
  • જો તમે આચારસંહિતા ભંગ થયું હોવાનું લાગે તો c-VIGIL App ફરિયાદ નોંધાવી શકશો.
  • દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા, વ્હિલચેરની સુવિધા મેળવવા માટે, પોતાના મતદાન મથકનું સ્થળ જાણવા માટે PwD Appનો ઉપયોગ કરી શકશો.

સવારે 12 વાગ્યા સુધીમાં થયેલા મતદાનની સંપૂર્ણ માહિતી મેળવવા અહીં ક્લિક કરો

સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં થયેલા મતદાનની સંપૂર્ણ માહિતી મેળવવા અહીં ક્લિક કરો

+
Gujarat