સાણંદમાં સિનિયર સિટિઝનને નિશાન બનાવતી ગેંગ ઝડપાઈ
- રોકડ, રિક્ષા સહિત 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત
- સાણંદ 3 રસ્તા પર વૃદ્ધના પાકિટમાંથી 12 હજાર સેરવી રસ્તા વચ્ચે ઉતારી દીધા હતા
સાણંદ : સાણંદમાં સિનિયર સિટિઝનને નિશાન બનાવતી ગેંગના ચાર સભ્યો ઝડપાયા છે. પોલીસે રોકડ, રિક્ષા અને મોબાઇલ સહિત રૂ. ૧.૪૭ લાખનો મુદ્દામાલ સાથે જપ્ત કરી આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સાણંદ ન્યુએરા હાઇસ્કુલથી આગળ આવેલી પતંજલી સ્ટોર સામેથી એક રિક્ષામાં ફરિયાદી બેઠા હતા. દરમ્યાન નળ સરોવર ત્રણ રસ્તા સુધીમાં રિક્ષામાં પાછળ સવાર ત્રણ અજાણ્યા પુરૂષોમાંથી કોઇ શખ્સે ફરિયાદીની નજર ચુકવી ફરિયાદીના શર્ટના ખીસ્સામાં રહેલા પાકીટમાંથી રોકડ રૂ.૧૨,૦૦૦ની ચોરી કરી ફરીયાદીને રસ્તામાં ઉતારી નાસી ગયા હતા.
બનાવ અંગે પોલીસને જાણ કરતા સી.સી.ટી.વી. કેમેરાની મદદથી રિક્ષાનો નંબર મેળવી વોચ ગોઠવી હતી. દરમિયાન ગુનો આચરનાર આરોપીઓ રિક્ષામાં બેસી સાણંદ એસ્સાર બાયપાસ ચાર રસ્તાથી કોલટ બાયપાસ ચાર રસ્તા તરફ નિકળશે છે તેવી બાતમીના આધારે કોલટ બાયપાસ ચાર રસ્તા ખાતેથી ચોરી કરનાર ૦૪ આરોપીઓને ચોરીના ૧૨,૦૦૦, એક રિક્ષા કિ.રૂ.૧,૦૦,૦૦૦, સાત મોબાઇલ કિ.રૂ.૩૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૪૭,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી પાડયા હતા.
આરોપીઓ અલગ-અલગ વિસ્તારમાં રિક્ષા લઇ સિનિયર સિટીઝન પેસેન્જરને બેસાડી ટાર્ગેટ કરી નજર ચુકવી ચોરી કરી ફરીયાદીને રસ્તામાં ઉતારી ચોરી કરતા હતા. ચાર આરોપી પૈકી આરોપી રણજીતભાઇ ઇશ્વરભાઇ ચુનારાનાઓ વિરૂધ્ધ અગાઉ ધોળકા રૂરલ પો.સ્ટે. અને ગાંધીનગર સેક્ટરમાં ગુનો નોંધાયેલા છે.
પકડાયેલ આરોપીઓ
(૧) સંજયભાઇ કનુભાઇ ઠાકોર (ઉ.વ.૨૫, રહે.એકતાનગર છાપરા, પીંપણજ ગામ, નારોલ, અમદાવાદ શહેર)
(૨) રાહુલભાઇ ભગવાનભાઈ ઠાકોર (ઉ.વ.૨૧ રહે.ગણેશનગર છાપરા, પીંપડજ, નારોલ, અમદાવાદ શહેર)
(૩) રણજીતભાઇ ઇશ્વરભાઈ ચુનારા (ઉ.વ.૩૧. રહે. સાબર હોટલની પાછળ છાપરામાં, સરખેજ અમદાવાદ)
(૪) વનરાજ રમેશભાઇ ઠાકોર (ઉ.વ.૨૫. હાલ રહે.સાબર હોટલની પાછળ સરખેજ, મુળ રહે.ભાત ગામ, તા.દસ્ક્રોઇ)