ગાંધીનગર: માણસાના 4 લોકોને તહેરાનમાં બંધક બનાવવાનો કેસ, દિલ્હીથી એક એજન્ટની ધરપકડ

Gandhinagar News : ઓસ્ટ્રેલિયા જવાની લાલચમાં ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવાયેલા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર વ્યક્તિને હેમખેમ વતન પરત લાવવામાં આવ્યા છે. માણસાના 4 લોકોને તહેરાનમાં બંધક બનાવવાના કેસ મામલે પોલીસે વિઝાનું કામ કરનારા એજન્ટને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે.
દિલ્હીથી એક એજન્ટની ધરપકડ
ઈરાનના તહેરાન શહેરમાં બંધન બનાવેલા માણસાના 4 લોકોને વતન પરત ફર્યા બાદ પરિવારને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા સાથે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ લવાયા હતા. જો કે, ચાર પૈકી બે જ લોકોને ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ કાર્યાલય લવાયા હતા, જ્યારે અન્ય બે લોકોની તબિયત ખરાબ હોવાના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાયા હતા.
જ્યારે હવે સમગ્ર કેસમાં પોલીસે દિલ્હીથી જરીક અહેમદખાન સફીકઅહેમદખાન નામના એજન્ટની ધરપકડ કરી છે. પોલીસે આરોપીના 13 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
બાપુપુરા ગામના પ્રિયા ચૌહાણ, અજય ચૌધરી, અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તેમને એમિરેટ્સ એરલાઇન્સ મારફતે દિલ્હીથી થાઇલેન્ડ લઈ જવાયા, ત્યાંથી વાયા દુબઈ થઈને ઈરાનના પાટનગર તહેરાન લઈ જવાયા હતા. તહેરાનના ખામેનીની ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ તેમને ટેક્સીમાં બેસાડીને અજાણ્યા સ્થળે (હેલી નામની હોટેલ) લઈ જવામાં આવ્યા હતા. આ યુવકોને અપહરણકારોએ બંધક બનાવીને ભારે શારીરિક ત્રાસ આપ્યો હતો. તેમના વસ્ત્રો ઉતારીને, હાથ-પગ બાંધીને માર મારવામાં આવ્યો હતો અને પૈસાની સતત માંગણી કરાતી હતી. આ ક્રૂરતાનો વીડિયો અપહરણકર્તાઓએ વોટ્સએપ દ્વારા પરિવારજનોને મોકલ્યો હતો, જેમાં યુવકો ‘હવે સહન થતું નથી’ કહીને કરગરતા જોવા મળ્યા હતા. અપહરણકારોએ શરૂઆતમાં રૂ. 2 કરોડની ખંડણીની માંગણી કરી હતી.

