ગંભીરા બ્રિજ પર 10 દિવસથી લટકતું ટેન્કર, ટ્રક ઉતારવા માલિક સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાક્યા
Vadodara News: વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 9 જુલાઈના રોજ સર્જાયેલા આ દુર્ઘટના બાદ લટકી રહેલા ટ્રક ઉપર આજે પણ સૌ કોઇની નજર છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના પર છેલ્લા 10 દિવસથી લટકતા ટ્રકનો માલિક ટ્રકને ઉતારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે.
10 દિવસથી ટ્રક બ્રિજ પરથી ઉતારવા માલિકના ધક્કા
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આજે પણ ટ્રક બ્રિજ પર જોખમી હાલતમાં લટકી રહ્યો છે. આ અંગે શિવમ રોડલાઇન્સના માલિક રામાશંકર ઇન્દ્રબહાદુર પાલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 દિવસથી ટ્રક બ્રિજ પરથી હટાવવા માટે આણંદ-વડોદરાની સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યાં છીએ, પરંતુ કોઈ જવાબ મળતો નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તંત્રને ટ્રક ઉતારવા અનેક રજૂઆત કરી છે, પરંતુ તેમના તરફથી કોઈ પ્રકારે હકારાત્મક જવાબ મળતો નથી. ક્યારેક તંત્ર એમ કહે કે હેલિકોપ્ટરથી ટ્રક ઉતારીશું ને ક્યારેક નવો બ્રિજ બને ત્યારે ઉતારી આપીશું.
ટ્રક માલિકે કહ્યું કે, 'મારે ટ્રક પર 30 લાખની લોન ચાલે છે. જેના દર મહિને લાખનો હપ્તા આવે છે. જો ટ્રક ચલાવીશ નહીં તો હપ્તા કઈ રીતે ભરીશ?'