મેસમાં ફૂડ પોઈઝનિંગ બાદ લીધેલા ખાદ્ય પદાર્થોના સાત અને પાણીના પાંચ નમૂના ફેલ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં જમનાર વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયા બાદ વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મેસમાંથી ખાદ્ય પદાર્થોના ૨૬ સેમ્પલ તેમજ પાણીના ૬ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા થયેલી ચકાસણીમાં ખાદ્ય પદાર્થોના ૬ અને પાણીના પાંચ સેમ્પલ ફેઈલ થયા છે.આમ મેસ ચલાવનાર કોન્ટ્રાક્ટર શિલ્પા હોસ્પિટાલિટી કમ કેટરિંગ સર્વિસની નિષ્કાળજી પ્રાથમિક તબક્કે છતી થઈ છે.
આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે સેપલની ચકાસણીમાં ટોમેટો કેચઅપ, રાઈ, અને ખાંડના નમૂના ઉતરતી કક્ષાના હોવાનું તેમજ ચોખા, ચણા, મગ અને બેસનના નમૂના સુરક્ષિત નહીં હોવાનું બહાર આવ્યું છે.સાથે સાથે પાણીના ૬ સેમ્પલ પૈકી પાંચ સેમ્પલ પણ ફેઈલ ગયા છે.આ પાંચ સેમ્પલમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક ઇ કોલાઈ બેકટેરિયા મળી આવ્યા છે.આ પાણીનો ઉપયોગ રસોઈ બનાવવા માટે પણ થતો હતો.
ઉલ્લેખનીય છે કે, ફૂડ પોઈઝનિંગના કારણે ૧૩૫ જેટલી વિદ્યાર્થિનીઓને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી હતી.આ મામલામાં ભારે રજૂઆતો પછી પણ મેસ કોન્ટ્રાક્ટ શિલ્પા હોસ્પિટાલિટીના સંચાલક સામે યુનિવર્સિટી સત્તાધીશોએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી.
સ્વચ્છતા અને સુરક્ષાની જાણકારીનો અભાવ
કેન્ટીનો અને મેસમાં કર્મચારીઓ માટે માસ્ક ફરજિયાત હોવા જોઈએ
યુનિ.ની ફૂડ ઈન્સ્પેક્શન કમિટિએ સૂચનો સાથે સત્તાધીશોને અહેવાલ સુપરત કર્યો
ગર્લ્સ હોસ્ટેલની મેસમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ હોસ્ટેલમાં ચાલતી વિવિધ મેસ અને ફેકલ્ટીઓમાં ચાલતી કેન્ટીનોની ચકાસણી માટે ફૂડ ઈન્સ્પેક્શન અને સેફટી કમિટી બનાવી છે.જેણે પોતાનો અહેવાલ યુનિવર્સિટી સત્તાધીશોને સુપરત કર્યો છે.
કમિટિએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે, મેસ અને કેન્ટીનોમાં કામ કરતા કર્મચારીઓમાં સ્વચ્છતા અને સુરક્ષાને લઈને જાણકારીનો અભાવ છે.કર્મચારીઓને તેના ધારાધોરણોથી વાકેફ કરવા માટે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવું જોઈએ.
કમિટિએ તમામ મેસ અને કેન્ટીનોમાં વ્હાઈટવોશ કરાવવાની, સફાઈ માટેનું શિડયુલ બનાવવાની ભલામણ કરી છે.કેન્ટીનો અને મેસમાં કર્મચારીઓ કામ કરતી વખતે અને રસોઈ બનાવતી વખતે ફરજિયાત માસ્ક પહેરે તેમજ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવું પણ સૂચન કર્યું છે.