ભારતના ધ્વજ અને સૈન્યનું મનોબળ તૂટે તેવું કૃત્ય કરતી ફેસબુક પોસ્ટ : સાવલીના વૃદ્ધ સામે ફરિયાદ
Vadodara : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો વચ્ચે સાવલીના વૃદ્ધ દ્વારા દેશના વડાપ્રધાન અને ભારતના ઝંડાનો વાંધાનજક વીડિયો સોશિયલ મીડિયામાં રિપોસ્ટ કરતા વૃદ્ધ વિરૂદ્ધ સાવલી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ હુમલા બાદથી તણાવભર્યા સંબંધો છે. સ્થિતી સામાન્ય બને તે માટે બંને દેશોના આર્મીના ટોચના અધિકારીઓ દ્વારા 12 મે સુધી યુદ્ધ વિરામ જાહેર કર્યો હતો. આ વચ્ચે દેશથી લઇને જિલ્લા સુધીનું વાતાવરણ ના ડહોળાય તે માટે નાગરિકોને સતત સતર્ક રહેવા માટે જણાવાયું છે. અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર કોઇ પણ પ્રકારે ભડકાઉ અને ભ્રમિત કરનારી પોસ્ટ, લખાણ, અથવા વીડિયોથી દુર રહેવા માટે જણાવાયું છે.
સાવલીમાં સત્તાર શેખ નામની ફેસબુક પ્રોફાઇલ દ્વારા ભારતના ઝંડા અને વડાપ્રધાનને વાંધાજનક રીતે દર્શાવે તેવો વીડિયો રીશેર કર્યો હતો. જે હાલના તણાવના સમયગાળા દરમિયાન ભારતીય સેનાના પરાક્રમોને બિરદાવવાની બદલે નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરે તેવા ઇરાદાથી કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે સત્તારમીયા નશરુમીયા શેખ (ઉં. 63) (રહે. સાવલી) સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.