Get The App

રાંધેજા નજીક કારે પિતા પુત્રને અડફેટે લીધા : પુત્રનું મોત નિપજ્યું

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
રાંધેજા નજીક કારે પિતા પુત્રને અડફેટે લીધા : પુત્રનું મોત નિપજ્યું 1 - image


જિલ્લાના માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે

રસ્તો ઓળંગીને જઈ રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલી કારે અકસ્માત સર્જ્યો : પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે રાંધેજા પાસે રસ્તો ઓળંગી રહેલા પિતા પુત્રને કાર ચાલકે હડફેટલી લીધા હતા. જે અકસ્માતમાં પુત્રનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે ગંભીર ઘાયલ પિતાને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે તેની સાથે આસપાસના હાઇવે માર્ગો ઉપર પણ અકસ્માતો સાવ સામાન્ય થઈ ગયા છે. આ સ્થિતિમાં ગઈકાલે રાત્રે ગાંધીનગર રાંધેજા માર્ગ ઉપર રસ્તો ઓળંગી રહેલા પિતા પુત્રને કારચાલકે હડફેટે લીધાની ઘટના બહાર આવી છે. જે ઘટના સંદર્ભ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાધેજા ખાતે આવેલી ધ લક્ઝરીયા બંગલોઝ વસાહતમાં મજૂરી કામ માટે રહેતા મોહનભાઈ લક્ષ્મણભાઈ રોત અને તેમનો ૧૫ વર્ષીય પુત્ર અશોક રોત ગઈ કાલે રાત્રે ૯  વાગે રાંધેજા માર્ગ ઉપર રસ્તો ઓળંગી રહ્યા હતા તે દરમિયાન ગાંધીનગરથી રાંધેજા તરફ જઈ રહેલી કારના ચાલક દ્વારા આ પિતા પુત્રને હડફેટે લેવામાં આવ્યા હતા. જે ગંભીર અકસ્માતમાં અશોકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જ્યારે આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા સ્થળ ઉપર આવી પહોંચી હતી અને જ્યાં અશોકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે તેના પિતા મોહનભાઈને શરીર ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના અંગે આ વસાહતના ચોકીદાર મેલાજી રતાજી ઠાકોરની ફરિયાદના આધારે પેથાપુર પોલીસ દ્વારા કારના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. 

Tags :