For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સૌરાષ્ટ્રમાં ભરશિયાળે ઠેર-ઠેર કમોસમી વરસાદ, વિસાવદર, બીલખામાં 2 ઈંચ

- માવઠાંથી કૃષિની માઠી દશાઃ રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી

- તલાલા ગીર વિસ્તારમાં ગોળના રાબડાં બંધ કરવા પડયા, આંબાઓને નુકસાન

Updated: Nov 19th, 2021


માળીયા મિયાણા 1, તલાલા ગીર 1થી 1।। અને દ્વારકા પંથકમાં  અર્ધો ઈંચઃ જામનગર, ટંકારા, હળવદ, ભાટિયા, ખંભાળિયામાં માવઠાં

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે ભરશિયાળે કારતકી પુનમના દિવસે અનેક સ્થળે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જુનાગઢ જિલ્લામાં વિસાવદર અને બીલખામાં બે કલાકમાં જ ધોધમાર બે ઈંચ વરસાદ વરસી જતા ખેતરોમાં પાણી ભરાયા હતા તો અન્ય જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદના અહેવાલો મળ્યા છે. આવતીકાલે પણ સૌરાષ્ટ્રમાં અમરેલી,ભાવનગર સહિત વિસ્તારમાં વરસાદની આગાહી છે. 

વિસાવદરમાં ભરચોમાસા જેવો માહૌલ સર્જાયો હતો અને બીલખા તથા આસપાસના ઉમરાળા, થુંબાળા, કોટડા, પીપળીયા, બંધાળા સહિતના વિસ્તારોમાં પણ બે ઈંચ વરસાદથી ખેતરોમાં હજુ ઉગી રહેલા જીરૂ, ઘંઉ સહિત રવિપાકના કુમળા છોડને નુક્સાનની ભીતિ સર્જાઈ છે. ભેંસાણ સહિત જુનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમનો વરસાદી માહૌલ રહ્યો છે. મેંદરડામાં માવઠાંએ ખેડૂતોની માઠી દશા સર્જી છે. 

તલાલા ગીર વિસ્તારમાં આજે બપોરે બે વાગ્યે મુશળધાર વરસાદ વરસ્યો હતો. ધાવાગીર, મોઢુકા, જસાપુર ગીર વિસ્તારમાં એકથી દોઢ ઈંચ તો રસુલપરા, વાડલા, બામણાસા,આંકોલવાડી ,બોરવાવ, લુશાળા ગીર વિસ્તારમાં અર્ધો ઈંચ જેટલો આફતનો વરસાદ વરસ્યો હતો.

તલાલા ગીરમાં કસમયના વરસાદી માહૌલથી  કેરીના આંબાઓને નુક્શાનની અને ભેજના કારણે પાકમાં રોગચાળાની ભીતિ સર્જાઈ છે તો તલાલા પંથકના ખેડૂતોએ દેશીગોળ  બનાવવાના શરૂ કરેલા રાબડાં વરસાદી માહૌલના કારણે બંધ કરવા પડયા છે જે હવે દસ-બાર દિવસ પછી શરૂ થવાની સંભાવના છે. 

પવિત્ર યાત્રાધામ દ્વારકા  તથા કલ્યાણપુરમાં ૭ મિ.મિ.વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે ટાઢનું જોર વધ્યું છે. ભાટીયા પંથકમાં વરસાદી છાંટા વરસ્યા હતા તો જામનગરમાં પણ બર્ફીલા પવન સાથે માવઠું વરસ્યું હતું. ખંભાળિયા-ભાણવડ માર્ગ પરના માંઝા, લલીયા વગેરે ગામોમાં આજે છાંટા વરસ્યા તો ખંભાળિયા-દ્વારકા માર્ગ પર સોનારડી, ભાતેલ, દાત્રાણા, વગેરે ગામોમાં અર્ધો ઈંચ જેટલો વરસાદ વરસ્યાનું જણાવાયું છે.  મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદનું જોર જારી રહ્યું હતું, મોરબી તાલુકામાં ૬ મિ.મિ., ટંકારા અને હળવદ તાલુકામાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા છે. કપાસ અને મગફળીના પાકને નુક્શાનના અહેવાલો છે. 

Gujarat