અર્વાચીન રાસમાં ખેલૈયાઓને ઓળખપત્ર દેખાડયા બાદ જ પ્રવેશ


રાજકોટમાં પોલીસની આયોજકો માટે થોકબંધ સુચનાઓ દરેક સુચનાનું  પાલન કરાવવાને બદલે પોલીસ વ્યવહારૂ અભિગમ દાખવે તેવી સંભાવના

રાજકોટ, : રાજકોટમાં અર્વાચીન એટલે ડીસ્કો ડાંડીયાના આયોજકો સાથે શહેર પોલીસ કમિશનરે આજે મિટીંગ યોજી ૨૮ એટલે કે થોકબંધની વ્યાખ્યામાં આવે તેટલી સુચનાઓનું પાલન કરવા તાકીદ કરી હતી, જેમાં મુખ્યત્વે ખેલૈયાઓની સાચી ઓળખ પ્રસ્થાપિત કરી પછી જ તેને પ્રવેશ આપવાની સુચનાનો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે આયોજકોને ખેલૈયાઓનું ઓળખપત્ર ચેક કરીને જ પ્રવેશ આપવા માટે જણાવાયું છે. 

જો કે દર વખતે પોલીસ આ રીતે ઘણી બધી સુચનાઓ જારી કરતી હોય છે. પરંતુ તેની અમલવારીમાં ગંભીર બનાવ ન બને ત્યાં સુધી વ્યવહારૂ અભિગમ દાખવતી હોય છે. કારણકે પોલીસ દ્વારા જેટલી સુચનાઓનું પાલન કરવાનું જણાવાય છે તેમાંથી બધી સુચનાઓનું પાલન કરવું ઘણી વખત આયોજકો માટે શકય પણ હોતુ નથી. 

પોલીસે જે સુચનાઓનું પાલન કરવાની તાકીદ કરી છે તે મુજબ અર્વાચીન રાસના આયોજકોને પ્રાઈવેટ સિકયુરીટી રાખવાની રહેશે. જેને ઓળખકાર્ડ આપવાના રહેશે. એન્ટ્રી, એકઝીટ ગેઈટની સંખ્યા વધુમાં વધુ રાખવાની રહેશે. દરેક ગેઈટ પર પ્રાઈવેટ સિકયુરીટી રાખવાની રહેશે. એન્ટ્રી અને એકઝીટ ગેઈટ અલગ અલગ રાખવાના રહેશે. ઈમરજેન્સી ગેઈટ ઉપરાંત મહિલા અને પુરૂષો માટે અલગ-અલગ ગેઈટ રાખવાના રહેશે. 

દરેક એન્ટ્રી ગેઈટ પર ડોર ફ્રેમ મેટલ ડીટેકટર ફરજિયાત લગાડવાના રહેશે. એટલુ જ નહી તેનો ઉપયોગ પણ કરવાનો રહેશે.! પ્રાઈવેટ સિકયુરીટી મારફત ચેકીંગ કરવાનું રહેશે. મહિલા સિકયુરીટી ગાર્ડ પણ રાખવાના રહેશે. 

દરેક એન્ટ્રી, એકઝીટ ગેઈટ પર ફરજિયાત સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે. જેનું મોનીટરીંગ પ્રાઈવેટ સિકયુરીટીના માણસો મારફત કરાવવાનું રહેશે. સીસીટીવીના ફુટેજ સીડી અગર તો ડીવીડી ફોરમેટમાં સાચવીને રાખવાના રહેશે. જરૂર જણાય તેને પોલીસ પાસે રજુ કરવા પડશે. 

પ્રાઈવેટ સિકયુરીટી ગાર્ડ મારફત જ પાર્કિંગ તેમજ બીજી તમામ વ્યવસ્થા જાળવવાની રહેશે. દેરક વાહનના નંબર, વાહનનો પ્રકાર રજીસ્ટરમાં લખવો પડશે. આ ઉપરાંત આરસી બુક, ડ્રાઈવિંગ લાયસન્સ અગર તો તેના પુરાવાની રજીસ્ટરમાં નોંધ કરવાની રહેશે. પાર્ક થતા વાહનો પર નજર રાખવાની રહેશે. બીનવારસી કે વધુ સમયથી પડેલા વાહનો બાબતે પોલીસને જાણ કરવાની રહેશે. ખુલ્લી જગ્યામાં થોડા થોડા અંતરે વાહનો પાર્ક કરાવવાના રહેશે. વાહન ચોરીના બનાવો ન બને તેનું ધ્યાન પ્રાઈવેટ સિકયુરીટી ગાર્ડના માણસોને  રાખવાનું રહેશે. 

ગરબામાં અશ્લીલ કાર્યક્રમ યોજાશે તો આઈપીસી કલમ ર૯૦ મુજબ પોલીસ કાર્યવાહી કરશે. જો કોઈ અઘટીત બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે. આગ અકસ્માતથી રક્ષા માટે અગ્નિશામાનના સાધનોની પુરતી વ્યવસ્થા કરવાની રહેશે. ઈલેકટ્રીક સીસ્ટમ માટે અલગ-અલગ ઓપરેટરો રાખવાના રહેશે. જેમાંથી જવાબદારે મેઈન સ્વીચ પાસે ઉપલબ્ધ રહી વિજળીની વ્યવસ્થામાં વિક્ષેપ ન પડે તેનું ધ્યાન રાખવાનું રહેશે. 

ગરબા સ્થળ આસપાસના વિસ્તારમાં શંકાસ્પદ વ્યકિતની હીલચાલ પર પ્રાઈવેટ સિકયુરીટીના માણસો ઉપરાંત સ્વયંસેવ(ખાનગી કપડા) એ વોચ રાખવાની રહેશે. બેગ કે બીજી ચિજવસ્તુઓ પ્રવેશદ્વાર પાસે જ ટોકન લઈ જમા લેવાની રહેશે. જો તેમાં કાંઈ શંકાસ્પદ જણાય તો તેની ચકાસણી પણ કરવાની રહેશે. 

કોઈ પણ પ્રકારની અફવાઓને ઉત્તેજન આપવાનું રહેશે નહી. એટલુ જ નહી તેનું ચાલુ ગરબામાં માઈક સીસ્ટમ દ્વારા પ્રસારણ પણ કરી શકાશે નહીં. જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તત્કાળ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરવાની રહેશે. ગરબાના સ્થળે વધારે પ્રમાણમાં બેરીગેટીંગ બાંધવાની રહેશે. ગરબાના સ્થળની ચારેય દીશામાં ચાર વોચ ટાવર ઉભા કરી તેના ઉપરથી રોજ વિડીયો શુટીંગ કરવાનું રહેશે. ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાડવાના રહેશે. 

આયોજકોએ પોતાના કાર્યક્રમની હદ્દના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ, હોસ્પિટલ, પોલીસ કન્ટ્રોલ રૂમના નંબર રાખવાના રહેશે. ચીફ ફાયર ઓફિસરની એનઓસીની શરતોનું પાલન કરવાનું રહેશે. તમામ સ્વયંસેવકો, ઈલેકટ્રીશ્યલ, પ્રાઈવેટ સિકયુરીટી ગાર્ડ, સ્ટોલના ધારકો વગેરેને ઓળખપત્ર આપી તેમાં નામ, સરનામા, ફોન નંબર સહિતની માહિતી સ્થાનિક પોલીસને આપવાની રહેશે. 

ગરબાના સ્થળની ક્ષમતા કરતા આયોજકો વધુ પ્રમાણમાં ટીકીટ કે પાસનું વિતરણ કરી શકશે નહીં. રાજકીય કે બિનરાજકીય હોદ્દેદારો, વ્યકિત દ્વારા વર્ગ વિગ્રહ, સામાજિક ભાવનાઓ કે શાંતી જોખમાય તેવંસ કોઈ પણ કૃત્ય, ઉશ્કેરણીજનક ભાષણ, પોસ્ટર, પ્રદર્શન કે અન્ય પ્રવૃતિ કરી શકાશે નહી. કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનું પણ આયોજકોએ પાલન કરાવવાનું રહેશે. 

સુપ્રિમ કોર્ટના નિર્દેશો મુજબ આ વખતે પણ  : નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે : રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડયું ન હોવાથી સવારે સી.પી.એ રાતે ૧૦ સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે તેમ આયોજકોને કહ્યું હતું

રાજકોટ, : ર૦૦પ ની સાલમાં સુપ્રિમ કોર્ટે રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી લાઉડ સ્પીકર, મ્યુઝીક સિસ્ટમ વગાડવા પર અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદયો હતો. જો કે તેની સાથે જ સુપ્રિમ કોર્ટે દરેક રાજય સરકારને વર્ષના ૧પ દિવસ સુધી રાતના ૧ર વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા માટે મંજુરી આપી હતી.  ગુજરાતમાં દર વખતે આ મંજુરીનો રાજય સરકાર નવરાત્રી વખતે ઉપયોગ કરે છે. નવરાત્રીના નવ દિવસ દરમ્યાન ગરબાઓમાં રાતના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા માટે છુટ આપવામાં આવે છે.  આજે રાસ-ગરબાના આયોજકો સાથેની મિટીંગમાં શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે રાતના 10 વાગ્યા સુધી લાઉડ સ્પીકર માટે પરમીશન હોવાનું જણાવ્યું હતું. 

તેની પાછળનું કારણ એવું છે કે રાજય સરકારે નવરાત્રી દરમ્યાન રાતના ૧ર વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા માટેની મંજુરીનું જાહેરનામું આજે સવાર સુધી બહાર પાડયું ન હોવાથી પોલીસ કમિશનરે રાતના ૧૦ સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે તેમ કહી આયોજકોને જણાવ્યું હતું કે રાજય સરકાર પરમીશન આપી દેશે એટલે રાતના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે જ. મોડી સાંજે રાજ્ય સરકારે રાતના 12 સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે એવી જાહેરાત કરીને જાહેરનામું બહાર પાડતાં જ શહેર પોલીસે પણ આયોજકો અને ખેલૈયાઓની અસમંજસ દુર કરવા રાતના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની મંજુરી હોવાનુ સ્પષ્ટ કર્યું હતું.

City News

Sports

RECENT NEWS