પોસ્ટ વિભાગમાં ખાનગીકરણનો ભય: કર્મચારીઓએ પડતર માગ મુદ્દે કામકાજ ઠપ કરી નોંધાવ્યો વિરોધ
Valsad News: પોસ્ટ વિભાગમાં ખાનગીકરણની વધતી આશંકાઓને લઈને દેશભરના પોસ્ટ ઑફિસ કર્મચારીઓએ આજે શુક્રવારે (18 જુલાઈ) બે કલાક માટે કામકાજથી અળગા રહીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ હડતાળને કારણે પોસ્ટ વિભાગની સેવાઓ પર અસર જોવા મળી હતી. વલસાડ જિલ્લામાં પણ કર્મચારીઓએ તેમની મુખ્ય માંગણીઓને સરકાર સમક્ષ રજૂ કરી હતી અને જો આ માંગણીઓ નહીં સંતોષાય તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
ખાનગીકરણનો ભય અને માંગણીઓનો પડઘો
હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "ઇન્ટીગ્રેટેડ ડિલિવરી સેન્ટર"નું નામ બદલીને "પોસ્ટલ ડિલિવરી સેન્ટર" રાખવું જોઈએ. આ ઉપરાંત, પોસ્ટમેનોની સુવિધાઓ અને કાર્યક્ષમતામાં સુધારો લાવવા માટે અનેક મહત્ત્વપૂર્ણ માંગણીઓ કરવામાં આવી હતી.
પોસ્ટ વિભાગના કર્મચારીઓની મુખ્ય માંગણીઓ
- બધા પોસ્ટમેનોને ડિલિવરી માટે ઈ-બાઇક પૂરી પાડવામાં આવે.
- ડિલિવરી સેન્ટરનું નામ બદલીને પોસ્ટલ ડિલિવરી સેન્ટર કરવું.
- ડિલિવરી સેન્ટરોમાં સોર્ટિંગ/હેડ પોસ્ટમેન મૂકવા જોઈએ.
- પોસ્ટલ જેસીએને આપેલા તમામ વચનોનો તાત્કાલિક અમલ કરવો.
- 2010 અને 2012ના સ્થાપના ધોરણો અનુસાર પોસ્ટમેન બીટ સ્થાપિત કરવા.
- શાખા પોસ્ટ ઑફિસોની ડિલિવરીને ડિલિવરી સેન્ટરો સાથે જોડવી નહીં.
- બધા ડિલિવરી સેન્ટરોમાં વોશરૂમ, પીવાના પાણી અને પાર્કિંગ સુવિધાઓ જેવી ઓછામાં ઓછી સુવિધાઓ પૂરી પાડવી.
- ડિલિવરી સેન્ટરોમાં એલઆર પોસ્ટ મંજૂર કરવી.
- બધા પોસ્ટમેનોને મોબાઇલ ફોન પૂરા પાડવા.
- પોસ્ટમેનોને તબીબી (મેડિક્લેઇમ) અને અકસ્માત વીમો પૂરો પાડવો.
- કામના ભારણમાં મુસાફરી કરેલ અંતરને પણ ધ્યાનમાં લેવું.
આ પણ વાંચો: રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા, આયોજકોને મળી મોટી રાહત
કર્મચારીઓએ જણાવ્યું હતું કે, પોસ્ટ વિભાગ એ દેશની જનતા સાથે સીધો જોડાયેલો વિભાગ છે અને તેનું ખાનગીકરણ સામાન્ય લોકો માટે મુશ્કેલી ઊભી કરશે. તેમણે સરકારને તેમની માંગણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવી, તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી હતી. જો આ માંગણીઓ પર ધ્યાન નહીં અપાય તો આગામી સમયમાં આંદોલનને વધુ વેગ આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ હડતાળ એ પોસ્ટ વિભાગના કર્મચારીઓના એકતા અને તેમના હકો માટેની લડતનું પ્રતીક બની રહી હતી.