16 બંધ ખાતાં એક્ટિવ કરીને કર્મચારીએ 9.54 લાખ ગુપચાવ્યા
કાલાવડમાં આઊટસોર્સ કર્મચારીની 'સ્વસહાય'! ઓપરેટરે સમાજ સુરક્ષાની યોજનાની રકમ આપ્તજનોને ટ્રાન્સફર કરી દીધી: નાયબ મામલતદાર દ્વારા ફરિયાદ
જામનગર, : જામનગર જિલ્લાના કાલાવડની મામલતદાર કચેરીના સમાજ સુરક્ષા વિભાગના એક ડેટા ઓપરેટરે સમાજ સુરક્ષાની સહાયના 16 જેટલા ખાતેદારોના ખાતામાંથી 9.54 લાખની રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી સરકાર સાથે છેતરપિંડી અને ઉચાપત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
કાલાવડના મછલીવડ ગામના વતની અને મામલતદાર કચેરીમાં સમાજ સુરક્ષા વિભાગમાં ડેટા ઓપરેટર તરીકે 8 વર્ષથી નોકરી કરતા ધુ્રવરાજસિંહ જીવુભા જાડેજાને આઉટસોર્સિંગ તરીકે નોકરી પર રખાયા છે, જેણે પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરી, ૯.૫૪ લાખની ઉચાપત કરીને સરકારને નુકસાન પહોંચાડયું હોવાની ફરિયાદ કાલાવડની મામલતદાર કચેરીના નાયબ મામલતદાર મહેશભાઇ બાબુભાઇ કમેજળીયાએ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપી ધુ્રવરાજસિંહ જાડેજાએ સમાજ સુરક્ષાની સહાય યોજના હેઠળના 16 જેટલા ખાતેદારોના બંધ ખાતા પોતે એક્ટિવ કરી લઈ તેમાં સહાયની રકમ મેળવીને પોતાના અંગત લોકોના ખાતામાં ટ્રાન્સફર કરી દઇ સરકાર સાથે નાણાકીય ઉચાપત કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.