For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

DGTRના રિપોર્ટ બાદ સ્થળ તપાસના આધારે એન્ટી ડમ્પિંગ ડયૂટી અંગે નિર્ણય લેવાશે

Updated: Sep 13th, 2021

Article Content Image

-ડયૂટી અંગે ઉદ્યોગકારોમાં બે અલગ-અલગ મતઃ બેઝીક રો મટિરિયલ ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં હોવી જોઇએ એવું તારણ નીકળે છે

સુરત,

એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાદવા, નહી લાદવાનો નિર્ણય પહેલાં ડીજીટીઆરના રિપોર્ટ બાદ સ્થળ તપાસ કરાવવામાં આવશે. આ મામલે સમગ્ર ટીમને કામે લગાડી છે અને તેઓના તારણોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે, એમ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંઘે ઉદ્યોગકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

જોકે, બેઝીક રો મટિરિયલ ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં હોવી જોઇએ એવું તારણ નીકળે છે. એન્ટી ડમ્પીંગ ડયૂટીને લઇને મંત્રાલય સમક્ષ જુદાજુદા સેકટરની વિવિધ ડિમાન્ડ આવેલી છે. કેટલાક ઉદ્યોગકારો એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદવા માટે હા પાડે છે અને કેટલાક ના પાડે છે. વારાણસી અને સાલેમમાં કપડું બનાવતા 70 ટકા જેટલા એકમો બંધ થઇ ગયાં છે. ભારતમાં સિલ્કનું યાર્ન તૈયાર કરવા માટે આવશ્યક કુશળતા નથી. આ કુશળતા ચાઇના પાસે છે અને ચાઇનાથી સિલ્ક યાર્ન આયાત થાય છે. આથી તેના ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદવી જોઇએ નહી એમ ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ રજૂઆત કરી હતી.

બાંગ્લાદેશ અને તિરૃપુરમાં સારી રીતે ગારમેન્ટીંગ થાય છે. ત્યાં ગારમેન્ટને ડેવલપ કરવા માટે ઇન્સ્ટીટયુટ પણ છે. આથી ભારતમાં પણ સારી રીતે ગારમેન્ટીંગ કરી શકાય તે હેતુથી પ્રોસેસિંગ યુનિટોને મજબુત કરવા માટે અને માર્કેટીંગ સપોર્ટ માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ઉભી કરવાની રજૂઆત ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલે કરી હતી. સુરતના મોટા ભાગના ઉદ્યોગકારો આયાતી યાર્ન ઉપર નિર્ભર છે. પોલીએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લાગૂ કરવામાં આવશે તો સૌથી વધુ વિપરીત અસર  ઉદ્યોગકારોને થશે, એમ મયુર ગોલવાળાએ કહ્યું હતું.

ટેકસટાઇલ કમિશનર રૃપ રાશીએ જણાવ્યું હતું કે, ટફની સબસિડી માટે રુ. ૭૦૦ કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું હતું, જેમાંથી રુ. 150 કરોડનું ફંડ વપરાઇ ગયું છે. જરૃરિયાતમંદોને ટફની સબસિડી મળી રહે તે અંગે કામગીરી ચાલી રહી છે.  સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં ગતરોજ ભારત સરકારના ટેકસટાઇલ સચિવ ઉપેન્દ્ર પ્રસાદ સિંઘ અને ટેકસટાઇલ કમિશનર રૃપ રાશી સાથે ઉદ્યોગકારોની મિટીંગ યોજાઇ હતી. જેમાં ઉદ્યોગકારોએ એન્ટી ડમ્પીંગ ડયૂટી અને ટફની સબસિડી સહિતના વિવિધ મામલે પોતપોતાની રજૂઆતો ટેકસટાઇલ મંત્રાલયના બંને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી.

Gujarat