For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાહત: ગુજરાત સરકારે વેપારી વર્ગની રસી લેવાની સમયમર્યાદા લંબાવી, જાણો વિગત

Updated: Jul 31st, 2021

ગાંધીનગર, 31 જુલાઇ 2021 શનિવાર

મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળ યોજાયેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા 15મી ઓગસ્ટ 2021 સુધી લંબાવવામાં આવી છે. આ મુદ્દત 31 જુલાઇએ સમાપ્ત થતી હતી.

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ (GCCI) દ્રારા CM રૂપાણીને પત્ર લખીને રજુઆત કરવામાં આવી હતી કે હજી ઘણા વેપારીઓને વેક્સિન લેવાની બાકી છે. અમે તમામ વેપારી એસો.એ આ વેક્સિનેશન ડ્રાઇવને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે અને કેમ્પ પણ યોજ્યા છે. 

વેક્સિનના જથ્થાની અછતના કારણે અમે અમારા વેપારીઓને વેક્સિન આપી શક્યા નથી. જેથી આ સમય મર્યાદા વધારીને 15 ઓગસ્ટ સુધી કરવામાં આવે, ત્યાર બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. 50 ટકા ઉપર વેપારીઓનું રસીકરણ પુરૂ થઇ ગયું હોવાનું અનુમાન છે. સમય ઓછો બચ્યો હોવાથી શહેરના વેક્સીનેશન સેન્ટરો પર વેપારીઓની ભીડ જોવા મળી રહી હતી.

રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર 1 ઓગસ્ટથી જો વેપારીઓએ વેક્સિન લીધી નહિ હોય તો તેમને કોઈ વાણિજ્યક પ્રવૃત્તિ કરવા દેવામાં નહીં આવે. જેથી ઘણા વેપારીઓને નુકશાન થાય તેમ હતું. આમ પણ રાજ્યનાં ઘણા બધા વેપારીઓ, ફેરિયાઓ, હોટેલ- રેસ્ટોરન્ટ સહિતના વેપારી એકમોના માલિકો, સંચાલકો અને સ્ટાફને વેક્સિન લેવાની બાકી હોઈ આ સમયમર્યાદા વધારવા માટે રજૂઆત કરાવામાં આવી હતી.

Gujarat