જામનગરના કાલાવડ મામલતદારની કચેરીના ડેટા ઓપરેટરે સરકારને રૂપિયા 9.54 લાખનો ચૂનો લગાડ્યો
Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડની મામલતદાર કચેરીના સમાજ સુરક્ષા વિભાગના એક ડેટા ઓપરેટરે સમાજ સુરક્ષાની સહાયના 16 જેટલા ખાતેદારોના ખાતામાંથી 9.54 લાખની રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી સરકાર સાથે છેતરપિંડી અને ઉચાપત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડની મામલતદાર કચેરીના નાયબ મામલતદાર મહેશભાઈ બાબુભાઈ કમેજળીયાએ ગઈકાલે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે કાલાવડ તાલુકાના મછલીવડ ગામના વતની અને મામલતદાર કચેરીમાં સમાજ સુરક્ષા વિભાગમાં ડેટા ઓપરેટર તરીકે છેલ્લા આઠ વર્ષથી નોકરી કરતા ધ્રુવરાજસિંહ જીવુભા જાડેજા કે જેને આઉટસોર્સિંગ તરીકે નોકરી પર રખાયા છે, અને તેણે પોતાના હોદ્દો દૂરઉપયોગ કરીને સરકારને 9.54 લાખની ઉચાપત કરીને નુકસાની પહોંચાડ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ફરિયાદીના જણાવ્યા અનુસાર આરોપી ધુવરાજસિંહ જાડેજા કે જેણે કોમ્પ્યુટર ડેટા ઓપરેટર તરીકેની કામગીરી દરમિયાન સમાજ સુરક્ષાની સહાય યોજના હેઠળના 16 જેટલા ખાતેદારો કે જેઓના ખાતા બંધ હતા, તે ખાતા પોતે એક્ટિવ કરી લઈ તેમાં સહાયની રકમ મેળવીને પોતાના અંગત લોકોના ખાતામાં ટ્રાન્સફર કરી દઇ સરકાર સાથે નાણાકીય ઉચાપત કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. કાલાવડ પોલીસે ડેટા ઓપરેટર ધ્રુવરાજસિંહ જાડેજા સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 316(5), 336(3), અને 340(2) મુજબ ગુનો નોધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.