For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉંઝા APMCમાં રૂ.630 કરોડથી પણ વધુના ટેક્સ ચોરી કૌભાંડમાં રૂતુલ પટેલને આગોતરા જામીન નહી

Updated: Sep 24th, 2022

અમદાવાદ,તા.24 સપ્ટેમ્બર 2022,શનિવાર

ઉંઝા એપીએમસી(ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)ના ખોટા લાયસન્સ બનાવી ઇન્કમટેક્ષની ચોરી કરી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાના રૂ.૬૩૦ કરોડથી પણ વધુના ચકચારભર્યા કૌભાંડમાં મહત્વના આરોપી એવા રૂતુલ મનુભાઇ પટેલના આગોતરા જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ એસ.એસ.પી.જૈને આકરા વલણ સાથે ફગાવી દીધા હતા. 

આરોપીઓએ ઇન્કમટેક્ષની ચોરી કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડયુ હોઇ આગોતરા જામીન આપી શકાય નહી ઃ સરકાર 

ઇન્કમટેક્ષની ચોરી કરવા માટે ઉંઝા એપીએમસી માર્કેટના ખોટા લાયસન્સ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી જુદી જુદી બેંકોમાં રજૂ કરી રૂ.૬૩૦ કરોડથી પણ વધુ રકમના ગેરકાયદે ટ્રાન્ઝેકશનો કરવાના કૌભાંડમાં આરોપી ધારક જગદીશભાઇ પટેલ, યોગેશ અમૃતલાલ મોદી, ચિન્મય રસિકભાઇ પટેલ, મૌલિક દિનેશભાઇ પારેખ, રૂતુલ મનુભાઇ પટેલ અને ઉદય ચંદ્રેશભાઇ મહેતા વિરૂધ્ધ ઘાટલોડિયા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ચકચારભર્યા આ કેસમાં પોતાની સંભવિત ધરપકડથી બચવા મેમનગરમાં એ-વન સ્કૂલની સામે પૂર્વી ટાવરમાં રહેતા આરોપી રૂતુલ મનુભાઇ પટેલ દ્વારા કરાયેલી આગોતરા જામીનઅરજીનો સખત વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપી ખૂબ જ ગંભીર પ્રકારના કરોડો રૂપિયાના આર્થિક કૌભાંડમાં સંડોવાયેલો છે. આરોપીએ આ કામના અન્ય આરોપીઓ સાથે મળીને ઇન્કમટેક્ષની કરોડો રૂપિયાની ચોરી કરવાનું ગુનાહિત કાવતરૂ રચ્યું હતું અને તેના ભાગરૂપે ઉંઝા એપીએમસી માર્કેટના ખોટા લાયસન્સનો સાચા તરીકે ઉપયોગ કરી જુદી જુદી બેંકોમાં તેને રજૂ કરી તેના આધારે કરોડોના ટ્રાન્ઝેકશન કરી મોટી રકમના ઉપાડ કર્યા હતા અને સરકારની તિજોરીને બહુ મોટુ આર્થિક નુકસાન પહોંચાડયુ હતું. આ કેસમાં અન્ય આરોપીઓને પકડવાના બાકી છે અને કેસની તપાસ હાલ નાજુક તબક્કામાં છે. જો આવા સમયે આરોપીને જામીન અપાય તો આરોપી દ્વારા કેસના સાક્ષીઓ, ફરિયાદીને ડરાવે ધમકાવે અને પ્રલોભન આપી તપાસને પાંગળી કરે તેવી પણ પૂરી શકયતા છે. આ સંજોગોમાં કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દેવી જોઇએ. 

- આરોપી વિરૂધ્ધ કરોડોનો ટેક્ષ નહી ભરી છેતરપીંડીનો ગંભીર ગુનો : કોર્ટ

કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી રૂતુલ પટેલ ઉંઝા એપીએમસી માર્કેટના ખોટા લાયસન્સ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી જુદી જુદી બેંકોમાં રજૂ કરી સરકારમાં ટેક્સ નહી ભરી કરોડો રૂપિયાની છેતરપીંડી આચરવાનો ગંભીર ગુનો આચર્યો છે. ખૂજ ગંભીર અને સંવેદનશીલ એવા આ કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે ત્યારે હાલના તબક્કે આરોપીના આગોતરા જામીન મંજૂર કરી શકાય નહી અન્યથા કેસની તપાસને અસર થાય. 

વધુ વાંચો : ઉંઝા ખેતીવાડી બજારના બોગસ લાઈસંસ આધારે બેંકોમાં 640 કરોડની હેરાફેરીઃ છ સામે ફરિયાદ

Gujarat