વડોદરા શહેરના લેહરીપુરા ન્યુ રોડ પર ડીવાઇડરનું કામ બંધ કરી દેતા વિવાદ : અકસ્માત સર્જાયા
Vadodara : વડોદરા શહેરની મધ્યમાં આવેલા લહેરીપુરા-ન્યુ રોડ પર લગાવવામાં આવેલા રોડ ડિવાઇડરનું કામકાજ છેલ્લા કેટલાય દિવસથી યેનકેન બંધ કરી દેવાયું છે. રોડ રસ્તો પ્રમાણમાં ખૂબ સાંકડો હોવાથી આ કામગીરી બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજી બાજુ કેટલાક ડિવાઇડરો તૂટી પણ ગયા છે. આ ઉપરાંત અન્ય ડિવાઇડરો રોડની વચ્ચોવચ ફીટ કરાયા વિના ગોઠવી દેવાયા છે. જેનાથી કોઈ મોટો અકસ્માત સર્જાવાની ભીતિ પણ રહે છે. રોડ રસ્તા વચ્ચે પડેલા ડિવાઇડરોને કારણે અવારનવાર રોજિંદા ત્રણથી ચાર નાના-મોટા અકસ્માતો પણ થાય છે. પરિણામે આ રોડ ડીવાઈડરો લહેરીપુરા ન્યુ રોડ પરથી વહેલી તકે હટાવી લેવાય એવી લોક માંગ છે.
આ ઉપરાંત લહેરીપુરા-ન્યુ રોડ પર રોડની બંને બાજુએ આવેલા મોટા ફૂટપાથ કાપીને નાના કરવામાં આવે તો પણ રોડ રસ્તા પહોળા થઈ શકે છે. આ ઉપરાંત દુકાનદારો પોતપોતાનો માલ સામાન પણ ફૂટપાથ પર ગોઠવીને રાહદારીઓને ચાલવાની જગ્યા પણ રહેવા દેતા નથી. જો આવા દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તો કાયમી ધોરણે દુકાનદારો પોતાનો માલ સામાન ફૂટપાથ પર ગોઠવવાનું બંધ કરી દે એ હકીકત છે.