વાસણાના સોલાર પેનલના વેપારી સાથે 74 લાખની છેતરપિંડીઃ દંપતી વિરૂદ્ધ ફરિયાદ

અમદાવાદ,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

વાસણાની અનુરાધા સોસાયટીમાં રહેતાં અને સોલા સિસ્ટમ, સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટનો વેપાર કરતા વેપારી સાથે ૭૪ લાખની છેતરપિંડી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. વાસણા પોલીસે બુધવારે વેપારીની ફરિયાદ આધારે સુરતના દંપતી વિરૂદ્ધ ઠગાઈનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સુરતના દંપતીએ  ૩૦૦ કેવીની સોલાર પેનલનો ઓર્ડર લઈ એડવાન્સ રકમ મેળવી માલ મોકલ્યો ન હતો. 

સુરતના દંપતીએ સોલાર પેનલ આપવાની બાંહેધરી આપી પૈસા લઈ માલ ના મોકલ્યો 

 વાસણાના દીંગત નરેન્દ્ર શાહએ જીનલબહેન ઈલેશભાઈ શાહ અને તેમના પતિ ઈલેશ સુનીલભાઈ શાહ બંને રહે, સનશ્રેય રેસીડન્સી, વેસુ, સુરત વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદીને સોલાર પેનલની ખરીદી કરવાની હોય તેઓએ સુરતના ઈલેશ શાહ અને તેમના પત્ની જીનલબહેન સાથે વાતચીત કરી મેઈલ દ્વારા ઓર્ડર આપ્યો હતો. આરોપી પતિ-પત્નીએ દીંગતભાઈને સોલાર પેનલ પહોંચાડવાની ખાતરી આપી જીએસટી બિલ સાથે કુલ રૂ.૭૩,૬૨,૩૨૪નો ભાવ જણાવ્યો હતો. આ રકમ એડવાન્સ મોકલી આપવાની વાત કરતા વેપારી દીંગતભાઈએ આરોપીઓના ખાતામાં એડવાન્સ પૈસા ભરાવી દીધા હતા. ૨૩મી મે,૨૦૨૨માં રકમ ચૂકવી દીધા બાદ આરોપીઓએ ત્રણ દિવસમાં માલ મોકલી આપવાની ખાતરી આપી પણ સોલાર પેનલ મોકલી ન હતી. ફરિયાદી એડવાન્સ આપેલી રકમ પરત માંગતા આરોપીએ ખાતામાં ચેક ભરાવ્યાની રસીદ મોકલી પણ પૈસા ભરાયા ન હતા. આ રીતે જૂદા જૂદા વાયદા કરી ફરિયાદીના પૈસા કે સોલાર પેનલનો માલ આરોપીઓએ ના મોકલી છેતરપિંડી આચરી હતી. ફરિયાદીએ સુરત ખાતે જઈને તપાસ કરી ત્યાં પણ પતિ-પત્ની મળી આવ્યા ન હતા. પિતાએ ઈલેશ શાહ મુંબઈ ગયો હોવાની ત્યાંથી ધંધો કરતો હોવાની વાત કરતા ફરિયાદી મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈમાં આરોપીને ફોન કરતા જવાબ ના મળ્યો કે આપેલ સરનામે પણ પત્તો લાગ્યો ન હતો. બનાવને પગલે ફરિયાદીએ વાસણા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ-પત્ની વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. 

City News

Sports

RECENT NEWS