For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દાંતામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની સામ સામે ફરિયાદ,પોલીસે કહ્યું પુરાવાના આધારે પગલાં લેવાશે

પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં બંનેમાંથી કોઈને ઈજાના નિશાન જણાયા નથી

હવે મેડિકલ પુરાવા અને FSLના પુરાવાના આધારે તપાસ કરીને પગલાં લેવામાં આવશે

Updated: Dec 5th, 2022

Article Content Image

અમદાવાદ, 5 ડિસેમ્બર 2022, સોમવાર

ગઈકાલે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે કોંગ્રેસના હંગામા બાદ આજે સવારે મળી આવ્યાના સમાચાર છે. આ મામલે બનાસકાંઠામાં દાંતા બેઠકના ભાજપના ઉમેદવાર લઘુ પારઘી અને કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીએ સામસામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. 

પુરાવાના આધારે  પગલાં લેવાશેઃ પોલીસ
જિલ્લા પોલીસ વડાના જણાવ્યા  પ્રમાણે, પ્રાથમિક તપાસમાં બંનેમાંથી કોઈને ઈજાના નિશાન જણાયા નથી. છતાં પોલીસે બંને ઉમેદવારોનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. પોલીસે તપાસ બાદ દોષિતો સામે થશે કાર્યવાહીનો દાવો કર્યો છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે ફરિયાદમાં ગાડીઓની ટક્કરનો ઉલ્લેખ છે. જેના અનુસંધાનમાં તપાસ માટે પોલીસે FSLની ટીમ મોકલી છે. હવે મેડિકલ પુરાવા અને FSLના પુરાવાના આધારે તપાસ કરીને પગલાં લેવામાં આવશે.

ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો : કાંતિ ખરાડી
આ અંગેની કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે માહિતી આપતા કહ્યું હતું કે અમારે ફોન પર વાતચીત થઇ છે અને તેઓ મળી ગયા છે. ત્યારે ગુમ થવા અંગે કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, તેઓ પર ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ ગઈકાલે રાતે દાંતાના છોટા બામોદરા ગામેથી ગુમ થયા હતા. પરંતુ અત્યારે મળતી માહિતી મુજબ કોંગ્રેસના ગુમ થયેલા ધારાસભ્ય કાંતિ ખરાડી મળી ગયા છે. 

કાંતિ ખરાડીના આરોપ પર ભાજપનો પલટવાર
કાંતિ ખરાડીના ગુમ થવા મામલે રાજકારણ ગરમાયુ છે. દાંતાના કોંગી ઉમેદવાર કાંતિ ખરાડીના આરોપ પર ભાજપના ઉમેદવાર લાઘુ પારઘીએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, કાંતિ ખરાડીએ  મારા પર હુમલો કરાવ્યો. હું દાંતા ભાજપ કાર્યાલયથી મારા ઘર તરફ જઈ રહ્યો હતો,ત્યારે રસ્તામાં કાંતિ ખરાડીની 25 જેટલી ગાડીઓ સામે આવી ગઈ હતી. મારી ગાડીને ટક્કર મારીને તોડી નાખી. ધોકા અને તલવારો લઈને મારવા આવ્યા હતા. હું જીવ બચાવવા માટે નાસીને પોલીસ સ્ટેશને આવ્યો છું.

Gujarat