For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી વિશ્લેષણ : 2015ની સરખામણીએ ભાજપની ઝોળીમાં 95 જેટલી નવી સીટ આવી, જ્યારે કોંગ્રેસે 120 જેટલી સીટ ગુમાવી

Updated: Feb 23rd, 2021

અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી 2021, મંગળવાર

રાજ્યમાં બે દિવસ પહેલા યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામો આવ્યા છે. આ વખતની મનપા ચૂંટણીના પરિણામોએ એકદમ નવી સમીકરણો બનાવ્યા છે. ઓવરઓલ જોઇએ તો રાજ્યની તમામ 6 મનપામાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. તો કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. જે રીતે દેશમાં કોંગ્રેસ નબળી પડી રહી છે, તેનો વધું એક પરચો ગુજરાત મનપાની ચૂંટણીમાં જોવા મળ્યો છે. 

તો આ તરફ આમ આદમી પાર્ટીની ગુજરાતના રાજકારણામાં એન્ટ્રી થઇ છે. સુરતમાં 27 સીટો પર આપનો વિજય થયો છે. જેની સામે સુરતમાં કોંગ્રેસ પોતાનું ખાતુ ખોલવામાં પણ સક્ષમ રહી નથી. તો આ તરફ અમદાવાદમાં ઓવૈસીની પાર્ટીએ સાત સીટો પર વિજય મેળવીને ગુજરાતમાં એન્ટ્રી કરી છે. તો સૌરાષ્ટ્રના જામનગરમાં બસપાએ પાંચ સીટો સાથે ગુજરાતમાં પોતાનું ખાતુ ખોલ્યું છે.

આ તમામ કારણોસર હવે આવનારા સમયમાં ગુજરાતના રાજકારણને નવી દિશા મળે તો નવાઇ નહીં. માત્ર સુરત જ નહીં પણ રાજ્યની તમામ મનપામાં કોંગ્રેસને ધોબીપછાડ મળ્યો છે. ચૂંટણીના પરિણામો બાદ હવે વિવિધ શહરોના કોંગ્રેસ પ્રમુખોના રાજીનામાનો દોર શરુ થયો છે. 

ગુજરાતાની ગત મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 6 મનપાની કુલ 388 બેઠક પર કબ્જો મેળવ્યો હતો. જ્યારે 175 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. તો વર્તમાન મનપાની ચૂંટણીમાં ભાજપે રાજ્યની મનપાની કુલ 483 બેઠકો પર જીત મેળવી છે. તો કોંગ્રેસ માત્ર 55 સીટો પુરતી સિમિત રહી ગઇ છે. રાજ્યમાં 6 મનપાની કુલ 576 સીટો માટે ચૂંટણી યોજાઇ હતી. ભાજપે તમામ 6 મનપામાં 2015ના વર્ષની સરખામણી ઘણુ સારુ પ્રદર્શન કર્યુ છે. જ્યારે તમામ શહેરોમાં કોંગ્રેસની નાવ ડૂબી છે.

- અમદાવાદની વાત કરીએ તો 2015ના વર્ષમાં 192માંથી ભાજપને 142 બેઠક મળી હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 49 બેઠક ગઈ હતી. એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી. ત્યારે આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકામાં અત્યાર સુધીના પરિણામોમાં ભાજપે 159 બેઠક કબ્જે કરી છે જ્યારે કોંગ્રેસ માત્ર 25 બેઠકો પુરતી સિમિત થઇ છે. એટલે કે ગત ચૂંટણીની સરખામણીએ ભાજપને 17 બેઠકો વધારે મળી છે. તો કોંગ્રેસે પોતાની 24 બેઠકો ગુમાવી છે.

- રાજકોટની વાત કરીએ તો 2015ની ચૂંટણીમાં કુલ 72માંથી 38 બેઠકો પર ભગવો લહેરાયો હતો, જ્યારે 34 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. ત્યારે આ વખતે રાજકોટમાં ભાજપે 30 બેઠકોના વધારા સાથે જંગી વિજય મેળ્યો છે. તો 2015માં જે કોંગ્રેસ પાર્ટી બહુમતિથી માત્ર 3 સીટો દૂર હતી તેનું આ વખતે 30 સીટો પર ધોવાણ થયું છે. 

- આ તરફ જામનગરમાં 2015માં કુલ 64માંથી ભાજપના ફાળે 38 બેઠક ગઈ હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 24 બેઠક ગઈ હતી અને 2 બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી. તેની સામે આ વર્ષે 12 બેઠકના વધારા સાથે ભાજપે 50 સીટો મેળવી છે અને તેની સામે કોંગ્રેસે 13 બેઠકો ગુમાવી છે. ખાસ વાત એ છે કે ત્રણ બેઠક પર બસપાનો વિજય થયો છે.

- ભાવનગરમાં ગત મનપાની ચૂંટણીમાં 52માંથી 34 બેઠક પર કમળ ખિલ્યું હતું. જ્યારે કૉંગ્રેસના ફાળે 18 બેઠક ગઈ હતી. આ વર્ષે 10 બેઠકના વધારા સાથે ભાજપે 44 બેઠક પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસની 10 સીટોમાં ઘટાડો થયો છે.

- સંસ્કારી નગરી વડોદરામાં 2015માં કુલ 76માંથી ભાજપના ફાળે 57 બેઠક ગઈ હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 14 બેઠક ગઈ હતી. ચાર બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી. ત્યારે આ વખતે ભાજપને 12 સીટોનો વધારો મળ્યો છે અને કુલ 69 સીટો પર વિજય મેળવ્યો છે. સામા પક્ષે કોંગ્રેસે 7 બેઠકો ગુમાવી છે અને 7 બેઠકો જીતી છે. 

- સુરતની વાત કરીએ તો ગત ચૂંટણીમાં કુલ 116માંથી ભાજપના ફાળે 76 બેઠક ગઈ હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 36 બેઠક ગઈ હતી. ત્યારે આ વખતે સુરત મનપાની કુલ 120 બેઠકો હતી તેમાંથી 93 બેઠક પર ભાજપનો વિજય થયો છે, એટલે કે 67 સીટોનો વધારો. જ્યારે સુરતમાં કોંગ્રેસે એક પણ બેઠક જીતી નથી. તો આપનો 27 બેઠક પર વિજય થયો છે.


Gujarat