For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કતલખાનાની PILમાં સરકારનો જવાબ : ફુડ સેફ્ટી લાયસન્સવાળી 344 મટન-શોપ્સને કલોઝર નોટિસ

Updated: Sep 24th, 2022

અમદાવાદ,તા.24 સપ્ટેમ્બર 2022,શનિવાર

રાજયમાં ગેરકાયદે રીતે ધમધમતા કતલખાનાઓ મુદ્દે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં રાજય સરકારે જવાબ રજૂ કરી બચાવ રજૂ કર્યો હતો કે, સત્તાવાળાઓ દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના રૂલ્સ-૨૦૧૧ની જોગવાઇઓનો ભંગ કરનાર આવી ૩૪૪ મટન શોપ્સ(કતલખાનાઓ)ને સત્તાવાળાઓ દ્વારા કલોઝર નોટિસ ફટકારવામાં આવી છે. હાઇકોર્ટે સરકારના સોગંદનામાને રેકર્ડ પર લઇ કેસની વધુ સુનાવણી આગામી  સપ્તાહે રાખી છે. 

ફુડ સેફ્ટી કાયદાની જોગવાઇનો ભંગ કરનાર એકમો વિરૂધ્ધ પ્રોસીકયુશન માટે સૂચના જારી

ગેરકાયદે કતલખાનાઓ મુદ્દે દાખલ થયેલી પીઆઇએલમાં એડવોકેટ  ધર્મેન્દ્ર ફોફાણીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટના નિર્દેશોનો ભંગ થાય તે પ્રકારે હજુ પણ ગુજરાતમાં ઘણા કતલખાનાઓ ગેરકાયદે રીતે ધમધમી રહ્યા છે. રાજયના મોટાભાગના કતલખાનાઓમાં ફુડ સેફ્ટી, ટ્રોન્સપોર્ટ અને પ્રદૂષણ સહિતના કાયદાઓની જોગવાઇઓનું પાલન જ થઇ રહ્યુ નથી. ખુદ અરજદાર દ્વારા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વડોદરા, પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ધમધમતા ગેરકાયદે કતલખાનાઓ અંગે સરકારના સત્તાવાળાઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, છતાં હજુ સુધી સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. 

આ કેસમાં સરકારના ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ તરફથી સોંગદનામું રજૂ કરી જણાવાયું હતું કે, સરકારના સત્તાવાળાઓ દ્વારા અરજદારે ધ્યાન દોર્યું છે તે સહિતના ૧૫૧ સ્થાનો પર સર્ચ અને તપાસ હાથ ધરવામાં આવ્યા છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના રૂલ્સ-૨૦૧૧ની જોગવાઇઓનો ભંગ કરનાર આવી ૩૪૪ મટન શોપ્સ(કતલખાનાઓ)ને સત્તાવાળાઓ દ્વારા કલોઝર નોટિસ ફટકારવામાં આવી છે. સાથે સાથે આ કાયદાની જોગવાઇઓનો ભંગ કરનારા તમામ એકમો સાથે સિવિલ અને ક્રિમીનલ પ્રોસીકયુશન કરવા પણ તમામ ફુડ સેફ્ટી અધિકારીઓ અને ડેઝીગ્નેટેડ અધિકારીઓને સૂચના આપી દેવાઇ છે. સરકારના સત્તાવાળાઓ આ મામલે તમામ પગલાં ભરવા તત્પર છે. 

Gujarat