For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડુમ્મસ રોડની સાસ્કમા કોલેજની ઘટના: સામાન્ય બાબતમાં NSUI અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારી

Updated: Aug 5th, 2022

Article Content Image

- ખુરશી સામ સામે મારતા ગભરાટનો માહોલ, બે વિદ્યાર્થીઓને ઇજાઃ કોલેજ સ્ટાફ અને પોલીસ દોડયા
- નર્મદ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી પહેલા મારા મારી થતા વિદ્યાર્થી જગતનું રાજકારણ ગરમાયુ


સુરત
ડુમ્મસ રોડ લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની બાજુમાં આવેલી સાસ્કમા કોલેજમાં આજે એનએસયુઆઇ અને એબીવીપીના વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે છુટા હાથની મારા મારી ઉપરાંત એક બીજા ઉપર ખુરશી ફેંકતા વાતાવરણ તંગ થઇ ગયું હતું. ઘટનાને પગલે કોલેજનો સ્ટાફ અને ઉમરા પોલીસ તુરંત જ ઘટના સ્થળે ઘસી ગઇ હતી.
ડુમ્મસ રોડ સ્થિત લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની બાજુમાં આવેલી સાસ્કમા કોલેજમાં આજે અગિયાર વાગ્યાના અરસામાં એનએસયુઆઇ અને એબીવીપી જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ છુટા હાથની મારા મારી શરૂ થઇ ગઇ હતી. જેમાં બંને પક્ષે પચ્ચીસથી વધુનું ટોળું એકબીજા પર તૂટી પડયું હતું અને ફિલ્મી માહોલ જોવા મળ્યો હતો. બંને પક્ષે છુટા હાથની મારામારી અંતર્ગત એક બીજા ઉપર ખુરશી પણ ફેંકી હતી. જેમાં એબીવીપીના એક વિદ્યાર્થીને માથામાં ઇજા થઇ હતી. જયારે છુટા હાથની મારામારીમાં એનએસયુઆઇના મયુર ધાનેકરને ફ્રેક્ચર થયું હતું. જયારે અન્ય લોકોને મુઢ માર વાગ્યો હતો. ઘટનાની જાણ થતા કોલેજના આચાર્ય આશિષ દેસાઇ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને કંટ્રોલ રૂમમાં જાણ કરતા ઉમરા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે એનએસયુઆઇ અને એબીવીપીના વિદ્યાર્થીઓ વચ્ચેનો મામલો થાળે પાડી તેઓને ઉમરા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. જયાં ફરીયાદ નોંધવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી. પરંતુ બંને વિદ્યાર્થી સંગઠનના નેતાઓ વચ્ચે વાતચીત અંતર્ગત સમાધાન થઇ ગયું હતું. આ અંગે ઉમરા પીઆઇ એ.એચ. રાજપૂતે જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ એબીવીપીના વિદ્યાર્થીને સામાન્ય બોલાચાલીમાં માર માર્યો હતો. આ મુદ્દે સમાધાન થઇ ગયા બાદ આજે પુનઃ ઝઘડો થયો હતો. જયાે સામે પક્ષે એનએસયુઆઇએ એબીવીપીના એક વિદ્યાર્થીને માર માર્યોનો ઇન્કાર કર્યો હતો.

છોકરીની છેડતી કે પછી સેનેટની ચૂંટણી સંદર્ભે બંને જૂથ સામ સામે આવ્યા તે અંગે તર્ક વિતર્ક
આગામી દિવસોમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટનું ઇલેકશન છે તેના ગણતરીના દિવસો અગાઉ એનએસયુઆઇ અને એબીવીપીના વિદ્યાર્થીઓ વચ્ચે મારમારી થતા રાજકારણ ગરમાયું છે. બીજી તરફ એવું પણ ચર્ચાય રહ્યું છે કે છોકરીની છેડતી મુદ્દે ઠપકો આપતા ગત રોજ ઝઘડો થયો હતો. જેની અદાવતમાં બંને જૂથ સામ સામે આવી ગયા હોવાનું ચર્ચાય રહ્યું છે.

માર મારીનું કારણ શું ? જાણવા તપાસ કિમિટી બનાવાશે
સાસ્કમા કોલેજના આચાર્ય આશિષ દેસાઇએ જણાવ્યું હતું કે બંને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે કઇ બાબતે ઝઘડો થયો અને મામલો મારા મારી સુધી કેમ પહોંચ્યો તે અંગે તપાસ કમિટી બનાવામાં આવશે. તેમાં જે વિદ્યાર્થી કસૂરવાર જણાશે તેમની વિરૂધ્ધ પગલા લેવામાં આવશે.

Gujarat