રવિવારે ચોટીલા ડુંગરની પરિક્રમા : 1 લાખ ભાવિકો ઉમટવા અંદાજ
તા. 30 માર્ચથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિની તડામાર તૈયારી : સૌરાષ્ટ્રમાં ગીરનાર પછી ચોટીલા ડુંગરની પરિક્રમાનું વધતું મહત્વઃ ચામુંડા માતાજીના મંદિરના દ્વારનવરાત્રિમા વહેલી સવારે ખુલશે
રાજકોટ, : આગામી તા. 30ને રવિવારે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે જે ઉજવવા સૌરાષ્ટ્રના માઈ મંદિરોમાં ધર્મોત્સવોના આયોજનો થયા છે. નવરાત્રિના પ્રારંભના દિવસ ચૈત્રસુદ-એકમના દિવસ રવિવારે ચોટીલા ડુંગરની પરિક્રમાનું સવારે 8 વાગ્યે નવગ્રહ મંદિરથી આયોજન કરાયું છે અને આ દિવસ સાપ્તાહિક રજાનો હોય અંદાજે એક લાખથી વધુ પરિક્રમા અને ડુંગર પર દર્શન માટે ભાવિકો ઉમટી પડે તેવો અંદાજ છે.
સૌરાષ્ટ્રમાં પ્રાચીન કાળથી પવિત્ર પર્વતો એવા ગીરનારની પરિક્રમા જગવિખ્યાત છે ઉપરાંત પાલીતાણાની ૬ ગાંઉ પરિક્રમા પણ વિશ્વ પ્રસિધ્ધ છે. હવે ચોટીલા ડુંગરની પરિક્રમામાં પણ ધસારો વધતો જાાય છે, જો કે ત્યાં વિકસીત રૂટનો અભાવ છે. માત્ર 5 કિ.મી.ની આ પરિક્રમામાં દર વર્ષે ભાવિકોની સંખ્યા વધતી રહે છે.
રવિવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતો હોય ચોટીલા ડુંગર ટ્રસ્ટના સૂત્રો અનુસાર ભાવિકોના ધસારાના ધ્યાને લઈને પ્રથમ નોરતા તા. 30થી નવમા નોરતા તા. 6 સુધી ડુંગર પર જવાના દ્વાર વહેલી સવારે 5 વાગ્યે ખોલવામાં આવશે અને આરતીનો સમય પણ આ દિવસોમાં સવારે 5-30 વાગ્યાનો રહેશે. જ્યારે સાંજની આરતીનો સમય સૂર્યાસ્ત સમયે યથાવત્ રહેશે.