માટીબાગમાં બાળકીનો ભોગ લેનાર જોય ટ્રેનના CCTV ફૂટેજ મળતા નથી
વડોદરાઃ કમાટીબાગમાં જોય ટ્રેનની અડફેટે ચાર વર્ષની બાળકીનું મોત નીપજવાના બનાવમાં બે દિવસ પછી પણ પોલીસ સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ કરી રહી છે.
જંબુસરના પઠાણ પરિવારના સભ્યો બે દિવસ પહેલાં વડોદરાના કમાટીબાગની સહેલગાહે આવ્યા હતા ત્યારે જોય ટ્રેનની અડફેટમાં આવી ગયેલી ખાતીજા પરવેઝભાઇનું કરૃણ મોત નીપજ્યું હતું.
બનાવને પગલે કોર્પોેરેશન અને સયાજી ગંજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.પોલીસે ટ્રેનના ડ્રાઇવર અશ્વિન ચંદુભાઇ ડામોર(ગોધરા),જોય ટ્રેનના મેનેજર, અન્ય કર્માચારીઓ,નજરે જોનારા સાક્ષી તેમજ બાળકીના પરિવારજનોના નિવેદનો લઇ બનાવની વિગતો મેળવી હતી.
જો કે,બે દિવસ પછી પણ હજી પોલીસને સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા નથી.આજે ડીસીપી જૂલી કોઠીયાએ પત્રકારોને કહ્યું હતું કે,બાળકી રમતી હતી તે દરમિયાન આ બનાવ બન્યો હતો.આરટીઓમાં તપાસ કરાવતાં આ વ્હીકલના લાયસન્સની નોંધણી ત્યાં થતી નથી તેમ કહેવાયું છે.જ્યારે,મેનેજર કહે છે કે,ટ્રેન ચલાવવા માટે ડ્રાઇવર તાલીમ લીધેલ હોવો જોઇએ.જે લાયકાત અશ્વિન પાસે હતી.
આમ ઉપરોકત બનાવમાં હજી અકસ્માત મોતને આધારે તપાસ ચાલી રહી છે.હજી સુધી કોઇ ગુનો નોંધાયો નથી.