દારૂ-બિયર ભરેલી કાર ભાવનગર પહોંચે તે પૂર્વે વલ્લભીપુરથી ઝડપાઈ
- કારમાં સવાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા
- જથ્થો મહેસાણાથી ભાવનગર પહોંચાડવા બુટલેગરે કારનું પાયલોટિંગ કર્યું : પોલીસને જોઈ જતાં રફૂચક્કર થયો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર એલસીબી પોલીસ વલભીપુર ઉમરાળા હાઇવે રોડ પર આવેલ બજરંગ ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, બરવાળા તરફથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ભરેલી કાર ભાવનગર તરફ આવી રહી છે. આ બાતમીના આધારે વલભીપુરમાં આવેલ જૂની સરકારી વિનિયન કોલેજ સામે વોચમાં રહીને બરવાળા તરફથી આવી રહેલી અટગા કાર નં. જીજે.૧૨.બીએફ.૭૬૪૯ને અટકાવીને તપાસ કરાઈ હતી. જેમાં કારની અંદરથી દારૂની નાની મોટી ૯૮૪ બોટલ, કિં. રૂા.૨,૪૬,૨૮૦ તેમજ બિયરના ૨૪૦ ટીન કિં.રૂા. ૪૩,૨૦૦ મળી કુલ રૂ.૨,૮૮,૪૮૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. એલસીબી પોલીસે દારૂ-બિયરનો જથ્થો, કાર અને મોબાઇલ મળી કુલ રૂ.૭,૯૩,૪૮૦ ના મુદ્દામાલ સાથે સાહિલશા અહમદશાહ ફકીર ( રહે.બનાસકાંઠા) અને સુમિત ઉર્ફે મેહુલ જયંતીભાઈ મકવાણા (રહે.સુમનપાર્ક સોસાયટી, કલોલ) ની ધરપકડ કરી હતી.બન્ને ઇસમોની પૂછપરછ કરતા આ જથ્થો ભાવનગરના કુખ્યાત બુટલેગર યોગેશ ચેલારામ સિંધીએ મહેસાણાથીમોકલ્યો હોવાનું જણાવ્યું હતું તેમજ યોગેશ સિંધી પોતાની કાર લઈને દારૂ ભરેલી કારનું પાયલોટિંગ પણ કરતો હોવાનું ઝડપાયેલા બંને ઈસમોએ પોલીસ કબૂલાતમાં ઉમેર્યું હતું. એલસીબી પોલીસે ત્રણેય વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ તળે ગુનો દાખલ કરાવી ફરાર બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.