For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતની ચૂંટણીમાં હારેલા ઉમેદવારો હાઇકોર્ટ પહોંચ્યા, પરિણામ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

ઉમેદવારોએ કરેલી અરજીમાં ચૂંટણીપંચ સહિત રિટર્નિંગ ઓફિસરને પણ પક્ષકાર બનાવ્યા

Updated: Jan 26th, 2023

Article Content Image


અમદાવાદ, 26 જાન્યુઆરી 2023 ગુરૂવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યે એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે ચૂંટણીમાં પરાજિત થયેલા ઉમેદવારોએ હવે હાઈકોર્ટમાં ઘા નાંખી છે. બંને પક્ષના ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતાં ફોર્મ સ્વીકાર્યા હોવાનો કોર્ટમાં થયેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. 

હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં કારણો દર્શાવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના હારેલા ચાર ઉમેદવારો હર્ષદ રિબડીયા, લલિત કગથરા, રઘુ દેસાઈ અને હિતેશ વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ ઉમેદવારોનો એવો આક્ષેપ ચે કે, વિજેતા ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતાં તેમના ફોર્મ સ્વીકારવામાં આવ્યાં છે. ફોર્મમાં સોગંદનામાની વિગતોમાં ભૂલ તેમજ પરિણામોના સર્ટિફિકેટ સહિતના કારણો કોર્ટમાં થયેલી અરજીમાં રજૂ કરવામાં આવ્યાં છે. 

ચૂંટણીપંચ સહિત રિટર્નિંગ ઓફિસરને પણ પક્ષકાર બનાવ્યા
ઉમેદવારોએ કરેલી અરજીમાં ચૂંટણીપંચ સહિત રિટર્નિંગ ઓફિસરને પણ પક્ષકાર બનાવવામાં આવ્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ ચૂંટણી અધિકારીના નિર્ણયને લઈ અરજીમાં દલીલ પણ કરી છે. રઘુ દેસાઈએ જણાવ્યું કે, પરિણામ બાદ અમને 58% મતદાનનું સર્ટિફિરેટ અપાયુ છે અને રાત્રે 10 વાગ્યે ચૂંટણી અધિકારીએ 64% મતદાન થયાનું જાહેર કર્યુ છે. અગાઉ રઘુ દેસાઈએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આક્ષેપો કર્યા હતાં.

રઘુ દેસાઈએ પરાજય બાદ હાઈકમાન્ડને પત્ર લખ્યો હતો
રઘુ દેસાઈએ અગાઉ  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત  સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ તેમની હારની પાછળ કોંગ્રેસના માણસો જ જવાબદાર હોવાનું કહ્યું હતું. તેમજ  ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આક્ષેપો લગાવતા કોંગ્રેસમાં રાજકીય હલચલ વધી હતી. રઘુ દેસાઈએ તેમની હાર માટે જગદીશ ઠાકોરના માણસોએ કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને આથી જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માગ પણ કરી હતી. 

Gujarat