મહુવાના હરીપર રોડ પર બોલેરોએ અડફેટે લેતા બાઈક ચાલકનું મોત
- મહુવા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
- કામ પરથી ઘરે આવી રહેલાં યુવકને અકસ્માત નડતાં ગંભીર હાલતે હોસ્પિ.ખસેડાયો હતો : સારવારમાં દમ તોડયો
મહુવાના નેસવડ ગામે રહેતા વિપુલભાઈ માવજીભાઈ બાંભણીયાએ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં કાના અરજણભાઈ બાંભણીયા (રહે.ભવાનીનગર, મહુવા) વિરૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, નેસવડ ગામે રહેતાં તેમના દાદાના દિકરા ભાઈ અશોકભાઈ રવજીભાઈ બાંભણીયા ગત તા.૧,મેના રોજ રાત્રિના સમયે મહુવાના હરિપરા રોડથી પોતાના ઘરે આવી રહ્યાં હતા ત્યારે જીજે.૧૭.યુયુ.૪૬૧૬ નંબરના બોલેરો વાહનના ચાલક કાના અરજણભાઈ બાંભણીયાએ તેમના ભાઈની બાઈક સાથે અકસ્માત સર્જી તેમના ભાઈને ગંભીર ઈજા પહોંચાડી હતી.જેમને ગંભીર માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજા થતાં પ્રથમ મહુવાની હનુમંત હોસ્પિટલ અને બાદમાં વધુ સારવારાર્થે ભાવનગરની ખાનગી હોસ્પિ.ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન ગત તા.૯ના રોજ તેમનું મોત થયું હતું.આ અંગે મહુવા ગ્રામ્ય પોલીસે બોલેરો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.