For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારનું રાજીનામું રાજ્યપાલનો સોંપ્યું,12મીએ સરકારની શપથવિધિ

ગાંધીનગરમાં શપથવિધિ દરમિયાન વડાપ્રધાન અને અમિત શાહ ઉપસ્થિત રહેશે

આવતીકાલે કમલમ પર ભાજપના ધારાસભ્યોની મીટિંગ મળશે

Updated: Dec 9th, 2022

Article Content Image

ગાંધીનગર 9 ડિસેમ્બર 2022, શુક્રવાર

ગુજરાતમાં ભાજપની જંગી બહુમતીથી જીત થઈ છે. જીત બાદ સમગ્ર ગુજરાતમાં ઉજવણીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની ચાલુ સરકારનું રાજીનામું આપવા માટે રાજભવન પહોંચ્યાં હતાં. તેમની સાથે હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યપાલે ભૂપેન્દ્રભાઈની સરકારનું રાજીનામું સ્વીકારી લીધું હતું.ભાજપની સરકાર બનતાં જ હવે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ 12મી ડિસેમ્બરે શપથ લેશે. ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધી યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે 10 વાગ્યે ગાંધીનગર કમલમમાં ભાજપના ધારાસભ્ય દળની મીટિંગ મળશે.

ભાજપના મોટાભાગના મંત્રીઓની જીત થઈ
આ વખતની ચૂંટણીમાં ભાજપના મોટાભાગના મંત્રીઓની જીત થઈ છે. એક માત્ર કિર્તિસિંહ ચૂંટણી હારી ગયાં છે. બીજી તરફ માણાવદરથી જવાહર ચાવડા પણ ચૂંટણી હારી ગયાં છે. ભૂપેન્દ્ર પટેલની જુની સરકારમાંથી 20માંથી 19 મંત્રીઓની જીત થઈ છે. ભુપેન્દ્ર પટેલ નવા ઈતિહાસ સાથે ફરીથી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે   ત્યારે તેમના નવા મંત્રી મંડળમાં સુરત અને દક્ષિણ   ગુજરાતને કેટલું અને કેવું પ્રતિનિધિત્વ મળે છે તે અંગે   કાર્યકર-નેતાઓ સાથે લોકોમાં ભારે ઉત્સુકતા છે. 156 ધારાસભ્ય હોવાથી મંત્રીઓ પસંદ કરવા માટે ભાજપ પાસે વિશાળ વિકલ્પ છે.

ભૂપેન્દ્ર પટેલે આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. તેમણે આ વખતે કોંગ્રેસના અમીબેન યાજ્ઞિકને હરાવ્યાં છે. અમીબેનને માત્ર 21120 મત મળ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીને ઘાટલોડિયા બેઠક પર 15902 મત મળ્યાં છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ 191360ની લીડથી વિજેતા બન્યાં છે. 

કોંગ્રેસના અમીબેન યાજ્ઞિકને માત્ર 21 હજાર જ મત મળ્યાં
2017ની ચૂંટણી ભાજપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતાપદ હેઠળ લડી હતી. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલને ટીકિટ આપવામાં આવી હતી. જ્યાંથી તેમણે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને હરાવ્યા હતાં. તે વખતે ભૂપેન્દ્ર પટેલ 117750ની લીડથી ચૂંટણી જીત્યા હતાં. આ રેકોર્ડ તેમણે આ વખતે તોડ્યો છે અને 73 હજાર મત વધુ મેળવ્યાં છે. તેમની સામે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકને માત્ર 21 હજાર જ મત મળ્યાં છે. 

ઘાટલોડિયા બેઠક પર 2017માં પ્રથમ વખત ચૂંટણી લડી
ઘાટલોડિયા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર આનંદીબેન પટેલ 2012માં જીત્યાં હતાં. આ બેઠકે ભાજપને બે મુખ્યમંત્રી આપ્યાં છે. ભાજપે અચાનક જ 2021ના ઓગસ્ટમાં વિજય રૂપાણી સરકારને બદલી નાંખી હતી. આ સમયે ભાજપમાં જોરદાર ચહલપહલ જોવા મળી હતી. નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું હતું. તેમણે શપથ લઈને મુખ્યમંત્રી તરીકે ફરજ અદા કરી હતી. ત્યાર બાદ તેમના હસ્તક લડાયેલી આ પ્રથમ ચૂંટણી હતી અને તેમાં ભાજપે જોરદાર પ્રચંડ વિજય પ્રાપ્ત કર્યો છે. 

Gujarat